ધર્મ કે ધાડ? વાસ્તુના નામે ચાલતી કેટલીક ગેરસમજ

જે પોષતું તે મારતું. જેને પામવા માણસ પ્રયાસ કરે છે એના વિશેની અણસમજ અથવાતો ગેરસમજ માણસને મૃત્યુતુલ્ય તકલીફ આપે ત્યારે એને વિમાસણ થાય છે કે મેં તો યોગ્ય જ કર્યું હતું તો પછી મારી સાથે આવું શા માટે થયું? આજે આપણે ભારતીય વાસ્તુમાં ચાલતી કેટલીક ગેરસમજ વિશે વાત કરીશું કે જેના વિષે ઘણો પ્રચાર પ્રસાર થયો છે પણ એના પરિણામો નકારાત્મક આવે છે. મોટા ભાગે મંદિરના મહારાજ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે એવી ગેરમાન્યતામાં આપણે રચતા હોઈએ છીએ. તેથી જ એ સર્વજ્ઞાની હશે એવું માનીને એમણે કહેલી બધી જ વાત આપણે માની લઈએ છીએ. જે સાચું નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમારા લેખમાં વાસ્તુ ઉપરાંત ઘણીબધી જીવનલક્ષી વાતો હોય છે. પણ એક વાતનો ઉલ્લેખ ઓછો થયો છે કે ખરેખર વાસ્તુનિયમો કોને કહેવાય. અમે એક જાણીતા મંદિરે ગયા હતા. ત્યાંના મહારાજે દરરોજ કબૂતરને જાર નાખવાનું કહ્યું હતું. એના લીધે વાસ્તુદોષ દૂર થશે એવી સમજણ પણ આપી. મારા પત્નીને ફેફસામાં તકલીફ થઈ અને ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે સમજાવ્યું કે આ રોગનો કોઈ સચોટ ઈલાજ નથી અને તમારા ઘરની આસપાસ રહેતા કબુતરોના સંપર્કમાં આવવાથી આવું થાય. આ તો ધર્મ કરતા ધાડ પડી. સાચી વાત તમે જ સમજાવી શકશો.

જવાબ: ભારતીય વાસ્તુનિયમ મુજબ આવી કોઈ વાત નથી. વળી કબૂતરને ઈશ્વરે પાંખો આપી છે. એ આખા જંગલો ફેંદીને દૂત તરીકે પણ જતું હતું. એની દયા ખાઈને એને જાર આપનારા આપણે કોણ છીએ? કોઈને સતત મદદ કરીને આપણે પાંગળા કરી દઈએ છીએ. ભારતમાં આવી પ્રવૃત્તિનો નિષેધ છે. જરૂર હોય ત્યારે મદદ કરવી જોઈએ, કોઈને કામ અપાવવું જોઈએ, પણ એને પાંગળા બનાવવું એ પણ પાપ ગણાય. વિજ્ઞાનને સમજ્યા વિના માત્ર કોઈ મહારાજના કહેવાથી તમે નિર્ણય લીધો, એ બરાબર નથી કહેવાય. તમારે હીરો ખરીદવો હોય તો તમે કુભારને પૂછશો કે ઝવેરીને? જેની યોગ્યતા છે એની જ સલાહ લેવી જરૂરી છે. ભારતીય વાસ્તુ માટે આવી લાખો રીલ્સ પોપ્યુલર થઈ છે, જેનો કોઈ આધાર જ નથી. ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ જેવી બાબત છે. કબૂતરને ઘરની આસપાસ ન આવવા દેવા જોઈએ. એને નકારાત્મક માનવામાં આવે છે.

સવાલ: હું એક બિલ્ડર છું. અમારા મહારાજે સમજાવ્યું હતું કે તમે કોઈ પણ ખોટું કામ કરીને પૈસા કમાવો, એનો દસમો ભાગ મંદિરમાં આપો એટલે તમારા પાપ પુણ્યમાં પરિવર્તિત થઈ જાય. આ વાત મેં મારા એક કન્સલ્ટન્ટને કહી તો એણે આ વાતનું ખંડન કર્યું. મેં ગુસ્સામાં એની ફી ન આપી અને એને આપવાના પૈસાનો દસમો ભાગ અમારા મહારાજને આપી દીધો. ત્યાર બાદ સતત ખોટ ચાલી રહી છે. તો હકીકતમાં સાચું શું હોય?

જવાબ: તમે જાતે અનુભવ કર્યો છે તો પણ તમે સવાલ પૂછો છો? કોઈને દુઃખી કરીને સુખી ન થવાય. આપણે લખાણ વિના પણ કોઈને ફી આપવાનું કહીએ છીએ ત્યારે કુદરતની હાજરીમાં એ કોન્ટ્રાક્ટ ગણાય છે. તમારા તો ગુરુ પણ અજ્ઞાની છે, જે તમને કોઈનું ખોટું કરીને એમને પોતાને સુખી રાખવાની સલાહ આપે છે. તમે જે તે વ્યક્તિને એના હકના પૈસા આપી દો. તમને નિયમો જાતે જ સમજાઈ જશે. પાપ ધોવાની કોઈ વાત ભારતીય પ્રણાલીમાં નથી.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )