‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત પાછળની વાતો

માધુરી દીક્ષિત અને નીના ગુપ્તા પર ફિલ્માવવામાં આવેલા ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતનો વિવાદ થયો હતો પણ એ સૌથી વધુ લોકપ્રિય બન્યું હતું અને એક અઠવાડિયામાં એની એક લાખ ઓડિયો કેસેટ વેચાઈ હતી. આ ગીત પાછળની એની સાથે સંકળાયેલા લોકોએ કહેલી અનેક વાતો રસપ્રદ છે. નિર્દેશક સુભાષ ઘઇએ ફિલ્મ ‘ખલનાયક’ (૧૯૯૩) માટે આ ગીત લખવા ગીતકાર આનંદ બક્ષીને એક સ્થિતિ કહી સંભળાવી હતી અને એક મુજરા પ્રકારનું ગીત જરૂરી હોવાનું કહ્યું હતું. ત્યારે બક્ષીએ એને લોકગીત પ્રકારનું બનાવવા સૂચન કર્યું હતું. માધુરી જે સ્થિતિમાં ગીત ગાતી હતી એમાં આ વાત બંધબેસતી હતી.

બક્ષીએ એના પર ગીત તૈયાર કરીને જ્યારે ફોન કર્યો અને પહેલી લીટી ‘ચોલી કે પીછે ક્યા હૈ’ સંભળાવી ત્યારે સુભાષને આંચકો લાગ્યો. એમણે કહ્યું કે આ કેવું ગીત બનાવ્યું છે? અને આ ગીત આપણે બનાવી શકીએ નહીં એવો વિચાર પ્રગટ કરી દીધો. આનંદ બક્ષીએ ધીરજ રાખીને આખું ગીત સાંભળવા કહ્યું. જ્યારે ‘ચોલી મેં દિલ હૈ મેરા, ચુનરી મેં દિલ હૈ મેરા, યે મેં દુંગી મેરે યાર કો, પ્યાર કો’ લખાવ્યું ત્યારે સુભાષ પ્રભાવિત થઈ ગયા અને એમને આખું ગીત ગમી ગયું. આ ગીતમાં માધુરી માટે અવાજ આપનાર ગાયિકા અલકા યાજ્ઞિકને તો ખબર જ ન હતી કે એમાં ‘ચોલી કે પીછે ક્યા હૈ’ જેવા શબ્દો છે. કેમકે એ શબ્દો ઇલા અરુણના સ્વરમાં રેકોર્ડ થવાના હતા. જે ગીત સાથે દિગ્ગજો સંકળાયેલા હોય એના માટે શંકા કરવાનું અલકા માટે કોઈ કારણ ન હતું.

 

અલકા જ્યારે ગીત રેકોર્ડ કરવા સ્ટુડિયોમાં ગયા ત્યારે સંગીતકાર લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે ફક્ત એમને બોલવાની પંક્તિઓ જ લખાવી હતી. કેમકે ઇલાનું રેકોર્ડિંગ અલગથી થવાનું હતું. ઇલાએ જ્યારે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ શબ્દોવાળું ગીત ગાયું છે એવી ખબર પડી ત્યારે એની માતાએ એમ કહ્યું હતું કે આપણાં એટલા ખરાબ દિવસો નથી આવી ગયા કે આવું ગીત ગાવું પડે. ઇલાની માતાને પહેલાં આ ગીત બિલકુલ ગમ્યું ન હતું પણ પાછળથી એના વખાણ કર્યા હતા. લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે આ ગીતમાં પહેલી વખત શરણાઈ જેવા એક નાના વાજિંત્ર સુંદરીનો પહેલી વખત પ્રયોગ કર્યો હતો.

ગીત માટે માધુરીએ નૃત્ય નિર્દેશક સરોજ ખાન સાથે બહુ મહેનતથી ડાન્સ શીખ્યો હતો. પણ થયું એવું કે જે દિવસે ગીતનું શૂટિંગ શરૂ થવાનું હતું એ જ દિવસે તબિયત ખરાબ થઈ હતી અને તાવ આવ્યો હતો. સેટ અને ડાન્સરો સાથે આખું યુનિટ તૈયાર હતું એટલે સુભાષે ગીતનો કેટલોક ભાગ નીના ગુપ્તા પર ફિલ્માવવાનું નક્કી કર્યું હતું. નીનાને ડાન્સ આવડતો ન હતો તેથી માત્ર એના ચહેરાના ક્લોઝઅપ્સ લીધા હતા અને એ એણે બહુ સરસ રીતે આપ્યા હતા. ૩૯ માં ફિલ્મફેરમાં ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત માટે અલકા યાજ્ઞિક અને ઇલા અરુણને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયનનો જ્યારે કોરિયોગ્રાફી માટે સરોજ ખાનને એવોર્ડ મળ્યો હતો.