વાસ્તુ શીખવા માટે કેટલો સમય જોઈએ?

વાવાજોડું આવવાનું હતું અને એ જતું રહ્યું એ બંને વચ્ચેનો ભેદ શું છે? આવતા પહેલા બધું જ અજ્ઞાત હતું. ક્યારે આવશે? ક્યાં આવશે? શું થશે? ઘણા બધા સવાલો હવે પુરા થઇ ગયા છે. જીવનની દરેક સમસ્યાનું પણ આવુજ હોય છે. ક્યારેક જે વિચાર્યું છે એવું ક્યારેય થતું જ નથી. તો ક્યારેક જે વિચાર્યું છે એનાથી કશુક અલગ થાય છે. જે તોફાનનો ડર લાગતો હોય એના ગયા પછીનો સમય વધારે સારો બની જાય. વળી માત્ર ચિંતા કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન થોડું જ મળે છે? તેથી જ જીવનને માત્ર માણવું જોઈએ. જે થશે એ સારા માટે થશે એવું માનીને ચાલીએ તો જીવન સરળ બની જાય. સમસ્યા ન આવે એવું તો ન બને પણ એની ખોટી ચિંતા માંથી મુક્તિ મળતા જ સમસ્યા માંથી બહાર આવવાની પરિસ્થિતિ સમજાય.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને વાસ્તુને લગતી કોઈ સમસ્યા હોય તો આપ જરૂરથી નીચે જણાવેલા ઈમૈઈલ પર પૂછી શકો છો.

સવાલ: ગુરુજી. આપની વાતો જીવનલક્ષી હોય છે. મારા મમ્મી તમને ખુબ માને છે. મને તમારા વિચારો બહુ જ ગમે છે. ક્યારેક એવું પણ લાગે છે કે કોઈ સવાલ મનમાં અટવાતો હોય અને તમારું કોઈ એવું લખાણ આવે જેમાં એનો જવાબ મળી જાય. મારા મમ્મી કહે પણ ખરા કે જો આપણા માટે જ આ લખાયું છે. અમારા માટે તમે લાઈફ કોચ છો. મારો એક સવાલ છે કે વ્યક્તિએ લગ્ન શા માટે કરવા જોઈએ? સીરીયલ્સમાં બધા લડ્યા જ કરતા હોય છે. મારા મોટાભાગના સગાઓ લગ્ન જીવનથી દુખી છે. મારા પિતાજી વિદેશ રહે છે એટલે મારા માતાપિતાના જીવનને હું આદર્શ ન માની શકું. જો લગ્ન કર્યા પછી આજીવન દુખી જ થવાનું હોય તો એ પ્રક્રિયામાં જવું જ શા માટે? વળી ન ફાવે તો છુટાછેડાની પળોજળ, કોર્ટના ધક્કા વિગેરે. મારી પેઢીના ઘણા લોકોને આ પ્રથા નથી ગમતી. આ વિષે તમે શું માનો છો? મને વિશ્વાસ છે કે તમે સાચી સલાહ જ આપશો.

જવાબ: સહુથી પહેલા તો ગુરુ શબ્દને સમજવો જોઈએ. જે વ્યક્તિ જીવનને દિશા આપવા સક્ષમ હોય તેને ગુરુ માની શકાય? તમને મારા વિચાર ગમે છે. પણ શું તમારા જીવનને દિશા આપવામાં મારા વિચારો મદદરૂપ થાય છે ખરા? આજના યુગમાં કોઈને પણ ગુરુ માનવાની ફેશન બની ગઈ છે. અને કેટલાક લોકો તો પોતાની જાતે જ ગુરુ બની જાય છે. કોઈ પણ વ્યક્તિને ગુરુ ન જ કહેવાય. હવે તમારો પ્રશ્ન સમજીએ. સીરીયલ્સ જોઇને જીવનના નિર્ણય લેવાય ખરા? સિરીયલ્સમાં મૃત પાત્રો જીવતા થઇ જાય છે. માણસોના મોઢા બદલાઈ જાય છે. લેખકો બદલાતા સામાજિક સીરીયલ્સ અચાનક હોરર બની જાય એવું પણ બને. સીરીયલ્સ માત્ર મનોરંજન માટે હોય છે. જો એ જીવનલક્ષી હોય તો એ આદર્શ સ્થિતિ ગણાય. પણ મોટા ભાગે એવું હોતું નથી.

તમે જેમને જાણો છો એમના લગ્નજીવન સુખી નથી એના કારણોને સમજો. વધારે પડતી અપેક્ષાઓ, મહત્વકાંક્ષાઓ, ભૌતિકતાવાદ, સોસીયલ મીડિયાનું વળગણ જેવા અનેક કારણો નજર સામે આવશે. લગ્નની પ્રથા જરૂરી છે. પણ ઉતાવળે લગ્ન ન કરાય. જયારે લોકોને દેખાડવા લગ્ન કરવામાં આવે ત્યારે નિર્ણય ખોટા પડી શકે. લગ્ન એ માત્ર શરીરીક સુખની કામના માટે નથી થતા. પશ્ચિમ તરફની દોટ આ આખી પ્રક્રિયાની સમજણને વિકૃતિ આપી શકે છે. પણ જો જીવનની ભારતીય સમજણ આવે તો જીવનસાથી વિશેની સમજણ પણ આવે. ઉતાવળે પસંદગી ન જ થાય. અને ઉમર થઇ ગઈ છે એટલે તાત્કાલિક લગ્ન પણ ન જ કરાય. પણ સાચા પાત્રની સાથે લગ્ન જરૂરી છે. જીવનસાથી એટલે એક એવો મિત્ર જે આપને સમજી શકે. જે સતત આપની સાથે હોય અને આપણા સુખદુઃખમાં ભાગીદાર બની જીવનને સરળ બનાવવામાં મદદરૂપ થાય. ઈશ્વરે દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ પાત્ર તો બનાવ્યું જ છે. આપને પણ યોગ્ય જીવનસાથી ચોક્કસ મળશે. શિવલિંગ પર દૂધ, પાણી, પંચામૃત, પાણીથી અભિષેક કરો. દરરોજ યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.

સવાલ: વાસ્તુ શીખવા માટે કેટલો સમય જોઈએ? એક ડીપ્લોમાં સર્ટીફીકેટ કોર્સ છે. કોલેજ ગયા વિના થઇ શકે છે. તો કરાય?

જવાબ: સર્ટીફીકેટ લેવું હોય તો તમે વિચારો એટલો. પણ જો વાસ્તુશાસ્ત્રમાં પરિણામ લક્ષી કામ કરવું હોય તો એક જીવન પણ ઓછુ પડે. તમારે સતત અભ્યાસ કરતા રહેવું પડે. વિષયના વિવિધ પાસાઓને સમજવા પડે અને જરૂર પડે ત્યાં સંશોધન પણ કરવું પડે. કોઈ પણ વિષયની ડીગ્રી કે સર્ટીફીકેટ મળે એટલે વિષય સમજાઈ ગયો છે એવું ન માની લેવાય.

સુચન: જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર એ બે અલગ વિષયો છે. આ બેમાંથી એકનું જ્ઞાન હોય તો અન્ય વિષય આવડતો જ હોય એવું ન માની લેવાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)