ગબ્બર સિંહના પાત્રથી સદા યાદગાર બની ગયેલા અમજદ ખાનનો આજે ૮૦મો જન્મદિન. પશ્તુની અભિનેતા જયંતને ત્યાં અમજદનો જન્મ પેશાવર ખાતે ૧૨ નવેમ્બર, ૧૯૪૦ના રોજ થયો. વીસેક વર્ષની અભિનય કારકિર્દીમાં એમણે 130 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
મુંબઈની સેન્ટ એન્ડ્રુઝ હાઈસ્કૂલના વિદ્યાર્થી અમજદ આર. ડી. નેશનલ કોલેજમાં વિદ્યાર્થી મંડળના જનરલ સેક્રેટરી પણ હતા. ફિલ્મોમાં આવતા પહેલાં એમણે રંગમંચમાં પણ કામ કર્યું. સલીમ ખાને એમને શોલેમાં ગબ્બર સિંહની ભૂમિકા ઓફર કરી હતી. આ ભૂમિકાની તૈયારી કરવા એમણે તરુણકુમાર ભાદુરીએ ચંબલના ડાકૂઓ વિશે લખેલું પુસ્તક ‘અભિશપ્ત ચંબલ’ વાંચ્યું હતું.
‘શોલે’ની અભૂતપૂર્વ સફળતાથી એ રાતોરાત સ્ટાર બની ગયા. એમને ભારતીય સિનેમાના ‘શુદ્ધ દુષણ’ રૂપે પણ નવાજવામાં આવે છે. એમના પાત્રના સંવાદો અને બોલવાની શૈલી નકલ એમની લોકપ્રિયતા દર્શાવે છે. એક બિસ્કીટની જાહેરાતમાં પણ એ કહેતા, ‘ગબ્બર કી અસલી પસંદ’! પ્રોડક્ટ વેચવા માટે વિલનના પાત્રનો ઉપયોગ ત્યારે નવો હતો.
છેક નેવુંના દાયકાના આરંભ સુધી અમજદ ખાને ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ કરી. જે ફિલ્મોમાં અમજદની ખલનાયકીની નોંધ લેવી પડે એમાં ‘દેશ પરદેશ’, ‘નાસ્તિક’, ‘સત્તે પે સત્તા’, ‘દાદા’, ‘ચંબલ કી કસમ’, ‘ગંગા કી સૌગંધ’, ‘હમ કિસીસે કમ નહીં’ અને ‘નસીબ’ને યાદ કરી શકાય.
એમણે હકારાત્મક ભૂમિકાઓ પણ કરી છે, જેમાં ‘યારાના’માં અમિતાભના મિત્ર અને ‘લાવારિસ’માં પિતાની ભૂમિકા ઉલ્લેખનીય છે. કેટલીક ફિલ્મોમાં એમની કોમેડિયન ભૂમિકા પણ યાદગાર બની, જેમાં ‘કુરબાની’, ‘લવ સ્ટોરી’ કે ‘ચમેલીકી શાદી’ નો સમાવેશ થાય છે.
અમજદ એક્ટર્સ ગીલ્ડના પ્રમુખ પણ હતા. અભિનેતાઓ, નિર્માતા કે નિર્દેશકો સાથેના વિવાદમાં એ લવાદરૂપે સ્વીકાર્ય રહેતા. શેહલા ખાન સાથે લગ્ન કરનાર અમજદનો દીકરો શાદાબ ખાન પણ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે.
૧૯૭૬માં મુંબઈ-ગોવા હાઈ-વે પર ભીષણ માર્ગ અકસ્માતમાં એમના પાંસળા તૂટયા હતા અને ફેફસાંમાં કાણા પડ્યા હતા. એ વખતે એ અમિતાભ સાથેની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગ માટે જઈ રહ્યા હતા. દવાઓને કારણે એમનું વજન વધી જવાથી અને હૃદયની બીમારીથી માત્ર ૫૧ વર્ષની વયે ૨૭ જુલાઈ, ૧૯૯૨ના રોજ એમનું નિધન થયું હતું.
(નરેશ કાપડીઆ-સુરત)