પ્રકાશના પર્વની અલગ ઉજવણી

અમેરિકાનાં ઇસ્ટ કોસ્ટમાં રહેતી સુહાની માટે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ હતાશાનો જન્મ થઇ જતો. સૂરજ વહેલો આથમે એની સાથે જ બહાર ઠંડીનું સામ્રાજ્ય ફેલાવા લાગે. ઉનાળામાં તો દિવ્યેશ વહેલો ના આવે તો પણ સુહાની એકલી લાંબા વોક ઉપર નીકળી જતી, પરંતુ નવેમ્બર થી માર્ચ સુધી સાંજ પડતા ઠંડીમાં એ પણ બંધ થઇ જતું.

પહેલાં બાળકોને કારણે નવરાશ નહોતી મળતી. બાળકો સાથે નવેમ્બરમાં થેંક્સ ગિવીંગ અને ડીસેમ્બરમાં ક્રિસમસની ઉજવણીમાં દેશની દિવાળી પણ બહુ યાદ નહોતી આવતી.

પણ સમયની સાથે સાથે બાળકો મોટા થતાં પોતપોતાના માર્ગે આગળ ચાલ્યા. સમય મળ્યે ફોન લગભગ રોજ કરતા, ક્યારેક મળવા પણ આવતા, પણ હા, પહેલાં જેવી તેમની રોજીંદી ચહલપહલ નહોતી, તેમની થકવી નાખતી વાતો નહોતી. દિવ્યેશ કામમાં વ્યસ્ત રહેતો એટલે તહેવારોના દિવસોમાં સુહાનીને ભારતની યાદ આવી જતી. ક્યારેક સૂનમૂન પણ થઇ જતી.

“દિવ્યેશ, દિવાળીમાં ગામમાં ખૂબ મજા આવતી, અમે અઠવાડીયા પહેલાંથી બધા કુટુંબીજનો સાથે જમતા. ચાર ઘરના રસોડાં એક જ જગ્યાએ. આહ ! રોજ નવી વાનગીઓ અને મઠીયાં, ઘૂઘરાં, મગસ વગેરે નાસ્તા મળતા. અને બેસતા વર્ષનાં નવા દિવસે તો સવારથી સબરસ આપવાવાળાની મીઠી બૂમ, લાંબા રાગે ગવાતા પ્રભાતિયાં… બધું આજેય એટલું જ યાદ છે…

… નવા કપડાં પહેરી મંદિરે જવાનું, મોટેરાંઓને પગે લાગી રૂપિયા લેવાનું. અને સાંજે કોને કેટલા મળ્યા એ ગણવાનું. કેટલો આનંદ હતો એ બધાનો! અહીં તો કશું જ દિવાળી જેવું નથી લાગતું.”

“સાચી વાત છે સુહાની દેશ એ દેશ. પરંતુ પરદેશમાં હોઇએ તો અહીંની મજા અપનાવીને ખુશ રહેવાનું. અહીં પણ જોને બધાજ તહેવાર અહીંની રીતે ઉજવાય છે. આપણે પણ ગુજરાતી સમાજની દરેક ઉજવણીમાં જઈને કેટલો બધો આનંદ કરીએ છીએ? આપણા મંદિરોમાં પણ અન્નકૂટમાં કેટલી બધી વાનગીઓનો પ્રસાદ સાથે સત્સંગ કરવાનો લ્હાવો મળે છે? અને આ બહાને એકબીજાને મળીએ છીએ એ કેમ ભૂલી જાય છે?” સુહાનીને સમજાવતાં દિવ્યેશ કહેતો.

“હા, સાચું! વીકેન્ડમાં આપણે બધા જ તહેવારો ઉજવીએ છીએ. બાકી નવા દિવસોમાં રોજ તો એકલાજ ને! ચાલોને, આ વખતે દેશમાં જઈ દિવાળીની મજા માણીએ. બીજા કોઈ નહીં તો પોળમાં તમારા કાકાના દીકરાઓ રહે છે. મોટીબહેન પણ અમદાવાદમાં છે.  બધાની સાથે આનંદ આવશે.”

છેવટે સુહાનીની લાગણીને માન આપી બંને દેશમાં અમદાવાદ સીધા બહેનના ઘરે આવી પહોચ્યા. તેમના અચાનક આવી જવાથી મોટીબહેનને ખુશી સાથે સંકોચ થયો. દિવ્યેશ આ વાત સમજી ગયો.

“બહેન! અમારા અચાનક આવવાથી તમને કંઈ તકલીફ નથી ને?”

“ના, ભાઈ એવું તો કઈ નથી. પરંતુ વર્ષોથી અમે દિવાળી ઘરે નથી ઉજવતા. આ દિવસોમાં સહપરિવાર વેકેશન માણીએ છીએ.” બહેને સંકોચ સાથે જણાવ્યું.

“કંઈ નહી, મોટી બહેન. અમે પોળના મકાનમાં કુટુંબીજનો સાથે દિવાળી મનાવીશું. આમ પણ, મારી ઈચ્છા પોળમાં દિવાળી ઉજવવાની હતી.” સુહાનીએ વચલો માર્ગ અપનાવ્યો.

અગિયારસના દિવસે બંધ પડેલા ઘરને સાફ કરાવી બંને પોળના જૂના ઘરમાં આવી ગયા. એ દિવસે તો બાજુમાં રહેતા કુટુંબીજનોની ચહલપહલને લીધે બધું જ સારું લાગ્યું.

દિવાળીના દિવસે બંને તૈયાર થઇને કાકાના ઘરે બધાને મળવા અને સાંજે પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપવા પહોંચ્યા. કાકાના ઘરમાં તહેવારના દિવસોમાં પણ શાંતિ જોઈ તેમને આશ્ચર્ય પણ થયું.

“કાકા, કેમ કોઈ જણાતું નથી? બાળકો અને ભાઈ-ભાભી ક્યાં ગયા? ” દીવ્યેશે પૂછ્યું.

“અરે ભાઈ, બધા દિવાળીમાં એક અઠવાડિયું વેકેશન માણવા નીકળી જાય છે. બાળકોને આ દિવસોમાં રજા હોય છે એટલે મોટાભાગના લોકો આમ જ કરે છે. આજે નીકળ્યા પછી હવે છેક ભાઈબીજ પછી આવશે. આમ પણ હવે અહીં પોળમાં અમારા જેવા ચાર-છ પરિવાર સિવાય કોઈ રહેતું નથી. સમય બદલાઈ ગયો છે. અમારે સમય સાથે બદલાવું પડે છે. હવે પહેલાંના જેવી દિવાળી પણ ક્યાં છે? બધું જ ફોન અને વોટ્સએપ ઉપર ઉજવાઈ જાય છે.” કાકાએ બળાપો ઠાલવ્યો.

કાકાને સાંભળીને સુહાનીના હાલત તો કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ.

“આના કરતાં તો પરદેશની દિવાળી સારી. ભલે ને વીકેન્ડમાં તો વીકેન્ડમાં, પણ બધા ભેગાં મળીને તહેવારો તો ઉજવે છે. વેકેશન અને રજાઓના સદુપયોગને બહાને પરદેશમાં રહીને પણ બાળકો પાસેથી સંસ્કૃતિ અને તહેવારોની સાચી મજા તો નથી છીનવી લેતા ને?”

“સાવ એવું નથી, બેટા! કેટલાંક લોકો બહારથી ખાસ સમય કાઢીને ઘરે આવે છે. ભેગાં મળીને તહેવાર પણ ઉજવે છે. આ તો જેવા વિચારો અને જેવી સમજ. છતાં તું સાચી છો. તહેવારના બે-ચાર દિવસ પછી પણ બહાર જઈ શકાય છે.” કહીને કાકાએ સુહાનીને શાંત પાડી.

“હા, કાકા! જો બધા જ આવું વિચારશે તો નવી જનરેશનના બાળકોને કેમ ખબર પડશે કે તહેવારો માત્ર રજાઓ કે ઉજવણી જ નથી. એ તો પરસ્પર સંકળાઈ રહેવાનું એક કારણ પણ છે. આજીવન મમળાવી શકાય એવા સંસ્મરણોનું ભાથું છે.”

“સુહાની, આમ મન ટૂંકું ના કર. આ વખતે આપણે પોળમાં રહેતા વડીલો અને  વૃદ્ધાશ્રમના વૃદ્ધોને દિવાળીની મજા કરાવીશું. આ દિવસ એ માત્ર દીપકનું પ્રાગટ્ય કરીને અંધારામાંથી અજવાળા તરફ જવાનું નથી. આ દિવસ ખુશીની વહેચણી તરફનું અસત્યથી સત્ય તરફ લઇ જવાનું પણ પ્રતીક પણ છે.”

દિવ્યેશની વાતથી સુહાનીનાં અંતરમાં સો દીપક પ્રગટી ઉઠ્યા.

  • રેખા પટેલ (ડેલાવર-યુએસએ)