હોળીની ઉજવણી કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે?

હોળી વિના પણ માણસના રંગો તો બદલાયા જ કરે છે. તે ખુશ હોય ત્યારે ગુલાબી, ગુસ્સામાં લાલ, નર્વસ થાય ત્યારે ભૂરો, શરમમાં કાળો આમ ક્યારેક પીળો તો ક્યારેક લીલો છમ્મ પણ નજરે ચડે છે. જો કોઈ એકજ રંગ એના પર કાયમ નથી રહેતો તો પછી એને હોળીના રંગ ચડે ખરા? અને જો ઈશ્વર સાથે પ્રીતિ થઇ જાય તો પછી એવો પાકો રંગ ચડી જાય કે એને કોઈ લોન્ડ્રી વાળા પણ ન ઉતારી શકે. તો પછી એકાદ હોળી ઈશ્વર સાથે સ્નેહ માટે પણ રમી શકાય ને? એમાં રંગોની ક્યાં જરૂર છે? મીરાની કાળી કામળી નીચે આત્મા તો કેસરિયો જ હતોને? જ્યાં જીવ છે ત્યાં શિવ છે તો પછી ઉત્સવ પણ જીવંત હોવાનો જ હોય ને? બસ માસ્ક પહેરી અને સોશિયલ ડીસ્ટન્સ રાખીને ખુદને અને અંગત લોકોને સુરક્ષિત રાખીએ. એ પણ એક પ્રકારનો ઉત્સવ જ છે ને? પોતાના લોકોના મુખ પર દેખાતું સ્મિત એ પણ એક રંગ જ છે ને? જે રંગ આત્માને સ્પર્શે છે એ રોમ રોમને ગુલાબી કરી દે છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોઉં જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  હોળી આવે છે. પૂજા માટે અનેક મત મતાંતરો પ્રવર્તે છે. તો મને જણાવશો કે હોળીની ઉજવણી કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે?

જવાબ: આપણા તહેવારો અને પરંપરા પાછળ કોઈને કોઈ વિજ્ઞાન રહેલું છે. હોળી એવા સમયે આવે છે જયારે ઋતુ બદલવાના કારણે ફ્લુ જેવી બીમારીઓ ફેલાતી હોય છે. એના ઈલાજ માટે આપણા વિજ્ઞાનમાં શેક, તાપ, પ્રોટીન યુક્ત અને વધારે ફાયબર વાળો ખોરાક ખાવાની વાત હતી. હોલિકા દહન કર્યા બાદ તેની પ્રદક્ષિણા કરવાથી આખા શરીરને શેક મળે છે. જે વાયરસને મારવા સક્ષમ છે. ખજુર ધાણી અને ચણા એ ઈમ્યુનીટી વધારી અને પેટ સાફ લાવવામાં મદદ કરે છે. જે વ્યક્તિને નવજીવન આપવા જેવું કાર્ય કરે છે. આમ હોળીનો તહેવાર એ પાનખરમાં ભેગા થયેલા ડાળી અને પાંદડાને બાળી અને એની ઉર્જા થકી સ્વસ્થ જીવન આપવાનું કામ કરે છે. હોળી કોઈ પણ વ્યક્તિ માટેનો તહેવાર છે. કોવિડ સમય આવ્યા બાદ હવે આપણે સહુ જાણીએ છીએ કે બીમારી કોઈ ધર્મ જાતી કે સંપ્રદાયને પૂછીને નથી આવતી તો એનાથી બચવા માટેની પ્રક્રિયા માટે પણ એ નિયમ લાગુ પડે ને? હોળી માટે નવા વૃક્ષો ન કાપીને પર્યાવરણની માવજત કરી શકાય. કેસુડાનું આયુર્વેદમાં ખુબ મહત્વ છે. ધુળેટીના દિવસે કેસુડાના પાણીથી એક બીજાને રંગવામાં આવતા. જે સૂર્ય પ્રકાશની નકારાત્મકતાથી બચાવવા સક્ષમ છે. કેસુડો સુંદરતા સાથે જોડાયેલું વૃક્ષ છે.

 

 

 

 

 

 

 

 

સવાલ: બે વ્યક્તિઓ મારાથી નજીક છે. એક મને કામ અપાવે છે. એ ઈચ્છે છે કે એ કહે એમજ હું કરું. મારી મરજી જાણ્યા વિના એ મારા વતી નિર્ણયો લઇ લે છે. સામે એ એવું ઈચ્છે છે કે હું માત્ર એને જ ચાહું. બીજી વ્યક્તિ મને ખુબ ચાહે છે. એના વ્યવહારથી મને એનો અનુભવ થાય છે. એ મારી ચિંતા પણ ખુબ કરે છે. મને ગમતું બધું કરવા પ્રયત્ન કરે છે. એક વાર પહેલી વ્યક્તિના કહેવાથી મેં એને મને મળવાની ના પાડી. એણે વિરોધ ન કર્યો. થોડા સમય પછી મેં એને પાછા આવવા કહ્યું પણ એણે મને સમજાવ્યું કે પાછુ કોઈને પૂછવાનું બાકી ન રહે. મેં સહજ રીતે જ કહ્યું કે હું પૂછીને કહીશ. અને એનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. મને સાફ દેખાતું હતું કે એ હજુ પણ મને પ્રેમ કરે છે. આજે મેં એને પુસ્તકો આપ્યા. એને ગમ્યું પણ જે વ્યક્તિ મને કામ અપાવે છે એને ન ગમ્યું. એક બાજુ મારી કેરિયર પ્લાન કરનાર વ્યક્તિ છે અને એક બાજુ આવી વ્યક્તિ કે જે મને ખુબ ચાહે છે. શું કરું? મારા વાસ્તુમાં કોઈ ફેરફાર કરવાથી બંને મારી સાથે રહે એવું થાય?

જવાબ: માણસ માત્ર સ્વાર્થી છે એની પ્રતીતિ આપની વાત પરથી થાય છે. જેમનું નસીબ જોર કરતુ હોય એને સાચો પ્રેમ મળે છે. તમે શું એમ માનો છો કે જે વ્યક્તિ તમારા પર ખુબ અધિકાર દેખાડે છે એ તમને અન્ય વ્યક્તિ સાથે રહેવા દેશે? વળી જ્યાં સુધી એને તમારી જરૂર છે ત્યાં સુધી એ તમારી સાથે હશે. પછી તમારી જગ્યાએ કોઈ અન્ય પણ હોઈ શકે. જેને પુસ્તકો ગમે છે એ બુદ્ધિગમ્ય વાતો પણ સમજી શકે. જો તમને એવું લાગે છે કે તમે પણ એને પસંદ કરો છો તો કહી દો. આવો પ્રેમ કરવા વાળી વ્યક્તિ ગયા પછી પાછી નથી આવતી. વાસ્તુના કોઈ સિધ્ધાંતો બે વ્યક્તિઓ એકજ હક્ક થી જીવનમાં એક સાથે રહે એના માટે મદદ નથી કરતા. સવારે વહેલા ઉઠી સૂર્યને જળ ચડાવો. સાચી વ્યક્તિની પરખ થવા લાગશે.

આજનું સુચન:  હોળીમાં વધારે પડતું કપૂર નાખવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)