રાફેલ પર જેટલીનો પલટવાર: રાહુલ ગાંધીને ગણાવ્યા ‘જોકર રાજકુમાર’

નવી દિલ્હી- રાફેલ ડીલને લઈને કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. જોકે, કોંગ્રેસના આરોપોને ભારતીય જનતા પાર્ટીએ નિરાધાર અને પાયા વિહોણા ગણાવતા જણાવ્યું છે કે, કોંગ્રેસ દેશ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહી છે.નાણાંપ્રધાન અરુણ જેટલીએ રાફેલ ડીલના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા જુઠ્ઠાણું ફેલાવવા અને 15 ઉદ્યોગપતિઓની લોન માફીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘જોકર રાજકુમાર’ ગણાવ્યા અને આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી રાફેલ ડીલ અને NPA મુદ્દે સતત જુઠ્ઠું બોલી રહ્યાં છે.

નાણાંપ્રધાન અરુણ જેટલીએ એક ફેસબુક પોસ્ટ લખી છે. જેનું ટાઈટલ છે ‘ક્લાઉન પ્રિન્સ’નું (જોકર રાજકુમાર) જુઠ્ઠાણું. અરુણ જેટલીએ તેમની પોસ્ટમાં લખ્યું કે, ‘રાહુલ ગાંધી એવી રણનીતિ પર કામ કરી રહ્યાં છે, જ્યાં એક જુઠ્ઠાણું સાચું સાબિત કરવા વારંવાર બોલવામાં આવે છે’.

અરુણ જેટલીએ વધુમાં લખ્યું કે, ‘રાફેલના સંદર્ભમાં મારા દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના રાહુલ ગાંધી તરફથી કોઈ જ જવાબ નથી આપવામાં આવ્યા. રાફેલ ડીલ અને ઉદ્યોગપતિઓની લોન માફી પર રાહુલ ગાંધી વારંવર ખોટું બોલતાં રહ્યાં છે’. અરુણ જેટલીએ કહ્યું કે, ‘પબ્લિક ડિસ્કોર્સ એક ગંભીર પ્રવૃત્તિ છે. જેને આકર્ષક બનાવવા તમે સંસદમાં ગળે મળવા, આંખ મારવા અથવા આ પ્રકારના સતત જુઠ્ઠાણાં ફેલાવવા સુધી મર્યાદિત રાખી શકો નહીં’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]