ચૂંટણી ભારતમાં છે, પણ પ્રચાર તો પરદેશમાં ય થાય છે….

ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે એટલે ચારેબાજુ ચૂંટણીની જ ચર્ચા હોય એ તો જાણે સમજી શકાય, પણ ભારતમાં યોજાતી ચૂંટણીને લઇને પરદેશમાં પણ ચર્ચા થાય કે એનો પ્રચાર થાય તો કેવું લાગે?

આવું જ કાંઇક આજકાલ લંડનમાં જોવા મળી રહયું છે. અહીંના ભારતીય મૂળના લોકો એટલે કે એન.આર.આઇ. ભારતીય રાજકારણમાં પણ સક્રિય રસ લઇને ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહયા છે.

આમ પણ, ચેરિટી, સામાજિક વિકાસ, આરોગ્ય કે વ્યવસાય જેવા કોઈ પણ ક્ષેત્ર હોય, ભારતની રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓમાં તો એન.આર.આઈ. સમુદાય હંમેશાં રસ લેતો જ આવ્યો છે. હવે રાજકારણ પણ એમાંથી બાકાત નથી. ખાસ તો હવે જ્યારે સોશિયલ મિડિયાનો પ્રચારમાં વ્યાપક ઉપયોગ વધ્યો છે ત્યારે વિદેશસ્થિતિ આ ભારતીયો એમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

હમણાં વિવિધ મુદ્દાઓ પરની ચર્ચા કે કેમ્પેઈન્સ દ્વારા લંડનના આ બિન-નિવાસી ભારતીયો ખાલ પ્રવૃત્ત થયા છે. ઉદાહરણ તરીકે, હમણાં ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બી.જે.પી.’ સાથે જોડાયેલા કેટલાક વિદેશસ્થિત ભારતીયોએ બાઈક-રેલી અને કાર-રેલીનું આયોજન કર્યું હતું. જેને યુવા મતદારો દ્વારા સોશિયલ મિડિયા પર ઘણું સમર્થન પણ મળ્યું હતું. હાલ લોકસભા ચૂંટણીના પ્રચારમાં, ખાસ કરીને અત્યારની સરકારની કામગીરીથી ખુશ અને નરેન્દ્ર મોદીના ચાહકોના આવા કેટલાક ગ્રુપ્સ એમની રીતે મતદારો પર પ્રભાવ પાડી રહયા છે.

વળી, એમાં ફક્ત ભાજપનો જ પ્રચાર હોય છે એવું નથી. આ સમુદાય વિવિધ કલાઓના માધ્યમથી પણ ભારત સરકારની કામગિરીને લોકો સુધી પહોંચાડીને એક અર્થમાં પ્રચારમાં જોડાય છે.

ઉદાહરણ તરીકે, આગામી દિવસોમાં લંડનમાં ડાન્સ એન્ડ ડેવલપમેન્ટ નામની એક ઈવેન્ટ આયોજિત થવાની છે. આ કાર્યક્રમમાં મૂળ ભારતીય, પણ લંડનમાં સ્થાયી થયેલા નૃત્યાંગના રાગસુધા વિંજામૂરી અને સુશિલ રપટવાર મિઝોરામ, મહારાષ્ટ્ર ને કર્ણાટકના દુર્લભ લોકનૃત્યોની પ્રસ્તુતિ કરશે. કલાની સાથે સાથે નરેન્દ્ર મોદી સરકારની કેટલીક સિધ્ધિઓની પ્રસ્તુતિ થશે એવું  સંભવતઃ પહેલીવાર બનશે.

કેન્દ્રિય આદિવાસી વિશ્વવિદ્યાલયોનું નિર્માણ, આદિવાસી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ્સની સ્થાપના, આદિવાસી કલા કસબને સાચવવા માટેના કેન્દ્રો, એકલવ્ય આદર્શ રહેવાસી શાળાઓ, આદિવાસી મંત્રાલય તરફથી ફેલોશીપ-સ્કોલરશીપને બીજાં એવાં અનેક પગલાંઓ દ્વારા મોદી સરકારે આદિવાસીઓના વિકાસ માટે જે અસરકારક વલણ અપનાવ્યું છે એ પણ એમાં દર્શાવાશે.

નૃત્યાંગના રાગસુધા વિંજામૂરી ચિત્રલેખાને કહે છેઃ ‘ડાયસ્પોરા ભારતીયો દર વખતે ચૂંટણીમાં એમની ભૂમિકા ભજવતા જ હોય છે, કારણ કે વિદેશમાં રહેતા હોવા છતાં એ લોકોના પરિવાર-મિત્રો સહિતનું મોટું વર્તુળ અહીં ભારતમાં હોય છે. મારા મતે ભારતમાં વસતા આ લોકો પર ડાયોસ્પોરાની અપીલ ચોક્કસ અસર કરે છે. યુ.કે.માં નરેન્દ્ર મોદીના ચાહકોનો મોટો સમુદાય છે અને એ આ માટે સતત પ્રયત્નશીલ છે.’

આમાંથી અમુક સ્વયંસેવકો તો આ માટે ખાસ ભારત આવ્યા છે તો બાકીના પરદેશમાં રહીને પણ પોતપોતાના વિસ્તાર માટે મોદીની તરફેણમાં જુવાળ ઊભો કરવા સક્રિય છે. આ ઉપરાંત, રેલી, કવિ સંમેલન, ચાય પે ચર્ચા વગેરે જેવા કાર્યક્રમો દ્વારા પણ સારું એવું ધ્યાન ખેંચી રહયા છે.