જો સપના ઊંઘ ઉડાડી મુકે તો તે બિહામણા કહેવાય. જે સપના શાંતિથી ઊંઘવા દે અને હૃદયને આનંદ આપે તે જ સુખ આપે. સપનાની પાછળ ભાગવામાં ક્યાંક કોઈ રોગ ઘર ન કરી જાય એ પણ જોવું પડે. મોટા માણસ બનવાની ઈચ્છા જીવન ટૂંકાવી દે એવું ન જ થવા દેવાય. જે આપણાથી થઇ શકે છે તેને પામવાની ઈચ્છા રખાય. સપના આંખોથી મોટા થાય તો એ સપના ક્યારેક આંશુ પણ આપી શકે.
ઈશ્વરે તો દરેક માણસને સમાન બનાવ્યા છે. પણ માણસ પોતે નાનો મોટો બની જાય છે. જ્ઞાન પૂજાય કે પૈસો એ ચર્ચાનો વિષય છે. સત્તાનું જોર વધારે કે પૈસાનું એ પણ ચર્ચી શકાય. પણ માનવતાને અવગણીને કરવામાં આવેલુ દરેક કાર્ય સમાજને નકારાત્મક દિશા આપે છે તે હકીકત છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: કોઈ સામાજિક, રાજકીય કે આર્થિક વિચારધારા સાથે સંકળાયેલ વ્યક્તિ કશું ખોટું કરે તો એની જવાબદારી કોની ગણાય?
મેં એક સરપંચને એની વિચારધારા અને એમના નેતૃત્વને મન આપીને એક કામ સોંપ્યું હતું. એમને નેવું ટકા એડવાન્સ પણ આપ્યા. એ વરસાદનું બહાનું કાઢીને છટકી જતા. સરકારે રસ્તા તોડી નાખ્યા છે. પાણી ભરાઈ ગયું છે. જેવા બહાના પણ કાઢ્યા. અંતે મેં એમને મળીને વાત કરી કે તમે પૈસા લીધા છે. સરકારનો વાંક કાઢવાનો અર્થ નથી. વળી રસ્તા તો નવા છે અને પાણી પણ નથી. તો એમણે મને કહ્યું કે મોટા નેતા કૌભાંડ કરે છે એમને કહો ને. મને શા માટે કહો છો? મેં તો એમની વિચારધારાને માન આપીને વિશ્વાસ કર્યો હતો. એમના નેતા સજ્જન છે. આ માણસ તો એમને પણ બદનામ કરે છે. ,મારે શું કરવું જોઈએ? મેં તપાસ કરી તો ખબર પડી કે એમણે મારા જેવા ઘણા લોકોને છેતર્યા છે. એ તો એવું પણ કહે છે કે એમને ઉપરથી જ આવું કરવા કહે છે.
જવાબ: તમે જયારે આર્થિક વ્યવહાર કર્યો ત્યારે એમના નેતાને વચ્ચે રાખ્યા હતા? તો પછી એમને દોષ પણ ન આપી શકાય. કોઈ પણ વિચારધારા સાથે સમાન વિચારધારા ધરાવતા લોકો જ જોડાય એ સમય પૂરો થઇ ગયો છે. ક્યારેક પોતાના સ્વાર્થ માટે પણ લોકો આવી પ્રવૃતિમાં જોડાય છે. વળી આટલા બધા પૈસા એડવાન્સ તરીકે ન જ અપાય. પેલા ભાઈ એની જગ્યાએ ખોટા જ છે. એ પોતાના કારણે એમના નેતાને પણ બદનામ કરી રહ્યા છે. એમની પસંદગીમાં એમના નેતા થાપ ખાઈ ગયા હોય એવું બને. વળી પ્રચલિત લોકોને પસંદ કરવામાં ક્યારેક યોગ્યતા ન જોવાય એવું પણ બને. જે માણસ પોતાના નેતાને જ સન્માન નથી આપતો એની કોઈ વિચારધારા ન હોઈ શકે. એ માણસ ખોટો છે. પણ આવો આંધળો વિશ્વાસ મુકવાનું પણ યોગ્ય તો નથી જ. તમે જો કોઈ લખાણ કર્યું હોય તો એના આધારે એમના પર કેસ કરી શકો. એમના નેતાને પત્ર લખીને જાણ કરો. જો એ સાચે જ સારા હશે તો ચોક્કસ મદદ કરશે.
વળી કેટલાક લોકો મોટા માણસોનું નામ લઈને છેતરતા હોય છે. જેની એમના નેતાઓને જાણ પણ નથી હોતી. આવા લોકોને ચુંટવા એ મુર્ખામી છે. અને એ પછી ફરિયાદ કરવી એ પણ ખોટી વાત છે. દરેક વિચારધારા સારી જ હોય છે. એનું પાલન કરવાવાળા લોકો અલગ હોઈ શકે. તમારી સાચી વાત અન્યને પણ કહો જેથી અન્ય કોઈ ન છેતરાય. પશ્ચિમનો અક્ષ અથવા અગ્નિ દિશા નકારાત્મક હોય ત્યારે છેતરાવાનો પ્રસંગ બની શકે. ગુરુવારે શ્રી સૂક્તમ અને પુરુષ સુક્તમના પાઠ કરો.
સૂચન: કોઈને છેતરીને સુખી થવાતું નથી. સામે વાળી વ્યક્તિની નકારાત્મકતા સુખમાં બાધક બને છે.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)