તમારા ઘરમાં બ્રહ્મનો દોષ તો નથી ને?

મારી મીટીંગ પૂર્ણ થઈ અને ફોનમાં જોયું તો ઘણાં બધા મિસ્ડ કોલ હતાં. ખુબજ નવાઈ લાગી. હજુ કાઈ વિચારું એ પહેલા તો એક ફોન આવી ગયો. ‘સમાચાર જોયા? પેલા એ આત્મહત્યા કરી.’ એક સેકન્ડ વાત માનવામાં ન આવી. હું બે વરસ પહેલા તેમને મળ્યો હતો. પછી બધું સરસ હતું. વળી જે ઘરમાં તેમને રહેવાનું કહ્યું હતું તેની ઉર્જા પણ સારી હતી. સાંજે સમાચાર જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ એજ ઘર હતું જ્યાં તેમને વારંવાર અકસ્માત થયાં હતાં. તે પાછા આ ઘરમાં શિફ્ટ થઇ ગયા હતાં. ઘરનો નૈરુત્ય ખૂણો ત્રાંસ સાથે કપાયેલો હતો. બ્રહ્મનો દોષ હતો અને ઇશાનનો પણ. બે અક્ષ નકારાત્મક હતાં.

જયારે બ્રહ્મના દોષ સાથે અન્ય કોઈ મોટો દોષ ભળે ત્યારે આત્મહત્યા સુધીના વિચારો આવી શકે. આ વાત મેં કહી પણ હતી. ભૂતકાળની કેટલીક ઘટનાઓ જે મારા રીસર્ચમાં હતી તે યાદ આવી ગઈ. અન્ય એક જગ્યાએ બ્રહ્મમાં દાદરો હતો અને ઇશાનથી નૈરુત્યનો અક્ષ યોગ્ય ન હતો. એ મકાનમાં પણ આવી જ ઘટના બની હતી. તો મધ્ય ગુજરાતમાં એક મકાનમાં બ્રહ્મમાં ખાડો હતો અને નૈરુત્યનો દોષ હતો. ઇશાનમાં જમીનથી ઉપર પાણીની ટાંકી હતી ત્યાં પણ આવી સમસ્યા જોવા મળી હતી.

મહાભારતમાં પણ મય સભામાં ખાડો હતો અને પાંડવોના વંશને તકલીફ પડી હતી. મોટા ભાગે ઇશાન શુભ કે નૈરુત્ય અશુભ સુધી આવીને વાસ્તુના નિયમો અટકી જાય છે. પણ મારી દ્રષ્ટીએ દરેક દિશાનું એક સમાન મહત્વ છે. બ્રહ્મ માનવના આત્મવિશ્વાસ અને નવી પેઢી સાથે જોડાયેલી દિશા છે. પ્રથમ કેસમાં તેમને સંતાન માં માત્ર દીકરી જ હતી. બીજા કેસમાં પણ એવુજ થયું અને ત્રીજા કેસમાં પણ માત્ર દીકરી જ હતી.

આત્મહત્યા કરવી કોને ગમે? જીવન તો બધાને વહાલું હોય. જયારે આત્મવિશ્વાસ સાવ તળીએ બેસી જાય ત્યારે જ માણસ આવું પગલું ભરે. ગમે તેટલો વૈભવ હોય પણ તેને ભોગવવા જીવવું પણ જરૂરી છે. બ્રહ્મના દોષ સાથે નૈરુત્યનો દોષ હોય તો અકસ્માત થયાં કરે અને વારંવાર આવું થવાથી આત્મવિશ્વાસ ઓછો થતો જાય. જો બ્રહ્મ સાથે વાયવ્યનો દોષ હોયતો ઝગડા અથવા કોર્ટ કચેરીના લીધે આત્મવિશ્વાસ ઘટે. બ્રહ્મમાં પાણી ક્યારેય પણ ન રખાય. જુના અમદાવામાં આવી સ્થિતિ હતી અને નવી પેઢીમાં કોઈએ લગ્ન કર્યા જ ન હતા. એકલતાના લીધે તેમનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો હતો અને એકબીજા સાથેના સંબંધો બગડી રહ્યાં હતા.

હવે બ્રહ્મને સમજવો કેવી રીતે તેવો વિચાર પણ આવે. બ્રહ્મ એ એક બિંદુ છે તે માન્યતા ખોટી છે. સમગ્ર મકાનના ઉભા અને આડા ત્રણ ત્રણ ભાગ કરવાથી જે નવ ભાગ બને તેમાં મધ્યનો આખોજ ભાગ બ્રહ્મસ્થાન ગણાય. બ્રહ્મમાં હિચકો હોય તો નકારાત્મક વિચારો આવે અને કારણ વિનાની શંકાઓ જાગે. તેમાં પણ જો અગ્નિનો દોષ હોય તો નારીને આવી સમસ્યા વધારે થાય અને સામાન્ય લાગતી વાતનું સ્વરૂપ મોટું લાગતા ભયની લાગણી વધે. બ્રહ્મમાં સ્વીમીંગ પૂલ ક્યારેય ન બનાવાય. તેવીજ રીતે બ્રહ્મમાં ઊંચા વૃક્ષો પણ ન રોપાય. ઉત્તરનો અક્ષ અને બ્રહ્મનો દોષ વધારે પ્રમાણમાં હોય તો પુરુષથી અસંતૃપ્ત હોવાના કારણે નારીને ડીપ્રેશન આવી શકે. તેથી જ બ્રહ્મ સકારાત્મક હોય તે જરૂરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]