દક્ષિણ દિશા સમૃદ્ધ હોય તો નથી રહેતી લાગણીજન્ય સમસ્યાઓની અસર

“મને તો માત્ર ડાયાબિટીસ છે. બીજાને તો જુઓ કેવી કેવી બીમારી હોય છે? કેન્સર, થાયરોઇડ અરે સમજાય નહીં એવા બધાં નામની પણ આ બીમારી હોય છે.” આવું સાંભળીએ ત્યારે આજના માણસના માનસનો વિચાર આવે છે. જાણે બધાએ વિચારી ન લીધું હોય કે કોઈક બીમારી તો માણસ હોય એને હોય જ. કોઈપણ બીમારીનું ઉદગમસ્થાન મન છે. આજના જીવનમાં જે માનસિક તણાવ છે તે અંતે શારીરિક બીમારી લાવવા માટે સક્ષમ છે. દક્ષિણ મધ્ય એટલે માનસિક તણાવની દિશા. દક્ષિણની ઊર્જા નકારાત્મક હોય એટલે તણાવયુક્ત જીવન મળે. અને એમાં જો ઈશાનનો દોષ ભળે તો તકલીફ વધે. તણાવપૂર્ણ જીવન અને લાગણીશીલ સ્વભાવ ભેગા થાય એટલે હૃદયને ખૂબ તકલીફ પડે. જો દક્ષિણ દિશા સમૃદ્ધ હોય તો માણસને નાની મોટી લાગણીજન્ય સમસ્યાઓની અસર થતી નથી. તેનો સ્વભાવ જ જતું કરવાવાળો બની જાય છે. પણ જો દક્ષિણનો દોષ હોય તો તેને સમસ્યાઓને બિલોરી કાચથી જોવાની ટેવ પડી શકે છે. અને જો આ સમસ્યાઓ તેના પર હાવી થઇ જાય તો તે ભાંગી પણ પડે છે. જો પૂર્વની સમસ્યા આ સાથે ભળે તો આવી શક્યતા વધે છે. આવા સંજોગોમાં માણસને અહમ વધારે હોય છે અને તે ઘવાતાં ક્યારેક તે ઉગ્ર પણ બની જાય છે. આ સાથે અગ્નિની નકારાત્મકતા પણ ભળે તો માણસને બધું જ નકારાત્મક લાગવા લાગે છે. તે ક્યારેક વિના કારણ શંકા પણ કરે તો ક્યારેક આક્ષેપો  પણ. તેને આત્મવિશ્વાસ ઓછો થતો હોય તેવું લાગવાથી તે ક્યારેક વિરોધમાં કઠોરતા પણ દાખવી શકે.

કહે છે કે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે પણ આ પ્રકારની નકારાત્મકતામાં કોઈ સાચાં વખાણ કરે તો પણ ક્યારેક વિશ્વાસ ન કરે તેવું વ્યક્તિત્વ ઉભું થાય છે. ગુસ્સામા માનવી પોતાનું જ નુકશાન વધારે કરે છે તે વાત અહીં સાર્થક થતી દેખાય. દક્ષિણ દિશામાં સૂર્યનું રેડિએશન વધારે હોય છે તેથી તે દિશામાં આંગણું , મુખ્ય દ્વાર. રસોડું કે ડ્રોઈંગ રૂમ ન રાખવાની વાત છે, રેડિએશનની સીધી અસર મન પર પડે છે તે હવે સાબિત થઇ ચૂક્યું છે અને ઘણાં બધાંએ અનુભવ્યું પણ હશે જ. તેથી જ ઘરમાં  દક્ષિણ દિશાની રચના સભાનતાપૂર્વક કરવી જરૂરી છે. જયારે તણાવ પછી પ્રેસર, પછી હૃદય અને પછી કિડની આમ વારાફરતી ઘણા બધા અવયવોની તકલીફ આવવા લાગે ત્યારે તેના માટે ઊર્જાના વિજ્ઞાનને એક વખત વિચારવું જરુરી છે. ઈશાન, અગ્નિ અને દક્ષિણની સમાન નકારાત્મકતા આવી સમસ્યાઓનું કારણ બની શકે છે. અને જો તેમાં ઉત્તરની સમસ્યા ભળે તો આવી સમસ્યા લાંબી ચાલતી હોય તેવું બને.  હૃદયના વાલ્વની તકલીફ અને બ્લોકેજની તકલીફ માટે ઊર્જા અલગ હોઈ શકે પણ બંને માટે ઈશાન અને દક્ષિણનો દોષ સમજવો જોઈએ.

ભ્રમણા:

પિતૃશાન્તિ માટે જેટલો વધારે પ્રયત્ન કરીએ તેટલો લાભ વધારે.

સત્ય:

વાત સાચી છે. પણ અંધશ્રદ્ધાના અર્થમાં નહીં. કોઈપણ વ્યક્તિને ગમતું હોય તેવું સારું કાર્ય તેમના મૃત્યુ બાદ કરવામાં આવે તો તેમના આત્માને શાંતિ મળી શકે છે. વળી એ બહાને આપણે સારી ઊર્જા મેળવતી વખતે તેમને યાદ કરીએ છીએ. આપણા બધાં જ નિયમોને મૂળથી સમજવા જતાં તેના આધાર સમજાય છે. તેથી જ તેને યોગ્ય રીતે સમજવા જરુરી છે.