બી.આર. ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘નયા દૌર’ (1957) ભારતીય સિનેમાની એક ક્લાસિક ફિલ્મ છે. તેમાં
મધુબાલાના બદલે વૈજયંતિમાલા કેમ આવ્યા? અશોકકુમારે ફિલ્મ કેમ ના સ્વીકારી? મહેબૂબ ખાને વાર્તા માટે શું કહ્યું હતું? જેવી અનેક રસપ્રદ વાતો ઉપરાંત એ સમયની ફિલ્મ માટેની ચર્ચા તથા વિવાદોની કેટલીક અજાણી વાતો જાણવા જેવી છે.
1955 માં ‘બી.આર. ફિલ્મ્સ’ ની સ્થાપના કરીને પહેલી ફિલ્મ ‘એક હી રાસ્તા’ (1956) બનાવ્યા પછી નિર્માતા-નિર્દેશક બી.આર. ચોપરા એક અલગ વિષય પર અને મોટા પાયા પર કોઈ ફિલ્મ બનાવવા માગતા હતા. તેમણે ગાંધીજીના એક વિચારને લઈ ફિલ્મની વાર્તા ‘માણસ વિરુદ્ધ મશીન’ની થીમ પર તૈયાર કરાવી. જે આઝાદી પછીના ભારતમાં આધુનિકીકરણ અને તેના કારણે શ્રમિકો પર પડતા પ્રભાવને દર્શાવતી હતી. તેથી ફિલ્મની શરૂઆતમાં ગાંધીજીનું એક વાક્ય પણ લખ્યું હતું. ફિલ્મમાં દિલીપકુમારનો એક સંવાદ પણ છે કે, ‘અમીર ઔર ગરીબ આદમી કા કાહે કા ઝઘડા બાબુ. ઝઘડા તો આદમી કા હાથ ઔર મશીન કા હૈ બસ.’ બી.આર. ચોપરાએ આ વાર્તાને અંતિમ સ્વરૂપ આપ્યું અને ‘મધર ઇન્ડિયા’ બનાવનાર મહેબૂબ ખાન સમક્ષ પ્રતિભાવ મેળવવા રજૂ કરી હતી.

મહેબૂબ ખાનને આ વાર્તામાં કલાત્મક દમ લાગ્યો ન હતો. તેમણે ચોપરાને ચેતવણી પણ આપી હતી કે આ ફિલ્મ તેમની કારકિર્દીને નુકસાન પહોંચાડશે. પરંતુ તેઓ પોતાની વાર્તાની સચ્ચાઈ અને તેની અસરકારકતા પર સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવતા હતા. તેથી તેમણે પડકાર સ્વીકાર્યો. જ્યારે ફિલ્મ સુપરહિટ થઈ અને તેની સફળતાના ૧૦૦મા દિવસે ચોપરાએ મહેબૂબ ખાનને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હતા હતા ત્યારે ખાને જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને ચોપરાના નિર્ણયની પ્રશંસા કરી હતી. દિલીપકુમારે શરૂઆતમાં એના વિષયને કારણે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. કદાચ તેઓ સમાન વિષયવસ્તુ ધરાવતી અન્ય એક ફિલ્મ માટે વચન આપી ચૂક્યા હતા.

દિલીપકુમારના ઇનકાર પછી ચોપરાએ મુખ્ય ભૂમિકા (શંકર) માટે અભિનેતા અશોકકુમારનો સંપર્ક કર્યો હતો. અશોકકુમારને વાર્તા ખૂબ ગમી પરંતુ તેમણે અનુભવ્યું કે તેમનો ‘સૉફિસ્ટિકેટેડ’ દેખાવ ટાંગાવાળા (શંકર)ના ગ્રામીણ અને દેશી પાત્રને યોગ્ય નહીં લાગે. તેમણે ચોપરાને સલાહ આપી કે ફરીથી દિલીપકુમારનો સંપર્ક કરવો જોઈએ. અને કહ્યું કે, ‘ચિંતા કરશો નહીં. તે કાલે અથવા પરમ દિવસે તમને ફોન કરશે.’ અને અશોકકુમારે દિલીપકુમારને ચોપરાની ફિલ્મની વાર્તા ફરીથી ધ્યાન આપીને સાંભળવાનું સૂચન કર્યું. આ એક સારી ફિલ્મ બની શકે એવી છે. તમારે એમાં જરૂર કામ કરવું જોઈએ.
થોડા દિવસોમાં જ દિલીપકુમારે બી.આર. ચોપરાનો સંપર્ક કર્યો હતો અને વાર્તા સાંભળ્યા પછી ફિલ્મ કરવા માટે સહમત થયા હતા. અશોકકુમારની સલાહ પછી દિલીપકુમાર જ્યારે સહમત થયા ત્યારે તેમણે મજાકમાં ચોપરાની પત્ની પાસે ‘સાઇનિંગ અમાઉન્ટ’ તરીકે રૂ.૫૦,૦૦૦ ની મોટી રકમ માગી હતી. ચોપરાએ આ ક્ષણને ખૂબ જ હૃદયસ્પર્શી યાદગીરી તરીકે વર્ણવી હતી.
( ફિલ્મ ‘નયા દૌર’ માં હીરોઈન તરીકે પહેલાં મધુબાલા આવ્યા હતા. પરંતુ પછી એમના નામ પર ચોપરાએ જાહેરમાં કેમ ચોકડી મારી દીધી હતી એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)


