તેરી યાદ સતાયે… : ફારુખ કૈસર

ઉર્દૂ-હિન્દીના કવિ અને જાણીતા ગીતકાર ફારુખ કૈસરની આજે ૪૩મી પુણ્યતિથિ. ૧૦ નવેમ્બર, ૧૯૮૭ના રોજ એમનું ૬૮ વર્ષની વયે નિધન થયું હતું. એમના ગીતોએ અનેક ફિલ્મોને સફળ બનાવી હતી. પચાસથી એંશીના દાયકા દરમિયાન એમણે ૧૧૫ ફિલ્મો માટે ૩૯૦ ગીતો લખ્યા હતા.

૬ જૂન, ૧૯૧૮ના રોજ ઝવેરી પરિવારમાં એમનો જન્મ થયો. બાર સંતાનમાં એ બીજા નંબરના પુત્ર. બાળપણથી જ લખવા વાંચવાનો શોખ. યુવાનીમાં કાવ્ય લેખન તરફ વળ્યા. સાહિત્યિક, શૈક્ષણિક વિષયક અખબાર-સામાયિકો માટે લખતા થયા. ઉર્દૂ ઉપરાંત અન્ય ભાષાઓ પણ શીખ્યા.

ફરાહ ખાન અને સાજીદ ખાનના પિતા કામરાન ખાન ફારુખ કૈસરના પડોશી હતા. એમણે જ ફારુખને હિંદી ફિલ્મોમાં સર્જનશીલ લેખન તરફ વાળ્યા. કામરાને ફારુખને પોતાની ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર બનાવ્યા. ફારુખ અમુક દૃશ્યો અને સંવાદો સુધારતા. આમ, ગીતકાર બનતાં પહેલાં ફારુખ કૈસરે ઘણી ફિલ્મોનું સહાયક-નિર્દેશન પણ કર્યું હતું.

અભિનેતા કમલ મોહનની દીકરી આઇશા સાથે લગ્ન માટે વાત આગળ વધતા ફારુખે ‘અજી બસ શુક્રિયા’ માટે ‘સારી સારી રાત.. તેરી યાદ સતાયે’ ગીત લખ્યું. મુંબઈની હોસ્પિટલમાં એક વર્ષ ટી.બી.ની સારવાર પણ લીધી.

૧૯૫૯માં લગ્ન કરીને બાંદ્રામાં રહેતાં ફારુખ ફિલ્મો માટે ખૂબ પ્રવાસ કરતા અને પ્રવાસ દરમિયાન પત્ની માટે જે ગીતો લખતા એ ફિલ્મોમાં પણ વપરાયા. ‘પારસમણી’નું ‘ઉઈમા.. ઉઈમા…’ આ જ રીતે લખાયું હતું. ગીતકાર તરીકે જાણીતા બનેલા ફારુખ ઇન્ડિયન પરફોર્મિંગ રાઈટર સોસાયટીના સભ્ય પણ બન્યા. એમના ‘કુરબાની’, ‘ખુદગર્ઝ’ (૧૯૮૭), ‘કુદરત કા કાનૂન’ કે ‘ભગવાન દાદા’ ના ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં. ‘ઇન્સાફ’ અને ‘લવર’ સુધી તેમના ગીતોની પ્લેટીનમ ડિસ્ક બનતી રહી હતી.

(નરેશ કાપડીઆ-સુરત)