દિવાળી: પ્રકૃતિ માટે પ્રાણસંચાર સમા પર્વની ગહન સમજ!

દિવાળીનો દિવસ જ મંત્ર અને તંત્રસાધના માટે શા માટે અગત્યનો માનવામાં આવે છે, એની પાછળના કારણોમાં ઊંડા ઉતરવા જેવું છે. વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે કે સૃષ્ટિના સર્જનકાળે જ્યારે બિગ-બેંગ થયો ત્યારે મહાઊર્જાના ફક્ત એક બિંદુમાંથી પ્રચંડ વિસ્ફોટ થયો અને બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. આધુનિક વિજ્ઞાન હજુ સુધી એ નથી જાણી શક્યું કે સૃષ્ટિના સર્જન માટે જવાબદાર મહાઊર્જા કયા દ્રવ્યની બનેલી છે! પરંતુ ભારતના સનાતન ધર્મ પાસે આનો ઉત્તર છે. ‘યોગતંત્ર’ જણાવે છે, “શિવ શબ્દમાં જે હ્રસ્વ છે, તે શક્તિ છે; જેના વગર શિવ પણ શવ અર્થાત્ શબ છે!”

બ્રહ્માંડમાં પ્રવર્તમાન આ અજ્ઞાત મહાશક્તિને તંત્રશાસ્ત્રના દ્રષ્ટિકોણથી સરળ રીતે વ્યાખ્યાયિત કરવી હોય તો એવું કહી શકાય કે, પદાર્થમાં હાજર સ્થુળઊર્જા (Static Energy) એ શિવ છે અને તેને વેગમાં લાવનાર ગતિઊર્જા (Kinetic Energy) વાસ્તવમાં મહાશક્તિ છે. જેવી રીતે કોઈ પદાર્થને ગતિમાન કરવા માટે બાહ્યબળ આપવું જરૂરી છે, એવી જ રીતે આ સૃષ્ટિને જન્મ આપવા માટે પણ મહાશક્તિ આવશ્યક છે. આ પ્રચંડ બ્રહ્માંડઊર્જાને હસ્તગત કરવાની ટેક્નોલૉજી છે, તંત્રસાધના! જે કાળી ચૌદશના દિવસે તાંત્રિકો, માંત્રિકો, અઘોરીઓ તેમજ અન્ય સાધકો દ્વારા કરવામાં આવે છે.

શ્રીલલિતાસહસ્રનામમાં આ બ્રહ્માંડઊર્જાને ‘ईच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरुपिणी’ તરીકે સંબોધિત કરવામાં આવી છે. વિચાર કરી જુઓ. કોઈ પણ કાર્ય કરવા માટે સર્વપ્રથમ મનમાં ઈચ્છા પેદા થવી જરૂરી છે, ત્યારબાદ એ કાર્ય કરવા માટે જરૂરી જ્ઞાનની આવશ્યકતા પડે છે અને તત્પશ્ચાત્ એ કાર્યને પૂર્ણ કરવા માટે ક્રિયા કરવી પડે છે અર્થાત્ એ જ્ઞાનને અમલમાં મૂકવું પડે છે!

આ પ્રત્યેક ઉદાહરણો માનવજાતને જે મહત્વની બાબત સમજાવવાનું કામ કરે છે, એ છે: જીવનમાં પ્રકૃતિસ્વરૂપા અર્થાત્ સ્ત્રીશક્તિની આવશ્યકતા! બીજી બાજુ, તંત્રનો આધાર જ શક્તિપૂજા છે. પંડિત રાજેશ દીક્ષિત લિખિત ગ્રંથ ‘દસ મહાવિદ્યા તંત્ર મહાશાસ્ત્ર’ અનુસાર, અષાઢ શુક્લ એકાદશી તિથિ વર્ષાકાળ માટેની પરમ અવધિ માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન પૃથ્વીપિંડ અને સૌરપ્રાણ ‘આપોમય’ (જળમય) રહે છે. આથી, ચાતુર્માસ દરમિયાન આપ્યપ્રાણ (અસુર)ની પ્રધાનતાને કારણે પ્રાણ (દેવતા) નિર્બળ બની જાય છે, અર્થાત્ એમની શક્તિ ઓછી થઈ જાય છે. આ કારણોસર ચાતુર્માસને દેવતાઓનો ‘સુષુપ્તિ કાળ’ માનવામાં આવે છે. આટલા દિવસો સુધી આસુરી-પ્રાણનું સામ્રાજ્ય રહે છે. આ કારણોસર જ દિવ્ય-પ્રાણ (દેવતા)ની ઉપાસના કરનારા ભારતીયો – સનાતન ધર્મી જગત – ચાતુર્માસ દરમિયાન વિવાહ, યજ્ઞોપવિત, તીર્થયાત્રા વગેરે એકપણ ‘દિવ્યકાર્ય’ નથી કરતાં. ચાતુર્માસ દરમિયાન નિઋતિ (ધૂમાવતી / દરિદ્રા / અલક્ષ્મી)નું સામ્રાજ્ય રહે છે. કાર્તિક કૃષ્ણ ચતુર્દશી આની અંતિમ તિથિ ગણાય છે. આથી, ધર્માચાર્યોએ તેને ‘નર્ક ચતુર્દશી’ અર્થાત્ કાળી ચૌદશનું નામ આપ્યું છે. આ રાત્રિએ દરિદ્રારૂપી અલક્ષ્મીનું આગમન થાય છે અને બીજા દિવસે એટલે કે ‘દિવાળી’ના રોજ રોહિણીરૂપા કમલા (લક્ષ્મી)નું આગમન થાય છે.

દિવાળીના દિવસે ફટાકડાં શા માટે ફોડવામાં આવે છે, એની પાછળનું કારણ પણ આ અદ્ભુત દળદાર ગ્રંથમાં મળી આવે છે. દેખીતું કારણ એ કે અમાસને કારણે ચંદ્ર-જ્યોતિનું અભાવ હોય છે અને બીજું એ કે ચાતુર્માસ દરમિયાન વર્ષાને કારણે પ્રકૃતિની પ્રાણમય અગ્નિજ્યોતિ પણ નિર્બળ હોય છે. આથી, અંતરાત્મામાં વ્યાપ્ત તમભાવ (તમસ ગુણ)ને દૂર કરવા તેમજ કમલા અર્થાત્ લક્ષ્મીના આગમનને વધાવવા માટે ઋષિઓએ દીપોત્સવી અર્થાત્ દિવાળીના પર્વને ઊજવવાની શરૂઆત કરી, જેમાં દીપક પ્રગટાવવા ઉપરાંત અગ્નિક્રીડા (ફટાકડાં ફોડવા)નો આદેશ આપવામાં આવ્યો.

(પરખ ઓમ ભટ્ટ)

(પરખ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વ અને લેખન-જગતનું એક જાણીતું નામ છે. ભારતના ટોચના પોડકાસ્ટ શો – The Ranveer Show (TRS) – પર જનારા તેઓ સૌ પ્રથમ ગુજરાતી લેખક છે. ગુજરાત-મુંબઈના પ્રમુખ અખબારો અને સામયિકોમાં લખે છે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ (મહા-અસુર શ્રેણી) થકી એમણે દેશ-વિદેશમાં વસતાં ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવ્યો છે.)