સુદેશ ભોંસલે સંજીવકુમારનો અવાજ બન્યા

પહેલાં મીમીક્રી આર્ટીસ્ટ અને પછી જાણીતા કલાકારોના અવાજમાં ગીતો ગાતા ગાયક તરીકે લોકપ્રિય થનાર સુદેશ ભોંસલેએ વર્ષો સુધી પેઇન્ટર તરીકે કામ કર્યું હતું. પિતા ફિલ્મોના પોસ્ટર બનાવતા હતા છતાં પુત્રને હંમેશા ફિલ્મ લાઇનથી દૂર રાખ્યો હતો. પરંતુ સુદેશ ૧૪ વર્ષનો હતો ત્યારે મમ્મી એક સ્ટુડિયોમાં પિતાનું કામ બતાવવા લઇ ગઇ હતી. ત્યાં રાજેશ-હેમાની ફિલ્મ ‘પ્રેમનગર’ (૧૯૭૪) ના પ્રચારના પોસ્ટર બનાવવામાં આવી રહ્યા હતા.

 

જીવનમાં ક્યારેય પીંછી ના પકડનાર સુદેશે અમસ્તા જ એક પોસ્ટર તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પિતાએ એને પ્રોત્સાહન આપ્યું અને એણે એક ચિત્ર તૈયાર કર્યું. એની કળા જોઇને પિતા એટલા ખુશ થયા કે ‘પ્રેમનગર’ ના પ્રચાર માટેના ચિત્રો તૈયાર કરવાનું કામ કરવા એને લગાવી દીધો. બે મહિના સુધી પ્રચારનું કામ ચાલ્યું ત્યાં સુધી સ્કૂલમાં રજા પડાવી ચિત્રો તૈયાર કરાવ્યા. ઘણા થિયેટરો પર સુદેશ દ્વારા તૈયાર થયેલા પોસ્ટર લાગ્યા હતા. પછી સુદેશ પણ પિતા સાથે જોડાઇ ગયો. તે કોલેજ સુધી ભણવા સાથે પેઇન્ટર તરીકે કામ કરતો રહ્યો. સુદેશ આખું વર્ષ પિતા સાથે કામ કરતો હતો અને માત્ર પરીક્ષા આપવા જ કોલેજ જતો હતો. દરમ્યાનમાં ફિલ્મોના પોસ્ટર તૈયાર કરવા સાથે ગીતો ગાવાનો અને કલાકારોની મીમીક્રી કરવાનો શોખ ચાલતો રહ્યો હતો. એક દિવસ કોલેજમાં અચાનક એણે અમિતાભનો અવાજ કાઢતાં તેના મિત્રો ચોંકી ગયા હતા. ખુદ સુદેશને નવાઇ લાગી હતી કે તે અમિતાભનો અવાજ કેવી રીતે કાઢી શક્યો હતો.

આગળ જતાં સુદેશ ભોંસલેએ બીજા અનેક જાણીતા અભિનેતા અને ગાયક કલાકારોનો અવાજ કાઢી બતાવ્યો હતો. પરંતુ સૌથી મુશ્કેલ કામ સંજીવકુમારનો અવાજ કાઢવાનું રહ્યું હતું. સંજીવકુમારનો અવાજ સામાન્ય રીતે કાઢી શકાય એવો સરળ ન હતો. એ માટે સુદેશે દસ દિવસ સુધી પ્રયત્ન કર્યો એમાં ગળું ખરાબ થઇ ગયું. ગળું એવું બેસી ગયું કે બીજા અવાજો કાઢી શકતો ન હતો અને કોઇ શોમાં ભાગ લઇ શકતો ન હતો. ધીમે ધીમે ગળું સારું થયું પણ સુદેશે પ્રયત્ન છોડ્યો નહીં.

એક દિવસ અચાનક બાથરૂમમાં નહાતી વખતે પ્રયત્ન કરતાં સંજીવકુમારનો અવાજ કાઢવામાં સફળતા મેળવી લીધી. સુદેશ મીમીક્રી કલાકાર તરીકે કામ કરવા લાગ્યો હતો ત્યારે ૧૯૮૫ માં સંજીવકુમારનું અવસાન થયું. પરિસ્થિતિ એવી થઇ હતી કે એમની પાંચ જેટલી ફિલ્મોનું મોટાભાગનું એમનું શુટિંગ પૂરું થઇ ગયું હતું પરંતુ એમના અવાજમાં ડબિંગ કરવાનું બાકી હતું. ત્યારે કોઇને ખ્યાલ આવ્યો કે સુદેશ સંજીવકુમારનો હુબહુ અવાજ કાઢી શકે છે એટલે સંજીવકુમારની અધુરી ફિલ્મોના બધા જ નિર્માતાઓએ સુદેશનો સંપર્ક કર્યો અને ડબિંગ કરી આપવા કહ્યું. સુદેશે લવ એન્ડ ગોડ, પ્રોફેસર કી પડોશન વગેરે પાંચેય ફિલ્મોનું ડબિંગ સંજીવકુમારના અવાજમાં કરી આપ્યું હતું. જેનો ફિલ્મ જોતી વખતે કોઇને ખ્યાલ આવતો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]