બેબી નઝમાથી માલા સિંહા

વીતેલા વર્ષોના હિન્દી, બંગાળી અને નેપાળી ફિલ્મોના જાણીતા અભિનેત્રી માલા સિંહાનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૯૩૬ના રોજ કોલકાતામાં થયો. પોતાની પ્રતિભા અને ખૂબસૂરતી માટે જાણીતા અને પચાસથી સિત્તેરના દાયકાના હિન્દી ફિલ્મોના ટોચના અભિનેત્રી માલા સિંહાએ સો જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં ‘પ્યાસા’, ‘અનપઢ’, ‘દિલ તેરા દીવાના’, ‘ગુમરાહ’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘આંખે’ કે ‘મર્યાદા’ નો સમાવેશ થાય છે.

નેપાળી મૂળના પરિવારમાં જન્મેલા માલા સિંહાના પિતા આલ્બર્ટ સિંહા નેપાળી ખ્રિસ્તી હતા. માલાનું મૂળ નામ તો ‘અલ્ડા’ હતું અને એમની સ્કૂલ ફ્રેન્ડ્સ એમને ‘ડાલ્ડા’ કહીને ખીજવતી એટલે અભિનયની શરૂઆત કરી ત્યારે એમણે પોતાનું નામ બેબી નઝમા રાખ્યું. એ પછી મોટા થઇને માલા સિંહા નામ રાખ્યું. ૧૯૪૭ થી ૧૯૭૫ સુધી એ સ્ટેજ શો પણ કરતા.

ગીતા બાલીએ માલાનો પરિચય કેદાર શર્મા સાથે કરાવ્યો, જેમણે માલાને ‘રંગીન રાતેં’માં નાયિકા બનાવ્યા. ગુરુ દત્ત સાથેની ‘પ્યાસા’ એમના માટે ટર્નિંગ પોઈન્ટ બની. યશ ચોપ્રા નિર્દેશિત પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’માં એમને ખૂબ સફળતા મળી. રાજ કપૂર સાથે ‘પરવરિશ’, ‘મૈ નશેમેં હું’, શમ્મીકપૂર સાથે ‘ઉજાલા’, ‘દિલ તેરા દીવાના’ આવી. માલા સિંહાની કરિયર ટોચ પર હતી ત્યારે ‘બહુરાની’, ‘ગુમરાહ’, ‘ગેહરા દાગ’, ‘અપને હુએ પરાયે’ ‘જહાંનારા’ ‘આંખે’, ‘ગીત’, ‘લલકાર’ અને ‘જિંદગી’ જેવી યાદગાર ફિલ્મો આવી.

માલા સિંહાએ એસ્ટેટ ઓનર સી.પી. લોહાની સાથે લગ્ન કર્યા, પણ લગ્ન પછી એ મુંબઈ જ રહ્યાં. એમની દીકરી પ્રતિભા પણ અભિનેત્રી છે. નેવુંના દાયકા પછી માલાજી પતિ સાથે મુંબઈમાં બાન્દ્રામાં રહે છે.

(નરેશ કાપડીઆ-સુરત)