મોદીસાહેબના પગલે પગલે…

(વ્યંગકથા)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત આવે એટલે બીજા બધા સમાચાર બાજુમાં મૂકાઇ જાય એવો મને અને તમને બધાને અનુભવ છે. દીવાળીના દિવસોમાં મળવા આવેલા અમારા એક નજીકના મિત્રએ કહ્યુ કે, ‘જુઓને, મોદીજી ગુજરાતમાં ‘નેનો’ લઈ આવ્યા અને આજે એમના વ્યક્તિત્ત્વ આગળ વિરોધ પક્ષના સૌ નેતાઓ ‘નેનો’ લાગે છે!’

હવે મોદીજીનું નામ કાને પડતાં જ ઘરમાંથી શ્રીમતીજી ટહુકો કરતાં પધાર્યાઃ ‘સાંભળો… મારે તમને એક ખાનગી વાત કહેવાની છે.’

મેં કહ્યું, ‘કહી નાખો…સારું મૂહર્ત જ છે.’

‘ના હમણાં નહીં, મારે થોડું કામ છે…તમે યાદ કરાવજો પછી…’

મારા મિત્ર જેવા રવાના થયા એટલે શ્રીમતીજી દોડતા આવ્યા ને કહ્યું…’પેલા તમારા ખાસ મિત્ર ગયા ને? હું રાહ જ જોતી હતી કે ક્યારે ટળે… તમારા એ મિત્ર ખાનગી શબ્દનો કશો અર્થ જ ના સમજે! અને વળી પાછા ‘ઈન્ટરનેટી છાપું જેવા છે. સાત સાગરે વાતનો વાવટો લગાવે ને તમને કરોડોનું નુકશાન થઈ જાય…’

મેં કહ્યું, ‘કરોડોનું નુકસાન? તમને કાંઇ સ્વપ્ન આવ્યું કે શું?’

શ્રીમતીજીએ કહ્યું, ‘પૂરી વાત તો સાંભળો. મારી બહેનપણીને બમ્પર લોટરી લાગી છે. તેણે મને તમારા માટે જ આ ખાનગી વાત મને કહી છે. આ તો તમે ભલા માણસ ને એટલે ફક્ત તમારા માટે જ લાગણી થઈ વાત કહેવાની.’

હું વિચારમાં પડી ગયો. આ જો ઉછીના પૈસા લાવશે ને વાપરશે તો કરોડપતિને બદલે રોડપતિ જરૂર થઈ જશે!

મને ગહન ચિંતનમાં ડૂબેલો ભાળીને ચૂંટલી ખણતાં શ્રીમતીજીએ કહયું, ‘મારી બહેનપણીને લોટરી કઈ રીતે લાગી એ ખાનગી વાત સાંભળો. જુઓ, તમે ગાંધીનગરમાં રહો છો એટલે નરેન્દ્રભાઈ મોદીની દરેક ગતિવિધિથી તો પરિચિત જ છો. એ મુખ્યમંત્રી હતા ત્યારે દરેક દિવાળીએ નવા વર્ષના દિવસે તેઓ પંચદેવ મંદિરે જઈને દર્શન કર્યા બાદ જ બીજા કામ હાથમાં લેતા. હવે થયું એવું કે મારી બહેનપણીના ઘરવાળા પણ એમનું જોઇને બેસતા વર્ષે વહેલી સવારે પંચદેવ મંદિરે ગયેલા. મોદીસાહેબ જે ચોઘડીયું જોવડાવી દર્શન કરવા ગયેલા એમની પાછળ જ એ પહોંચી ગયા ને દર્શન કર્યા.’

‘હા, પણ એમાં ખાનગી શું છે?’

‘ખાનગી વાત હવે આવે છે. મોદી સાહેબે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનવાનો સંકલ્પ કર્યો ને એમને કેવો ફળી ગયો! ખૂબ જ પાકો છે એમનો વહીવટ!’

મારાથી ન રહેવાયું એટલે મેં કહ્યું, ‘પણ એમાં તારી બહેનપણીને શું મળ્યું? સાહેબ તો દિલ્હી પહોંચી ગયા.’

શ્રીમતીજી કહે, ‘હવે જરા નજીક આવો એટલે ધીમેથી ખાનગી વાત કહું. કોઈ સાંભળી ના જાય. કોઈ આવી જાય તો?’

હું નજીક સરક્યો. શ્રીમતીજીએ ગળામાં જ ગરણું મૂકી બેરે બેરે સંભળાય એમ કહ્યું, ‘તેનો વર મંદિરે દર્શન કર્યા પછી સીધો જ ટીકીટ લઈ આવ્યો ને લોટરી લાગી. બમ્પર પ્રાઈઝ લાગી ગયું. હું તો કહું છું કે તમેય સાહેબના પગલે ચાલો ને બે પાંદડે થાઓ.’

શ્રીમતીજી ભલે ધીરેથી બોલ્યા, પણ હું તો વિચારમાં પડી ગયા. સાલું કોઈ કમાન્ડો મારો સાળો હોય તોય મેળ ના પડે એટલી અઘરી વાત કહેવાય આ તો. એમ તે મોદીસાહેબની પાછળ પાછળ કેમ ચાલવું?

શ્રીમતીજીએ પાછો મને જાગૃત કરવા ચૂંટલી ખણી. મેં કહ્યું, ‘લોટરી કઈંની લાગશે એની તને ખબર છે? આપણા નરેન્દ્રભાઈ હવે તો નવા વર્ષે માઇનસ ૩૦ ડીગ્રીમાં પણ લદાખ જાય છે. તીર્થસ્થાને જાય છે અને ત્યાંથી ભક્તિપૂર્વક સંદેશ આપે છે. સેનાના નવજુવાનો સાથે દેશવાસીઓને હૂંફ આપે છે. જ્યારે મારી વાત કરું તો હું આ એકના એક સ્વેટરની સેવા દશકાથી લઉં છું તોય એને રિટાયર કરવાનું મન નથી થતું. બજેટના ફાંફા પડે છે એટલે સાહેબના પગલે મૂહૂર્તનો મેળ કરવો અઘરું જ નહીં, અશક્ય છે.’

સાંભળીને શ્રીમતીજી તાડૂક્યાં, ‘કઈંક તો આશા બંધાવો. આ તો મારી ખાસ બહેનપણી છે એટલે તેણે આ ખાનગી વાત કહી. પાછું કહ્યુંય કે જો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એટલે જ મને તો કરોડની લોટરી લાગી. હવે તો સાહેબ વડાપ્રધાન છે એટલે જો તારો વર આવતા બેસતા વર્ષે વહેલા ઊઠીને એમના મૂહૂર્તે પીછો કરીને લોટરી લેશે તો તમને અમેરિકાની બમ્પર લોટરી લાગશે. એ તો મારી બહેનપણી બિચારી ભોળી એટલે કહ્યું બાકી આજના જમાનામાં કયો તમારો સગો આપણું આટલું બધું ભલું ઈચ્છે?’

હવે હું શ્રીમતીજીને કઇ રીતે સમજાવું કે વિરોધપક્ષના કંઇકેટલાય ધૂરંધરો લોટરી…લોટરી… જપતાં જપતાં મોદીજીની વાદે ચડવા ગયા એ બધાય ઊંધા માથે કેવી રીતે પટકાયા છે! એમની હાલત મેં સપનામાં નહીં, પણ સગી આંખે જોઈ છે… મનમાં આવું રટતો રટતો હું હર હર ગંગે કહેતો સ્નાન કરવા બેસી ગયો.

તમારે પણ લગાડવી છે લોટરી?

-રમેશ પટેલ ‘આકાશદીપ’