કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ સસ્તી દવા, સસ્તું પેટ્રોલ જેવા વચનોની લ્હાણી

અમદાવાદઃ ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષે મેનિફેસ્ટો પ્રજા સમક્ષ રજૂ કર્યો છે. મેનિફેસ્ટો ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતની પ્રજાને ભૂતાન અને સ્કેન્ડીનેવીયન કન્ટ્રીની જેમ ખુશહાલ જોવા માગે છે. ગુજરાતની પ્રજા સાહસિક છે, વેપારધંધામાં ખૂબજ માહેર છે. દરેક ક્ષેત્રે અગ્રેસર છે. આ ગુજરાતની પ્રજા ખુબ જ  ખુશ અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે એવો કોંગ્રેસનો પ્રયાસ રહેશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અશોક ગહેલોત, શકીલ અહેમદ, દીપક બાબરીયા, નિશિથ વ્યાસ , હસુમુખ પટેલ, મનીષ દોશી તેમ જ અન્ય અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો રજૂ કરાયો હતો.

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે ખાસ વચનો આપ્યાં છે. ખેડૂતોને વાવેતર પહેલા પાકના પોષણક્ષમ ભાવો નક્કી કરવા,  લોનનું દેવું માફ કરવું, ખેતી માટે 16 કલાક વીજળી, વીજળીના પડતર કનેક્શનોને પ્રાધાન્ય, સેટેલાઈટ માપણી બંધ કરી પુન: સર્વે કરી માપણી વગેરે સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચતર શિક્ષણને લઈને તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે. તો આ સિવાય સામાન્ય માણસને પોસાય તેવી ફીનું ધોરણ પણ નક્કી કરવામાં આવશે. તો આ સિવાય ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં તમામ રૂપાંતર કરવામાં આવશે. તો ઉચ્ચ શિક્ષણ માટે લેપટોપ, મોબાઈલની વહેંચણી, વિવિધ શાળાઓ, અને આઈટીઆઈ કોલેજો બાંધવામાં આવશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયો, સમાન ફી વગેરે સહિતની સુવિધાઓ આપવામાં આવશે.

તો કોંગ્રેસે રમત-ગમત ક્ષેત્રનો પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરતા જણાવ્યું હતું કે રમતવિરો માટે સરકારી નોકરી પુરસ્કાર આપવાની સાથે જ પેન્શન અને રમતગમતના મેદાનોનું આયોજન પણ કરવામાં આવશે.

આરોગ્ય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો વિનામૂલ્યે અથવા પરવડે તેવી દવાઓ સરદાર પટેલ યુનિર્વસલ હેલ્થ કાર્ડ અથવા રાજીવ ગાંધી ફાર્મસીનું નેટવર્ક દ્વારા મહોલ્લાના ધોરણે દવાખાનાઓ સહિતની સુવિધાઓ કરવામાં આવશે.

મોંઘવારીને લઈને જોતા કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઉમેર્યું હતું કે પેટ્રોલ-ડીઝલના રાજ્યના કરમાં પ્રતિ લીટર રૂા.10 નો ઘટાડો કરવામાં આવશે. તો આ સિવાય શહેરી વિસ્તારમાં વ્યાવસાયિક વેરામાં 50 ટકા ઘટાડો,વિજળી યુનિટના ભાવમાં 50 ટકાનો ઘટાડો, તો આ સિવાય સરકારી નોકરીમાં સમાન વેતન-કાયમી,ખાલી જગ્યાઓ સરકારની ભરવાની વગેરે સહિતના મુદ્દાનો કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કર્યો છે.

તો યુવાનો માટે ખાસ જાહેરાત કરતા કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહત્વના મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. જેમાં 25 લાખ સ્વરોજગારી, 32000 કરોડનું ધિરાણ, 4000 સુધીનું બેરોજગારી ભથ્થું, સ્વરોજગાર માટે યુવાનોને 200 વારના પ્લોટ અને મહિલાઓને ઘરનું ઘર આપવાનું વચન આપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ભાજપને ઘેરવા માટે કોંગ્રેસે મોટાભાગના વર્ગોને ધ્યાને રાખીને ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. વિજળીથી લઈને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાતની સાથે જ વ્યાવસાયિક વેરામાં 50 ટકાના ઘટાડાની જાહેરાત ઘણા મતદારોના માનસ પર અસર પાડી શકે છે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)