શું પ્રજાનો નિર્વાહ કરવાની જવાબદારી માત્ર સરકારની જ છે? પોતાના માટે
જીવવાની ખુમારી સમાજમાં ઓછી થઈ રહી છે. સોશિયલ મીડિયા નો દુરુપયોગ કરી ને ગરીબડાં દેખાઈ સરકાર પર દબાણ વધારવા પ્રયત્નો થાય એ કરુણતા છે. કોઈ પણ સાધન કે સંસાધન નો સભાનતા પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સરકારી વસ્તુઓ નું નુકશાન અંતે તો પ્રજા પર જ ભારણ ઊભું કરે છે.
તો બીજી તરફ કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે સામાન્ય માણસોનું શોષણ કરવાનું ચૂકતા નથી. આ બંને પરિસ્થિતિ દેશના વિકાસ માટે નકારાત્મક છે.
એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે અન્ય નાગરિકોનું સન્માન કરીએ. જેથી સરકાર અન્ય અગત્યના કામ કરી શકે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સ: જ્યારથી બધું જ મફતમાં આપવાની રેસ શરુ થઇ છે ત્યારથી ભિખારીઓ વધી રહ્યા છે. ભલભલા ખેરખાં પણ મફતનું લેવા નાટકો કરી રહ્યા છે. પારકે પૈસે દિવાળીઓ વધી રહી છે. હું એક કલાકાર છુ. એક સંસ્થામાંથી મને નોકરીની ઓફર આવી. વિદ્યાથીઓ આવી ગયા હતા. પણ શિક્ષક ન હતા. મેં કામ કરવાની ના પાડી તો પ્રિન્સિપાલે કહ્યું કે જો કોઈ નહિ મળે તો મારે ઝેર ખાવું પડશે. કોઈ બીજું મળે ત્યાં સુધી ચલાવી આપો. મેં હા પાડી. થોડા સમય પછી સંસ્થાના માલિકે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું. મારી ઓળખાણથી એમણે કલાકરોને બોલાવવા માટે આજીજી કરી. ફરી એ જ નાટક કે જો નહિ થાય તો ઝેર ખાવું પડશે.
ભવ્ય કાર્યક્રમ થયો. માલિકે કાર્યક્રમ પહેલા કલાકારો ને પેમેન્ટ આપવાનું કહ્યું હતું. પણ એ સમયે રડી કકળીને ન આપ્યું. પોતે અમારા ફોટા પડાવીને સોસીયલ મીડિયા પર મુક્યા. કાર્યક્રમ પત્યા પછી તરત જ પ્રિન્સિપાલે કહ્યું કે અમે તો વિદ્યાર્થીઓને પેપર આપીને જ પાસ કરાવીએ છીએ. એટલે પગારની તો અમારે ત્યાં પ્રથા જ નથી. વળી તમે તો સ્ટાફમાં હતા એટલે તમારે બીલ ન મુકવાનું હોય.

મને છેતરીને એમણે મારું ખુબ મોટું નુકશાન કરાવી દીધું. ફોનમાં ગમેતેમ વાત કરે છે. શું કરું?
જ: ભિખારી હોવા માટે ગરીબ હોવું જરૂરી નથી. ક્યારેક આવા ધનવાન ભીખારીઓ પણ હોય છે. આવી માનસિકતા માટે સંસ્કાર જવાબદાર હોય છે. દુખદ બાબત એ છે કે આવા લોકો શિક્ષણ જેવા પવિત્ર કાર્ય સાથે જોડાયેલા છે. ભવિષ્યમાં કોઈ ઝેર ખાવાનું કહે તો તમને વિશ્વાસ નહિ આવે. ખાનગી શિક્ષણમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર આવી સંસ્થાઓને ચાલવા દે છે. બાકી જ્યાં પગાર ન અપાતો હોય એ સંસ્થા વરસોથી ચાલે કેવી રીતે? વાલી અને વિદ્યાર્થીઓ એ પણ આવી સંસ્થાઓનો બહિષ્કાર કરવો જોઈએ.
સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ ચઢાવો. પેપર વર્ક કર્યા વગર કોઈ પ્રોજેક્ટ હાથમાં ન લ્યો.
સુચન: શિક્ષણ સંસ્થાના મુખ્ય વ્યક્તિ ઉત્તર મુખી બેસતા હોય તો ત્યાં ભૌતિકતા વધારે હોઈ શકે છે. એડમિશન લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )


