ભયભીત માણસો જીવનના સાચા નિર્ણય લેતા પણ ગભરાય છે. અને નિર્ભય માણસ ખોટા નિર્ણયો પણ પૂરી જવાબદારીથી નિભાવે છે. તેથી જ જવાબદાર લોકોએ નિર્ણય લેવા જોઈએ. જો એ લોકો નિર્ણય ન લઇ શકે તો પછી જે લોકો ભયભીત છે એ નિર્ણય લેશે. અને ભયભીત વ્યક્તિ ક્યારેક એવા નિર્ણય લઇ લે જે માત્ર ભય પ્રેરિત હોય. જેનાથી અન્યનું નુકશાન થવાની શક્યતા વધી જાય છે. વળી જે ભાવનાથી નિર્ણય લેવાય છે એની અસર પણ એવી જ હોય છે. સ્વાર્થ, લાલચ, લોલુપતા, વિગેરેથી લેવાયેલા નિર્ણયો પણ નકારાત્મક જ હોય છે ને? તેથી જ નિર્ણય લેતી વખતે પુરતો આત્મવિશ્વાસ જોઈએ.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આમ તો મને આપનો કોઈ પરિચય નથી. પણ મારા ભાભી આપને બહુ માને છે. મારી સમસ્યા સાંભળીને એમણે કહ્યું કે આમને પૂછી જો. તને ગમે એવી સલાહ ન પણ મળે. પણ સાચી સલાહ ચોક્કસ મળશે. તમે મારી વાત સમજશો એવી લાગણી સાથે મારી સમસ્યા જણાવું છે.
મારું બાળપણ રાજસ્થાનમાં વીત્યું. અચાનક એક દિવસ ખબર પડી કે મારા લગ્ન ગુજરાતમાં અમારી જ્ઞાતિના કોઈની સાથે નક્કી થઇ ગયા છે. સાસરે ગયા પછી ખબર પડી કે મારે તો અન્યના ઘરે કામ કરવા જવાનું હતું. મેં વિરોધ કર્યો. થોડા સમય પછી મારા કારણે ઘરમાં તણાવ ઉભો થયો. મારા દિયરે મદદ કરીને મારો પક્ષ લીધો. ધીમે ધીમે હું એમના તરફ ખેંચાઈ. મારા પતિ મારા દિયર કરતા સારા દેખાતા હતા તો પણ હું ખેંચાઈ ગઈ. એક દિવસ દિયર કોઈ છોકરી સાથે લગ્ન કરીને અન્ય જગ્યાએ જતા રહ્યા. દિયર અને એમના મિત્રો થઈને પીજીના નામે છોકરીઓ પાસે ખોટા કામ કરાવતા. પીજી છે એવું માનીને સોસાયટીના લોકો બીજું કશું વિચારતા નહિ. ધીમે ધીમે કોલ સેન્ટર જેવી ઘણી બાબતોમાંથી ઘણા પૈસા ભેગા કર્યા. અમે એમની સાથે રહેવા જતા રહ્યા. અમારા સારા દિવસો આવ્યા.
અમારી સોસાયટીમાં થોડું મુક્ત વાતાવરણ હતું. મને એક બિલ્ડર સાથે પ્રેમ થઇ ગયો. એ જેમ નચાવે એ રીતે હું કરવા લાગી. ધીમે ધીમે મારી દેરાણી પણ એમાં ખેંચાવા લાગી. એક દિવસ ખબર પડી કે પેલો માણસ મારા દિયરનો મિત્ર જ હતો. એ મને અને મારી દેરાણીને ફસાવીને ખોટા કામમાં લઇ જઈને અમને અમારા કુટુંબથી દુર કરવા માંગતો હતો. હવે મારા ઘરના લોકો પાસે પૈસા આવ્યા હોવાથી એમને અમે બંને ગમતા નહોતા. એક દિવસ ખબર પડી કે મારા દિયરને એઇડ્સ છે. એક સાથે કેટલા બધા ડર ભેગા થયા છે. શું કરું સમજાતું નથી. એક બાજુ ઘર છોડવાની વેદના. બીજી બાજુ પેલો માણસ બ્લેકમેઈલ ન કરે એનો ડર અને મારા દિયરનો રોગ. ક્યાં જઈશ? મારા પિયરમાં તો આવી રીતે દીકરી પાછી જાય તો બદનામી થાય.
જવાબ: તમે ભૂલોની હારમાળા સર્જી અને હવે એમાંથી બહાર નીકળવા માંગો છો એ સારી વાત છે. પણ ક્યારેય વિચાર કર્યો કે તમે જે કરી રહ્યા હતા એ તમને કઈ દિશામાં લઇ જશે. આજની પેઢીના કેટલાક લોકો જીવનને સમજી નથી શક્યા. ભૌતિકતાની દોટમાં એ વાત ભુલાઈ જાય છે કે દરેક નિર્ણયનું કોઈ ભવિષ્ય હોય છે. સહુથી પહેલા તો કોઈ બ્લેકમેઈલ કરશે એ વિચાર મનમાંથી કાઢી નાખો. તમારા દીયરથી દુર રહો. દેરાણીને હિંમત આપો. અને અનૈતિક સંબંધોથી દુર થઇ જાવ. તમારા પતિનો વિશ્વાસ જીતો.
તમારા ઘરમાં નૈરુત્યમાં જે બાલ્કની છે તેને લીલી નેટથી કવર કરી દયો. ઘરમાં ઈશાનમાં તુલસી અને ઉત્તરમાં કમળ વાવો. જરૂર ફર્ક પડશે.
સુચન: કોઈ પણ દિશામાં ખાંચા હોય તેને નકારાત્મક માનવામાં આવે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)