વાસ્તુ: શંકાશીલ સ્વભાવ અને વાસ્તુદોષ…

કોઈ બીમારી હોય તો એનો ઈલાજ ચોક્કસ થાય. પરંતુ બીમારીનો વહેમ હોય એનો ઈલાજ શું હોઈ શેકે? કેટલાક લોકોનો સ્વભાવ વહેમાળ હોય છે. એમને કોઈના ઉપર ભરોસો જ ન આવે. આવા લોકોને ઉશ્કેરવા વાળા પણ મળી જ રહે. અને આખી જિંદગી સત્ય વેગળું રહે. આવા લોકોને કોઈ સાચી વાત કરવા જાય તો પણ એમને વહેમ જ પડે. અને પોતાના હિતેચ્છુથી વેગળા થતા જાય. વ્હાલાને પણ વસમાં કરવાની કળા આવા લોકોમાં હોય. પોતે તો આજીવન દુખી જ રહે પણ અન્યને સુખી ન થવા દે. આવું થવા માટે નૈરુત્ય અને ઈશાનનો વાસ્તુદોષ કારણભૂત ગણી શકાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે.  આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમે કોઈ એવો પરિવાર જોયો છે કે જેને શક કરવા સિવાય કોઈ ધંધો જ ન હોય? મારા લવ મેરેજ છે. મારા સાસરે ન ઘર ન આવક. એટલે મારા વરને ઘર જમાઈ બનાવી દીધો. પણ અમને થોડી ખબર હતી કે એને શક કરવાનો શોખ છે. અંતે થાકીને મારા પપ્પાએ અમને અલગ ફ્લેટ અપાવી દીધો. હું નૃત્ય શિક્ષિકા તરીકે કામ કરું અને મારો વર આમતેમ ફર્યા કરે. પણ મેં બધું ચલાવી લીધું. ધીમે ધીમે લોકો મને ઓળખતા થયા. પણ મારા વરને એના જેવો એક મિત્ર મળી ગયો. ક્યાં શક કરાય અને ક્યાં નહિ એની કોઈ સમજ વિના બંને બસ શક કર્યા કરે. મારે લોકોને જવાબ આપવાના ભારે પડે. બસ કોઈ પુરુષને જોયો નથી કે શક ચાલુ. અમારી સોસાયટીમાં એક વ્હાલાભાઈ છે. ઘણા લોકો એને વ્હાલો કહીને બોલાવે છે. એવું બને. એનેય ન છોડે. વળી એ બિચારા ભલા માણસનો ભરપુર ઉપયોગ પણ કરી લે. પોતાના અંગત સ્વાર્થ માટે એને ચડાવે. પેલો બિચારો માણસ મદદ કરવા આવે તોએ શક કરવાનું તો ન જ છોડે.

કોઈ લીફ્ટમાં મળે તો દોડીને પાછળ ઘુસી જાય અને એમનું પુરાણ ચાલુ. લોકો થાકી ગયા છે. હું કેટલાનું સાંભળું? બાકી હતું તો મારા સાસુને પણ ઘરે લઇ આવ્યા છે. એ પણ શક કરવામાં આમની સાથે હોય. એ જ આમને બગાડે છે. ગમેતેની ઉપર શક ન કરાય ને? વળી આખી દુનિયાના ફાડા મારે. આજે મેં જેટ ખરીદ્યું ને કાલે શીપ લેવાની વાત ચાલે છે. એમના નામે કોઈ પંચિયું પણ નથી આપવા તૈયાર. વળી કોઈ બિચારું ભલું હોય તો આમની શક કરવાની ટેવથી દુર ભાગે. આવું થવા પાછળ કોઈ વાસ્તુદોષ હોઈ શકે? જો હોય તો એનું નિવારણ શું હોઈ શકે.

જવાબ: જયારે માણસને પોતાનામાં ભરોસો ન હોય ત્યારે જ એ અન્ય પર શંકા કરે. તમારા પતિએ નાનપણમાં કોઈ સુખ નથી જોયું. એમના મમ્મીએ સ્વમાનથી જીવતા શીખવ્યું હોત તો આવું ન થાત. વળી એ સતત શંકાઓ કાર્ય કરે તો એવું તો કોને ગમે? દુનિયાનું મોટાભાગનું સારું કામ ભરોસાથી ચાલે છે. જો માણસ માત્ર શક કરે તો કોઈ કામ શક્ય જ નથી. જયારે નૈરુત્યથી ઈશાનનો અક્ષ નકારાત્મક હોય ત્યારે માણસનો સ્વભાવ આવો થઇ જાય. એ માત્ર આભાષી જીવન જીવ્યા કરે. જે નથી એના વિચારોમાં જીવતી વ્યક્તિ હકીકતોથી દુર રહે.

વ્હાલાભાઈ પોતેજ એમનું પ્યાદું બની રહ્યા છે. એટલે એમની ચિંતા કરવાના બદલે તમારે તમારો વિચાર કરવો જોઈએ. લોકોને સત્ય સમજાવવાના બદલે એમને સકારાત્મક કાર્ય તરફ લઇ જાવ. બેસીને ગપ્પા મારે એના બદલે તમારા કામમાં સાથે રાખો. પેલા નકારાત્મક મિત્રથી દુર રાખો. ઘરમાં ચંદનનો ધૂપ કરો અને સૂર્યને જળ ચડાવો. જો એ માને તો દર બેસતા મહીને કોઈ સાચા વિદ્વાન બ્રાહ્મણને ગમતી ભેટ આપો.

સવાલ: ઘરમાં પૈસા ટકતા નથી. તો કોઈ ઉપાય?

જવાબ: દર બેસતા મહીને કીડીયારું પૂરો અને કોઈ સાચા વિદ્વાન બ્રાહ્મણને ગમતી ભેટ આપો. કોઈનું દિલ ન દુભાવો.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)