વાસ્તુ: માણસ કઈ ન કરે ત્યારે કુદરત એને મદદ કરે

સાહેબ, અમારું બધું વિજ્ઞાન આધારિત. એટલે જ મને વાસ્તુમાં પણ રસ છે. હું એક સોસાયટીમાં કમિટીમાં હતો. એક પરિવાર આવ્યો. એક દિવસ મારાથી ભૂલથી એમની દીકરીને સીટી વાગી ગઈ. એમેણે ધમાલ કરી. કમિટીની હાજરીમાં કબુલ કરાવ્યું. નસીબ જોગે બધાએ મારો સાથ દીધો. પછી મને જોઇને એ લોકો મોઢું ફેરવી લેતા. અમે સારા ઘરના છીએ. તો પણ આવું થોડું કરાય? અને મારાથી ભૂલ થઇ હતી  એ સમજવા તૈયાર જ નહિ. એક વાર મેં લાગ જોઇને એમની ગાડીમાં પંચર કરાવી દીધું. એમની પાસે પંપ હતો. જતા રહ્યા. ફરી એક વાર ગાડીને નુકશાન કરાવ્યું પણ એલોકો જાણેકાંઈજ થયું ન હોય એમ વર્તે છે. એમના વિષે અફવાઓ ઉડાવી તો પણ શાંત. એક વાર તો ડરાવવા માણસો પણ મોકલ્યા. એમને ખબર છે કે આ બધું હું કરાવું છુ પણ હલતા પણ નથી. મનેડર લાગ્યો કે ક્યાંક શાંત પાણી ઊંડા ન નીકળે. મેં નવી જગ્યાએ ઘર લઇ લીધું. મારા માણસો હજુ એ જગ્યાએ છે. મારો સવાલ છે કે એ લોકોની એવી તે કેવી વાસ્તુની ઉર્જા છે કે એમને કોઈજ વાત અડતી નથી? અને બીજું મને કઈ કરશે તો નહી ને?

તમારી વાતમાં મોટાઈ ભારોભાર દેખાય છે. કુદરત ક્યારેક જવાબદારી સોંપીને પરીક્ષા લે છે. કંશને મારવા નારદજી કમળનું ફૂલ લઈને આવ્યા હતા. અંતે એણે પોતાના બધાજ ભાણેજને મારીને કર્મો ભેગા કરી લીધા. અને એનો નાશ થયો.તમે જો સારા માણસ હોત તો ભૂલથી કોઈની દીકરીને જોઇને સીટી ન વાગી હોત. જ્યાં અલગ અલગ લોકો એક પરિવારની માફક રહેતા હોય એને એક સોસાયટી કહેવાય. તમારા કહેવા મુજબ તમારે ત્યાં લોકોને સંબંધો અલગ છે. તમે જે લોકોને બોગસનું ઉપનામ આપ્યું છે એ લોકો સારા છે એવું મને લાગે છે. એમને શાંતિથી જીવવા દો અને તમે પણ જીવો. તમારા મનમાં નકારાત્મક લાગણી છે એટલે તમને ભય લાગે છે કે એ લોકો કૈક કરશે. જયારે માણસ કઈ ન કરે ત્યારે કુદરત એને મદદ કરે છે. મહાસત્તાના મદમાં નાચતા ચીનને અત્યારે આપણે એક શુક્ષ્મ જીવ સામે લડતા જોઈ રહ્યા છીએ. તમને કદાચ અધિકારીથી લઈને ગુંડા સુધીના બધાજ ઓળખતા હશે પણ એ લોકો કુદરતના કોપથી તમને બચાવી શકશે? તમારી એક ભૂલને છાવરવા તમે વધારે ભૂલો કરી રહ્યા છો. તમે પ્રતિનિધિ છો, માલિક નહિ.

તમારી સોસાયટીમાં પશ્ચિમનો દોષ છે. વળી અગ્નિનો ભાગ ત્રાંસો છે. ઉત્તરને પૂર્વના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે અને બ્રહ્મનો દોષ છે.આ જ કારણથી તમારે ત્યાં નારીનું સન્માન નથી સચવાતું. તમારા વિચારો ઉચ્ચ છે એવું તમે કહો છો તેથી તમારા ઘરની સ્ત્રીઓ કોઈની સાથે સંબંધ રાખે તો તમને ફેર નથી પડતો. પણ બધા એવા ન હોય. જો પતિપત્ની બંને આવા વિચારો ધરાવતા હોય તો ગુફા યુગની યાદ આવે. તમે જે જગ્યાએ રહેતા હતા એ જગ્યાએ પશ્ચિમ અને ઉત્તરના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે વળી પૂર્વમાં સંડાસ આવે છે અને મુખ્ય દ્વાર નૈરુત્યમાં આવે છે. તમને ઘર ખાલી કરવાનો વિચાર આવ્યો એ પણ આ રચનાનો ભાગ જ છે. તમારા મનની સ્થતિ પણ અહી દેખાય છે.

મારા રિસર્ચમાં મેં વારંવાર જોયું છે કે માણસ જેવી ઉર્જામાંથી અન્ય જગ્યાએ જાય છે એ જગ્યાની ઉર્જામાં કોઈક સમાનતા હોય છે. તમે ભય ધરાવતા વાતાવરણમાંથી અન્ય જગ્યાએ ગયા તેથી તમને ભય સતાવી રહ્યો છે. એક વાત ન સમજાઈ તમે જે કરી રહ્યા છો એમાં વિજ્ઞાન ક્યાં છે? જો તમને સકારાત્મક ઉર્જામાં રસ હોત તો તમે સકારાત્મક થવા પ્રયત્ન કર્યો હોત. તમારી દીકરી પણ યુવાન છે. મને ખાતરી છે કે તમે એને ભૂલથી પણ સીટી નહિ મારી શકો. ધન અને સત્તાનો મદ પતન સુધી લઇ જાય છે. તમે એ જગ્યાએ નથી રહેતા પણ તમે તમારા ભયને હજુ ત્યાં રાખ્યો છે એ જ દર્શાવે છે કે તમે અંદરથી કેટલી નકારાત્મકતા ભેગી કરી છે. તમારા નવા ઘરનો પ્લાન નથી તેથી એના વિષે વિચારી ન શકાય. જો એ લોકો સારા હશે તો તમારે ડરવાની જરૂર નથી પણ હા, હવે વધારે નકારાત્મકત ન થશો. કુદરત ન્યાય કરશે તો તમે કઈ નહિ કરી શકો.