શિવાની મનોમન ઇશ્વરને પ્રાર્થી રહી કે…

નાનકડી શ્રેયા મમ્મી શિવાનીને પૂછી રહી હતી, “મમ્મા, જે જે વાલા મને ભાઈ આપશે ને?” બીજી પ્રેગ્નન્સીના આખરી દિવસો જઈ રહ્યા હતા. શિવાની અને શ્લોકને પહેલા સંતાનમાં એક 4 વર્ષની દીકરી હતી, શ્રેયા. શિવાનીએ જીદ કરેલી કે શ્લોકના મિત્ર જે ગાયનેકોલોજીસ્ટ  છે એમની પાસે ચેકઅપ કરાવીને જાણે કે દીકરો છે કે દીકરી, પણ શ્લોક મક્કમ રહ્યો હતો કે આવું પરીક્ષણ મારો દોસ્ત કરશે પણ નહીં અને હું પણ નથી ઇચ્છતો કે કુદરતનો ફેંસલો આપણે બદલવાની ચેષ્ટા કરીએ.

શિવાનીને પોતે પ્રેગ્નન્ટ છે એ ખબર પડી ત્યારથી એ વિચારતી કે શ્રેયાને એક ભાઈ મળી જાય તો ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. રક્ષાબંધન અને ભાઈબીજ બન્ને તહેવાર ભાઈ વગર અધૂરા કહેવાય. પ્રેગ્નન્સીના સમયમાં શિવાની ધાર્મિક પુસ્તકો વાંચતી અને શ્રેયાને પણ વાર્તા કહેતી.

આજે પણ શિવાની રાવણ વિશે વાર્તા કહી રહી હતી. બહેનના અપમાનનો બદલો લેવા રાવણે સીતાનું હરણ કર્યું એ વાતને વાર્તા રૂપે કહેતા તરત જ શ્રેયા બોલી, “મમ્મા, રાવણ એની દીદીને બહુ વ્હાલ કરતો હતો ને? એની દીદીને કોઈ હેરાન કરે એ રાવણને નહોતું ગમતું ને? તો મમ્મા મારે પણ રાવણ જેવો જ ભાઈ જોઈએ હો.” શિવાની શ્રેયાની માસૂમિયત અને વિચારશક્તિ પર આફરીન થઈ ગઈ.

રાવણ જેવો રાવણ પણ ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર બંધનની લાજ રાખતો હતો. શિવાનીને તેની કોલેજ કાળનો સમર્થ યાદ આવ્યો. સમર્થ શિવાનીની મિત્ર વસુનો ભાઈ. પ્રમાણમાં દેખાવડો અને વાકચતુર્ય પણ ખરું એટલે એ આખી કોલેજમાં ફેમસ. એ જેટલો સ્માર્ટ અને હેન્ડસમ હતો એટલો જ હલકી મનોવૃત્તિનો પણ ખરો. કોલેજના 3 વર્ષ દરમ્યાન અવારનવાર એ શિવાનીને ગિફ્ટ આપતો અને ડિનર, પાર્ટી ઓફર કરતો પણ શિવાનીએ એનાથી એક દૂરી કેળવી હતી.

એ પછી શિવાનીના લગ્ન થયા અને લગભગ બધાથી નાતો છૂટી ગયો. ક્યારેક પિયર આવતા- જતા સમર્થ વિશે જાણવા મળતું કે હવે એ સાવ વંઠી ગયો છે. પોતાના દેખાવ અને સ્ટાઇલમાં યુવતીઓને ફસાવી એના જીવન બરબાદ કરવા અને પછી બ્લેકમેઇલિંગ કરવું એ જ એની પ્રવૃત્તિ હતી. એકવાર ન્યૂઝપેપર વાંચતા એની નજર એક સમાચાર પર ગઈ. સમાચાર સાથે એક ફોટો હતો એ જોઈને શિવાની જડ જેવી થઈ ગઈ. એ સમર્થનો ફોટો હતો અને એક 15 વર્ષની છોકરી પર બળાત્કારના મામલે એની ધરપકડ કરાઈ હતી જો કે શિવાની જાણતી જ હતી કે વહેલો મોડો પણ સમર્થનો આ અંજામ છે.

આજે શ્રેયાની વાત સાંભળી શિવાનીને સમર્થ યાદ આવી ગયો. તેને વસુની દયા આવી. તે વિચારી રહી, “મારે શ્રેયા માટે ભાઈ જોઈએ છે કે જે નાનો હોય તો પણ આગળ જતાં શ્રેયાના પિતાની ફરજ નિભાવે. રક્ષાબંધન પર ભાઈના બંધાતી રક્ષાવાળું કાંડુ જરૂર પડે બહેનની રક્ષા માટે  મજબૂત અને તૈયાર રહે, પણ સમર્થ કે જે સ્ત્રીની ઈજ્જત નથી કરતો, જેના માટે સ્ત્રી એ માત્ર ભોગવટાનું સાધન છે એના માટે શું રક્ષાબંધન અને શું ભાઈબીજ..!

શિવાની મનોમન પ્રાર્થી રહી કે હે ઈશ્વર! મારી શ્રેયાનો ભાઈ દુનિયાનો શ્રેષ્ઠ ભાઈ સાબિત થાય અને બહેન પણ હશે તો એ ભાઈથી જરા પણ કમ નહિ હોય. ભાઈબીજના પવિત્ર દિવસે માતા-પિતા તરીકે આપણે પણ પ્રણ લઈએ કે આપનો દીકરો પણ સંસ્કારોને દીપાવે અને ભાઈ-બહેનના પવિત્ર તહેવારની ઈજ્જત કરે.

(નીતા સોજીત્રા)