દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાર-જીતના રાજકીય લેખાજોખાં થતા રહેશે. આ પરિણામ પછી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાજકીય ભાવિ જે દિશામાં વળે તે, પણ ભારતીય રાજકારણમાં અરવિંદ કેજરીવાલનો ઉદય અને પરાજય એક કેસ-સ્ટડી ચોક્કસ બની શકે એમ છે.
એટલા માટે કે, કેજરીવાલનો ઉદય ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી થયો હતો. ભારતીય રાજકારણમાં આ એક નવો પ્રયોગ હતો, જેમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, સ્વામી અગ્નિવેશ જેવા બીન-રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો બ્રષ્ટાચાર સામેની લડતના મુદ્દે એક મંચ પર આવ્યા, અન્ના હજારેની આગેવાનીમાં જનલોકપાલ બીલ માટે બધા લડ્યા અને એમાંથી આમ આદમી પાર્ટી નામના રાજકીય પક્ષનો જન્મ થયો.
અરવિંદ કેજરીવાલ આ રાજકીય પક્ષનો ચહેરો તો બન્યા, સાથે સાથે એ દેશના લાખ્ખો યુવાનો, પ્રોફેશનલ્સ અને મધ્યમ વર્ગ માટે ભ્રષ્ટ સિસ્ટમ સામેની લડતનો ય ચહેરો બન્યા. એ સમયે ભ્રષ્ટ રાજકારણીઓ અને સિસ્ટમથી થાકેલી, કંટાળેલી, અને હતાશ ભારતીય પ્રજા માટે કેજરીવાલ આશાનું કિરણ હતા. એક એવો યુવાન, જે આઇઆઇટીમાંથી ભણ્યો છે, સારી સરકારી નોકરી છોડીને લોકો માટે લડવા નીકળ્યો છે, રેમન મેગ્સેસાય જેવું સમ્માન પામ્યો છે.
વર્ષ 2011ના એ દિવસો યાદ કરો. 4 ઓગસ્ટ, 2011ના રોજ નવી દિલ્હીના કૌશંબી મેટ્રો સ્ટેશન સામે આવેલા એક બંગલાની બહાર પ્રશાંત ભૂષણ, કિરણ બેદી, સ્વામી અગ્નિવેશ અને આંદોલનમાં ભાગ લેવા થનગનતા અનેક યુવાનોની હાજરીમાં આ કેજરીવાલે એ વખતના સરકારી લોકપાલ બીલને સળગાવીને હોળી કરેલી. દેશભરમાં આ રીતે બીલની હોળી કરવામાં આવી અને એને મશાલ ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું.
આ મશાલ ક્રાંતિને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળતું જતું હતું. પત્રકાર કમ એક્ટીવિસ્ટ શિવેન્દ્ર ચૌહાણ, અમેરિકાથી કોર્પોરેટ ફાઇનાન્સનું ભણીને આવેલો ગૌરવ બક્ષી, સોફ્ટવેર એન્જિનિયર અંકિત લાલ, યુવાન એડવોકેટ ઋષિકેશ કુમાર, મુંબઇની યંગ ઇન્ટિરિયર ડિઝાઇનર મધુ સિંગ જેવા કંઇકેટલાય તેજસ્વી યુવાનો અને હાઇલી ક્વોલિફાઇડ યંગ પ્રોફેશનલ્સ કામ-ધંધો છોડીને એમની સાથે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન મુવમેન્ટમાં જોડાઇ ગયેલા. એ બધાને અરવિંદમાં એક આશા દેખાતી હતી, સ્વચ્છ અને ક્રાંતિકારી રાજકારણની આશા.
પણ દસ વર્ષ પછી એ યુવાનો અને ભ્રષ્ટ સિસ્ટમથી થાકેલા મધ્યમ વર્ગની આ આશા ઠગારી નીવડી છે.
ક્યાં વર્ષ 2011ના એ કેજરીવાલ અને ક્યાં આજના કેજરીવાલ? આજે 2025માં તમે જે કેજરીવાલને જૂઓ છો એ દેશના બીજા બધા રાજકારણીઓ જેવા જ એક રાજકારણી છે, જેની પ્રામાણિકતા શંકાથી પર નથી. જે કેજરીવાલ ક્યારેય સરકારી ગાડી-બંગલો નહીં વાપરવાના વાતો કરતા હતા એમણે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનને કરોડોના ખર્ચે ‘શીશમહલ’ બનાવી નાખ્યો. જે કેજરીવાલ દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષિતને જેલમાં મોકલવાની વાતો કરતા હતા એ કેજરીવાલે એ જ શીલા દિક્ષિતની કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. જે કેજરીવાલ લાલુ-મુલાયમના પક્ષને ખુલ્લેઆમ ભ્રષ્ટાચારી કહેતા હતા એ જ કેજરીવાલ એમની સાથે ગઠબંધન કરતા થઇ ગયા. અરે, જે ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી એ હીરો બનીને બહાર આવ્યા અને એ જ બ્રષ્ટાચારના આક્ષેપો એમને પહેલાં ‘તિહાર’ અને હવે હાર સુધી દોરી ગયા છે.
આ હાર માટે બીજા કારણોની સાથે એમની આપખુદશાહી પણ જવાબદાર છે. આમ આદમી પાર્ટી રચીને ચૂંટણી લડયા, સત્તામાં આવ્યા એ પછી પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ જેવા આંદોલન સમયના કેટલાય સાથીઓ છોડી ગયા ત્યારે સત્તાના અહંકારમાં કેજરીવાલે એની પરવા ન કરી. સ્વાતિ માલિવાલ જેવી નજીકની સાથીદાર પણ દૂર ગઇ ત્યારે ચિંતા કરવાના બદલે અંગત સચિવ વિભવકુમાર પર વધારે ભરોસો રાખ્યો.
અરે, આંદોલન સમયના એમના અત્યંત નજીકના સાથી યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે એમને 2014માં લોકસભાની ચૂંટણી લડવાના બદલે પસંદગીના બેઠકો પર લડીને પક્ષને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી, પણ કેજરીવાલે એમને અવગણીને લોકસભામાં 300 ઉમેદવારો તો લડાવ્યા, ખુદ વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે લડવાની મૂર્ખાઇ કરી બેઠા. આંદોલનથી સત્તા મેળવી શકાય, પણ સત્તા મળ્યા પછી આંદોલનોથી શાસન ન થાય એ વાત ભૂલી ગયા. આ દસ વર્ષમાં એ નરેન્દ્ર મોદી-અમિત શાહને રાજકીય દાવપેચમાં ટક્કર આપતા રહ્યા, પણ એક મુખ્યમંત્રી માટે જરૂરી પોલિટીકલ મેચ્યોરીટી (રાજકીય પરિપક્વતા) એમનામાં ક્યારેય જોવા ન મળી.
વેલ, ચૂંટણીના રાજકારણમાં હાર-જીત એ નવી વાત નથી. કેજરીવાલનું રાજકીય ભાવિ તો સમય જ કહેશે, પણ એટલું નક્કી છે કે ભવિષ્યમાં કોઇ નવો ‘અરવિંદ કેજરીવાલ’ ભ્રષ્ટાચાર સામે લડત છેડશે તો દૂધના દાઝેલા લોકો એના પર ભરોસો નહીં મૂકે. દેશના આમ આદમી માટે આ સૌથી મોટો સબક છે, અને સૌથી મોટી નિરાશા છે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)