માણસ નક્કામો ક્યારે થઇ જાય? એની પણ કોઈ એક્ષ્પાયરી ડેટ હોય ખરી? માણસ ગુજરી જાય એ તો ગણાય જ. પણ જીવતો માણસ નક્કામો થઇ ગયાની લાગણી થાય ત્યારે વિચારવું પડે. નર્યો નકારાત્મક માણસ દેખાય જે સતત મોબાઈલ લઈને મેસેજ મોકલ્યા કરતો હોય. જાણે કોઈ જાસુસી કરવાના પૈસા આપતા હોય એમ અન્યના જીવનમાં ડોકિયા કરી અને અન્યને માહિતી આપવામાં એને મજા આવતી હોય. ક્યારેક જાળી પર ટીંગાઈ ને તો ક્યારેક કમ્પાઉન્ડમાં આંટા મારવાના બહાને ખણખોદ કર્યા કરે. પોતે જાણે ગામ ચલાવવાનો ઠેકો લીધો હોય એમ બધાના જીવનમાં ડોકિયું કરે. કોઈકની બારીમાં ડોકિયું કરવામાં પોતાના દરવાજા જોવાનું રહી જાય એવું પણ બને. અન્યને ઉઘાડા પાડવામાં પોતાના બટન વાસવાનું રહી જાય એવું પણ બને. આવું થાય તો એ ધબકતો માણસ નક્કામો થઇ ગયો કહેવાય. કોઈ પણ સાધન કે સંસાધન સભાનતા પૂર્વક વપરાય એ ખુબ જરૂરી છે.
વાચક મિત્રો, આ વિભાગ આપનો પોતાનો જ છે. વિના સંકોચ આપ આપની સમસ્યા નીચે જણાવેલ ઈમેઈલ પર જણાવી શકશો. આપને જરૂર એનું સમાધાન મળશે.
સવાલ: મારે મારા મમ્મીના લગ્ન કરાવવા છે. તમને નવાઈ લાગે છે ને? મારા મમ્મીના લવ મેરેજ હતા. હું અને મારી બેન જન્મ્યા પછી ખબર પડીકે અમારા પપ્પા તો પરણેલા હતા. એ એમના ઘરે પાછા જતા રહ્યા. લગ્ન તો મંદિરમાં થયા હતા. કોઈ હાજર પણ ન હતું. મમ્મીએ ઘરની જવાબદારી ઉપાડી અને અમને બંને બહેનોને ભણાવી. અમે સાસરે જઈશું પછી એ એકલી થઇ જશે. એટલે મારી ઈચ્છા છે કે મારા લગ્ન થાય એ પહેલા મમ્મીના લગ્ન કરાવી દઉં. આમાં વસ્તુ નિયમો મદદ કરી શકે ખરા?
જવાબ: આપનો વિચાર ખુબ સારો છે. તમે એક સમજદાર દીકરી તરીકે આવું વિચારો છો એ જાણીને આદર થયો. લગ્ન માટે બે પાત્રોની જરૂર પડે. વળી તમારા મમ્મીને એક વખત લગ્નનો ખુબ ખરાબ અનુભવ થયેલો છે. આખી જિંદગી એકલા બે દીકરીની જવાબદારી સંભાળવી એ ધન્યવાદને પાત્ર કાર્ય છે એના માટે એમને સજા તો ન જ મળવી જોઈએ. આ ઉંમરે એકલા રહેવાનું ગમે પણ ફરી છેતરવાનું તો ન જ ગમે. એમને કોઈ ગમતું હોય તો ચોક્કસ આવો નિર્ણય લઇ શકાય અને જો કોઈ સારું પાત્ર મળે તો પણ તમે એમને પૂછી શકો. માત્ર લાગણીમાં આવીને આવા નિર્ણયો ન જ લેવાય. તમારા ઘરમાં યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો અને શિવ પૂજા કરો. નિર્ણય લેવામાં સાચી દિશા પ્રાપ્ત થશે.
સવાલ: મારા પતિ સાવ બગડી ગયા છે. ગેરેજમાં ગયેલી ગાડી બગડી જાય એવું થયું છે. એમને થોડા દિવસ દાખલ કરવા પડ્યા હતા. પાછા આવ્યા પછી સતત આસપાસના લોકોના જીવનમાં શું થાય છે એની માહિતી આખા ગામને આપે છે. કોઈના ઘરે કૈક અવનવું લાગે એટલે મને દોડાવે કે જો તો શું થયું જોઈ આવ ને. હું પાછી આવું એટલે એમનું કામ ચાલુ. હવે મારી પણ એવી ટેવ થવા લાગી છે. રસોઈ બળી જાય છે. અને અમારો સ્વભાવ બળતણીઓ થઇ ગયો છે. હમણાં એક માણસના ઘરમાં નાની ચોરી પણ કરાવી. અમે આવા કેમ થઇ ગયા? સુધારવાનો કોઈ ઉપાય ખરો?
જવાબ: જેમ ખોટા ગેરેજમાં ગયેલી ગાડી વધારે બગડીને આવે એવું અહીં નથી લાગતું. તમારા પતિ પહેલા બેડરૂમમાં સુતા. હવે અગ્નિમાં આવેલા રૂમમાં સુવે છે. વળી સતત સુતા રહેવાના લીધે એમને મોબાઈલનું વ્યસન થઇ ગયું છે. અગ્નિ દિશામાં પુરુષ સુવે તો એનો સ્વભાવ આવો થઇ શકે. એમને થોડી વધારે અસર થઇ છે. તમારો પૂર્વનો અક્ષ પણ નકારાત્મક છે. આંગણામાં લીંબુડી પણ છે તેથી આવું થાય. પ્રાણાયામ કરો. એમને સારા માણસો સાથે વાતો કરાવો. ખણખોદ કરવા વાળાને ન મળવા દો, થોડા સમય માટે ફોન લઇ લો. અને ઈશાનમાં તુલસીનું વન બનાવી અગ્નિમાંથી એમને પાછા બેડરૂમમાં સુવડાવો. એમનામાં ફેરફાર દેખાશે. વ્યસન છે એટલે શરૂઆતમાં ધમપછાડા કરે એવું બને. તમે મક્કમ રહેશો તો વાંધો નહિ આવે.
આજનું સુચન: ગાયત્રી મંત્ર યોગ્ય ઉચ્ચારો સાથે કરવો ખુબ જરૂરી છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)