વાસ્તુ: ઉત્તરમાં ઓવરહેડ પાણીની ટાંકી હોય તો નારીના મનમાં અસંતોષ રહી શકે

15મી સદીમાં વિશ્વમાં સહુથી ધનાઢ્ય વ્યક્તિ કોણ હતી? કોઈને યાદ નહિ હોય. કારણ કે એ ભૂતકાળ છે. દુનિયાની સહુથી સુંદર ગણાતી સ્ત્રી ક્લીઓપેટ્રા સાચે જ હતી? કે પછી એને કોઈ માહિતીના ટુકડાઓની રચના ગણી શકાય. એનું શરીર હજુ સુધી ક્યાંય નથી મળ્યું. ભારતના ઈતિહાસ પર સવાલ કરનાર લોકોને આ વિચાર કેમ નહિ આવતો હોય? ઈતિહાસ માત્ર શું કરવું અને શું નહિ એ શીખવાડી શકે. એની તારીખો કે પાત્રો એ જ હતા કે નહિ એનું પરીક્ષામાં નાપાસ થવાય એટલું મહત્વ કદાચ ન પણ હોઈ શકે. કોઈ કાલ્પનિક પાત્ર પણ માનવ જીવનમાં મહત્વનો ભાગ ભજવી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપ આપના સવાલો નીચે જણાવેલ ઈમેલમાં પૂછી શકો છો.

સવાલ: હું જે વિચારધારા સાથે જોડાયેલી છું એ લોકો સ્વાર્થી છે. કોઈને કોઈ કામ માટે એ લોકો પૈસા માંગતા હોય છે. મારે જરૂર હોય ત્યારે પણ મારો ફાયદો લેવાની વૃત્તિ જોવા મળે છે. ક્યારેક વિચાર આવે છે કે જે લોકો સકારાત્મક રીતે એક બીજા સાથે જોડાયેલા છે એવી વિચારધારા અપનાવી લઉં. પછી ઘણા બધા વિચારો આવે છે. અને અટકી જાઉં છું. પણ પોતાના લોકો સાથે ન હોય ત્યારે અન્યના વિચારો અપનાવવા એ સાચો રસ્તો નથી?

જવાબ: માણસ સામાજિક પ્રાણી છે. માણસને માણસો ગમે. પણ જો પોતાના જેવા માણસો હોય તો. તમારી વાત વાંચીને દુખ થયું. આમ પણ વ્યક્તિની કીમત એના ગયા પછી વધારે થાય છે. પહેલી વાત આપ વધારે પડતા લાગણીશીલ છો. બીજું આપણે અન્યની દયા જલ્દી આવી જાય છે. સુપાત્ર ને દાન આપવું એ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. સમાન વિચારધારા ધરાવતા લોકો મળે એ સારી વાત છે. ક્યારેક એ લોકોમાં બદલાવ આવે તો એ સિવાયના લોકો સાથે જોડાઈ જવામાં જોખમ એટલું જ છે કે આપ તો એમના વિષે કશું જ જાણતા નથી. થોડાક લોકો આખા સમાજને ખરાબ દેખાડી શકે એવું બને. પણ એવું વિચ્રાય નહિ. કારણ વિના કોઈને માટે લાગણી ન દેખાડો અને યોગ્યતા જાણ્યા વિના મદદ ન કરો. સ્વાર્થી લોકો એની મેળે જ દુર થઇ જશે. ઘરમાં ગુગલનો ધૂપ કરો અને ગાયત્રી મંત્ર કરો. ચોક્કસ સાચો નિર્ણય લેવાની શક્તિ મળશે.

સવાલ: અમે નવું ઘર બનાવ્યું ત્યાં સુધી હું અને મારા પતિ સાથે રહેતા હતા. ઘર બન્યા પછી એ સતત બહારગામ રહે છે. મારે એકલા રહેવું પડે છે. ઘરમાંથી બીમારી જતી નથી. મને મગજ ફાટી જાય એવો ગુસ્સો આવે છે. હું કંટાળી ગઈ છું. બીજા લગ્ન કરી લઉં?

જવાબ: તમે એકલા કેમ રહો છો? તમારા પતિ બહારગામ રહે છે તો તમે પણ સાથે રહો. એમને પણ એકલા ગમતું હશે? લાંબા સમય સુધી દુર રહેવાથી આત્મીયતા ઘટી શકે. એ વાત તમારા સવાલમાં પણ દેખાય છે. ઘર અને વર બેમાંથી વરનો સહવાસ જ પસંદ કરાયને? વળી બીજા લગ્ન કર્યા બાદ એમને પણ બહાર રહેવાનું થયું તો? તમારા જેવાજ વિચાર તમારા પતિને પણ આવે તો? એમના જીવનમાં કોઈ આવી જાય તો? તમારા ઘરમાં વાયવ્યનો દોષ છે. ઉત્તરનો ખુબ મોટો દોષ છે. ઉત્તર મધ્યમાંથી પાણીની ટાંકી ખસેડવી જરૂરી છે. તમે આ જગ્યાએ ટોઇલેટ પણ બનાવ્યું છે. વળી ઇશાનનો પણ દોષ છે. તમારે સકારાત્મક વિચારધારાની ખુબ જરૂર છે. ઉત્તરમાં દ્રાક્ષ વાવો. ઉત્તરમાં મુખ રાખીને કોઈ કાર્ય ન કરો. વધારે પાણી પીવો. ગાય અને બ્રાહ્મણને સન્માન આપો.

સુચન: ઉત્તરમાં ઓવરહેડ ટાંકી હોય તો નારીના મનમાં અસંતોષ રહી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]