બ્રિટનમાં કઇ રીતે ઉજવાય છે દિવાળી?

આખા યુનાઈટેડ કિંગડમમાં લઘુમતિ ભાષા બોલનાર સૌથી મોટો વર્ગ ગુજરાતીઓનો છે. અહીં 8 લાખ ગુજરાતીઓ વસે છે. દેખીતું છેકે લંડન યુકેનું પાટનગર હોવાથી ત્યાં ગુજરાતીઓની સંખ્યા સૌથી મોટી હોય, અને એટલે જ બધાં ગુજરાતીઓને એક જગ્યાએ એકઠાં કરવાં મુશ્કેલ બને. અહીં નાતજાત પ્રમાણે ગુજરાતીઓનાં પોતપોતાનાં એસોસિએશન્સ છે. દરેક એસોસિએશન એમની આગવી રીતે દિવાળીનો તહેવાર ઉજવે છે, જે દિવાળીના દિવસની નજીકના શનિવાર કે રવિવારે યોજાય છે.

(અહીં બાળકો આરતીની ડિઝાઈન બનાવી રહ્યાં છે.)

સામાન્ય રીતે આ ઉજવણીમાં સહભોજન અને સંગીતનો કાર્યક્રમ હોય છે. કોઈક મંડળ વળી એમાં રંગોળી કે આરતી હરીફાઈ ગોઠવે, કે પછી ગરબા-નૃત્ય-ગાયનની હરીફાઈ યોજે. જ્યાં ગુજરાતીઓની સંખ્યા ઓછી હોય ત્યાં વળી અન્ય સંસ્કૃતિનાં લોકોને આમંત્રીને ભોજનસાથે પાશ્ચાત્ય પ્રકારનાં નૃત્યો પણ થાય.

યોગ વર્ગની ગુજરાતી બહેનો દિવાળી નિમિતે રાસ-ગરબા, નાટક,  ભજન-ગાયન વગેરેનો કાર્યક્રમ ગોઠવી દિવાળીની આધ્યમિક્તા પર મનન કરી આનંદ માણે છે.

(આ ફોટામાં યોગાસનો દ્વારા કરેલા એક ગરબાની ઝાંખી થશે)

લંડનમાં વર્ષ 2001 થી અહીંના પ્રખ્યાત ટ્રફાલગર સ્ક્વેરમાં મોટેપાયે દિવાળીની ઉજવણી થાય છે. શરૂઆતમાં ફક્ત દીવા પ્રગટાવી પ્રાર્થના જ થતી હતી. હવે સ્ક્વેર વચ્ચે નૃત્યો કે પછી સ્ટેજ પર નૃત્યો રજૂ કરવામાં આવે છે. ધાર્મિક રીતે દરેક કુટુંબ પોતાની રીતે તેની ઉજવણી કરે છે. ખાસ કરીને બાળકોને તેનું મહત્વ સમજાવવાના પ્રયાસ માટે સૌનો પ્રયત્ન રહે છે. દિવાળીના દિવસે નજીકનાં કુટુંબીજનો કે મિત્રો ભેગાં મળી જમે છે ને ફટાકડાં ફોડે છે. કોઈક વળી લક્ષ્મી પૂજા કરે છે. આપણે ગુજરાતીઓ વાક્ બારસના દિવસે સરસ્વતી પૂજા નથી કરતાં પણ મેં એ પહેલીવહેલી બંગાળીઓ સાથે ઉજવી છે. ઘર આંગણે રંગોળી પૂરાય છે અને દીવા પણ મૂકાય છે. ક્રિસમસ લાઇટ્સ પણ ઝળહળે છે. અમુક પરિવારમાં નાનકડો અન્નકૂટ પણ ભરવામાં આવે છે.

(બાળકોએ મોટા થાળમાં રંગોળી કરી છે; ગણેશ, લક્ષ્મી અને રાધાકૃષ્ણની આરતી પણ)

મારા વ્યવસાયના દિવસોમાં મારો પ્રયત્ન રહેતો કે દિવાળીના તહેવારે હું મારાં મુસ્લિમ અને ગોરા ખ્રિસ્તી લોકોને મારે ત્યાં આમંત્રણ આપું, જેથી એમને એ તહેવાર વિશે જાણકારી મળે. આ ઉપરાંત, એ દિવસોમાં મને લંડનના એક સ્થાનિક બરોની જાહેર પુસ્તકાલય સેવાના લઘુમતિ પ્રજા માટેના વિભાગના વડા તરીકે મને નિશાળોમાં જઈ બાળકોને આ તહેવાર વિશે સમજણ આપવા આમંત્રણ મળતું. કોઈ કોઈ શાળાઓમાં રામ-રાવણના યુદ્ધ વિશે બાળકો નાટક પણ ભજવતાં; તેમજ દિવાળી કાર્ડ્સ બનાવવાની કે રંગોળી દોરવાની હરીફાઈઓ હું અમારા પુસ્તકાલયના બાળવિભાગમાં યોજતી. જેથી કરી અહીંનાં અંગ્રેજી બાળકો પણ દિવાળીનું મહત્વ સમજે. હવે તો અહીંની લગભગ બધી શાળાઓમાં દર વર્ષે બાળકો દિવાળી ઉજવે છે.

 

(

(લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં દિવાળીની ઉજવણીનું એક દ્રશ્ય)

જે વિસ્તારમાં ગુજરાતીઓની વસ્તી કે ધંધા વધારે હોય, દા.ત. લંડનના વેમ્બલી વિસ્તારનો ઈલીંગ રોડ કે પછી લેસ્ટરનો બેલગ્રેવ રોડ, ત્યાં રસ્તાઓ પર પણ લાઈટો ગોઠવવા માટે ગુજરાતીઓ તેમના સ્થાનિક બરોને નાણાંકીય મદદ કરે છે.

આ વર્ષે 29 ઓક્ટોબરના લેસ્ટરના બેલગ્રેવ રોડ પર એક માઈલ સુધી બપોરના 3.00 વાગ્યાથી દિવાળીની ઉજવણી શરૂ થઈ હતી. આ ઉત્સવ અહીં છેલ્લાં 40 વર્ષથી ઉજવાય છે. 40,૦૦૦ જેટલી સંખ્યામાં લોકોએ આ ઉત્સવ માણ્યો. આખા રસ્તા પર ભારતીય સંગીત અને નૃત્યોની રમઝટ જામી હતી. 7.30 વાગ્યે લાઈટ્સ ‘ઓન’ કરવામાં આવી હતી અને પછી બાજુના મેદાન પર થતી આતશબાજી જોઈ શ્રોતાઓએ આનંદ માણ્યો હતો. બાજુના એક કોમ્યુનિટિ સેન્ટરમાં રંગોળીનું પ્રદર્શન હતું અને મેદાન પર બાળકોના આનંદ માટે ચગડોળ વગેરે ગોઠવવામાં આવ્યાં હતાં, તેમ જ ભારતીય વાનગીઓની હાટડીઓ પણ હતી.

(ભાટિયા એસોસિએશન, યુ.કે.-દિવાળી સંમેલન)

અમુક લોહાણા જ્ઞાતિ જેવા ધંધાદારી વેપારીઓ એક જગ્યાએ ભેગા મળી સમૂહ ચોપડા પૂજન પણ કરે છે. નવા વર્ષને દિવસે અમુક યુવાઓ પોતાનાં વડીલોના આશીર્વાદ મેળવવા પણ જાય છે અને ક્રિસમસની ભેટ અપાય એ રીતે બાળકોને કંઈ ને કંઈ ભેટ મળે છે.

અહીંનાં મંદિરોમાં આ ઉત્સવ ખૂબ ભાવ અને શ્રદ્ધાથી ઉજવાય છે. નીઝડનના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરના ચોગાનમાં દિવાળીના દિવસે જનસમુદાય માટે આતશબાજી થાય છે, કેમકે ભારતની જેમ અહીં રસ્તા પર ફટાકડાં ફોડવા પર પાબંધી છે. પોતાના બાગોમાં આતશબાજી કરવાની છૂટ છે. નવા વર્ષને દિવસે ભવ્ય અન્નકૂટ હોય છે,  જેમાં હજારોની સંખ્યામાં (મુખ્યત્વે ગુજરાતી) દર્શનાર્થીઓ આવે છે.

(સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટ દર્શન)

વોટફર્ડના પ્રખ્યાત હરે કૃષ્ણ મંદિરમાં આ વર્ષે પાંચ દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે. આ ઉત્સવમાં હાજરી આપનારની સંખ્યા એટલી વધી ગઈ છે કે પ્રવેશ માટે અગાઉથી મફત ટિકિટ લેવી પડે છે.

આથી વિશેષ દિવાળી કાર્ડ્સ મોકલવાની પ્રથાની જગ્યાએ વોટ્સએપ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે કે ફેઈસટાઈમથી પરદેશ વસતાં કુટુંબીજનોને મિત્રોને મળાય છે.

સૌ વાચકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ.

(ભદ્રા વડગામા-લંડન)