ઘુવડ વિશે આપણા સમાજમા અનેક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે જેના કારણે અનેક વાર ઘુવડને મારવામા કે પકડીને રાખવામા આવે છે. જો આવું જ ચાલતુ રહેશે તો કદાચ ઘુવડની વસ્તી નહીવત થઇ જશે.
ઘુવડ વિશે જે ખોટી માન્યતાઓ છે તેમાં કેટલાક તેને તાંત્રિક વિદ્યા કરવાના નામે શિકાર કરે છે, તો દક્ષિણમા કેટલીક જગ્યાએ ઘુવડને અપશુકનિયાળ માનવામા આવે છે અને ઘર કે ખેતરની આસપાસ ઝાડ પર રહેતા ઘુવડને કેટલીકવાર અકારણ મારવામા કે ભગાડવામા આવે છે.
રસપ્રદ વાત એ છે કે હિન્દુ માન્યતામાં ઘુવડને લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે, પણ આ વાત વિશે બહુ પ્રચાર થતો નથી. ઘુવડ એ જંગલ અને ખેતરોમાં રહેતું માનવના મિત્ર જેવું પક્ષી છે જે નિશાચર હોવાના કારણે તેના વિશે વિવિધ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ખરેખર તો ઘુવડ એ મારા મતે ખેડૂતનો મિત્ર છે. રાત્રિના સમયે ખેતરોમા એ જીવાંત તથા ઉંદર મારી અને પાકને થતું નુકશાન અટકાવે છે. ઘુવડ વિશે જો જરુરી જાગૃતિ ફેલાવવામા આવે તો તેની વિવિધ પ્રજાતિઓ બચી શકે તેમ છે.
Mottled Wood Owl એટલે કે ગિરનારી ઘુવડ કે વન ઘુવડની તસવીર ગીર નેશનલ પાર્કમાં લગભગ દસેક વર્ષ પહેલા સફારી દરમ્યાન રુટ નં-5 પર ક્લીક કરી હતી.
(શ્રીનાથ શાહ)
