શેલ કંપનીઓ તો પાશેરામાં પહેલી પૂણી છે…

જકાલ શેલ કંપનીઓની ખૂબ ચર્ચા છે. વડાપ્રધાને 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે નોટબંધી પછી ડેટાના વિશ્લેષણમાં  3 લાખ બોગસ કંપનીઓ ધ્યાનમાં આવી છે કે જે માત્ર હવાલાનું જ કામ કરે છે. તેમાંથી 2 લાખ કંપનીઓ શોધી કાઢી છે, જે નાણાંની આઘીપાછી કરતી હતી, તેને બંધ કરી દેવાઈ છે.

તાજેતરમાં નાણાં મંત્રાલયે આવી 2 લાખથી વધુ કંપનીઓના બેંક એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ જ જે તે શેલ કંપનીઓનો સંબંધ અને છેડાં કોના સુધી પહોંચે છે તેના ખાંખાખોળા ચાલી રહ્યાં છે. એક સર્વેમાં બહાર આવ્યું છે કે 10 લાખથી વધુ શેલ કંપનીઓ હાલ કાર્યરત છે. શું છે આ શેલ કંપનીઓ, કેટલા વર્ષોથી આવી કંપનીઓ કાર્યરત છે, અને આવી કંપનીઓનું શું કામ છે. શેલ કંપનીઓ ઉભી કરવા પાછળનો આશય શું છે,  સરકારે કેવી રીતે આવી નવી કંપનીઓને ઉભી થવા દીધી, કંપની રજિસ્ટ્રારે શું ભૂમિકા નિભાવી છે, ક્યાં કાચું કપાયું, એ જાણવા જેવું છે.

શેલ કંપની એટલે શું ?

આવી કંપનીઓ સામાન્ય કંપનીની જેમ કામ નથી કરતી. આવી કંપનીઓ માત્ર વ્હાઈટ મનીને બ્લેક કરે છે એટલે કે કાળાં નાણાંનું જ કામ કરે છે. એક તપાસમાં બહાર આવ્યું છે કે સેલ કંપનીઓના રજિસ્ટર્ડ ઓફિસના સરનામે બીજી કંપનીઓ ચાલે છે એટલે સરનામા ખોટાં છે. કાગળ પર બોગસ કંપનીઓ ઉભી કરાઈ છે. સરનામાં સાચાં હોય તો 10 બાય 10ની ઓફિસમાં આવી કંપનીઓ ઓપરેટ થતી હોય છે. કંપની રજિસ્ટ્રારમાં પણ આવી કંપનીઓની નોંધણી થયેલી હોય છે.

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના જણાવ્યાં અનુસાર શેલ કંપનીઓ સહિત કેટલીક કંપનીઓ બંધ થઈ ગઈ છે. કેટલીક કંપનીઓએ સામેથી કંપની બંધ કરવાની અરજી કરી છે. સત્તાવાર રીતે જાહેર થયા મુજબ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ(આરઓસી)એ 2,09,032 કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે.  મુંબઈમાં 71,530 કંપની, દિલ્હીમાં 26,021 કંપની, હૈદરાબાદમાં 24,338 કંપની, કોલકાતામાં 11,955 કંપની, પટણામાં 11,265 કંપનીઓ બંધ થઈ છે.

શેલ કંપનીઓની ઓળખ થઈ ગઈ છે…

કેન્દ્ર સરકારે આવી બે લાખથી વધુ શેલ કંપનીઓની ઓળખ કરી લીધી છે. તેના ડિરેક્ટરોને પણ ચેતવણી પણ આપી દીધી છે કે જો નાણાકીય લેવડદેવડ કરી તો જેલ થશે. આવી કંપનીઓ હવે બિઝનેસ પણ નહીં કરી શકે. શેલ કંપનીઓના ડિરેક્ટરોએ જો ત્રણ વર્ષના રીટર્ન ફાઈલ નહીં કર્યાં હોય તો તેઓ કંપનીના કોઈ પદ પર રહી શકશે નહીં અને આવા ડિરેક્ટરો બીજી કંપનીમાં પણ ડિરેક્ટર પદે રહી શકશે નહીં અથવા ડિરેક્ટર બની શકશે નહીં. સરકાર આવી કંપનીઓની ઓળખ કર્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપમાં આવી કંપનીઓની સાથે જોડાયેલા સીએ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટન્ટની શોધખોળ કરી રહી છે.  સરકારે એ પણ શોધખોળ ચાલુ કરી છે કે આવી શેલ કંપનીઓનો સબંધ રાજકીય નેતાઓ કે મોટા કોર્પોરેટ દિગ્ગજો સાથે છે કે કેમ ? જે લોકોએ બ્લેકમનીનું સર્જન કરવા માટે આવી શેલ કંપનીઓને ઉભી કરી છે, તેવા લોકોનું બેકગ્રાઉન્ડ સરકાર તપાસી રહી છે. સરકારને ખબર પડી કે તરંત આવી કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરી નાંખ્યું અને ત્યાર પછી બેંક એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે.

માત્ર કાગળ પર 60% કંપની

જે સેલ કંપનીઓ પકડાઈ છે તેમાથી 60 ટકા કંપનીઓ તો ફકત કાગળ પર છે અને તેની ઓફિસ જ નથી. કંપનીઓના રજિસ્ટ્રેશન વખતે જે ઓફિસનું સરનામું અપાયું છે ત્યાં બીજી કંપનીઓની ઓફિસ છે, અથવા તો એક જ સરનામે અનેક કંપનીઓનું રજિસ્ટ્રેશન કરાવેલ છે.  તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ સરનામે કોઈ કંપનીની ઓફિસ જ નથી. નાણાં મંત્રાલયે આવી શેલ કંપનીઓ બાબતે ખૂબ ગંભીરતાથી તપાસ શરૂ કરવાના આદેશ આપી દીધાં છે. શેલ કંપનીઓના ડિરેક્ટરોની પૂછપરછ શરૂ કરાઈ છે. નોટિસ મોકલાઈ છે. હવે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ અને આવકવેરા વિભાગના ડિરેક્ટરો પૂછપરછ કરશે કે આવી કંપનીઓ ઉભી કરવા પાછળ કોનો હાથ છે. જાહેર જનતાના કેટલા પૈસાનું રોકાણ છે, આવી કંપનીઓના નાણાકીય વ્યવહારો વગેરેની ઉંડી તપાસ થશે તો ખૂબ મોટા તથ્યો બહાર આવશે. ખૂબ મોટું કૌભાંડ પકડાશે. કેટલીય કંપનીઓના ડિરેક્ટરોની ચાલબાજી પકડાશે. ડિરેકટરો સ્ટોક માર્કેટમાં આઈપીઓ લાવીને તે પૈસા ઓળવી ગયાં છે. પણ કોણ તપાસ કરે… રોકાણકારોના હજારો કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયાં છે.

શેલ કંપનીઓના તાર સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છે ?

આવી શેલ કંપનીઓએ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ તો કર્યું નથી ને ? શેલ કંપનીઓના તાર સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા છે કે કેમ…? હમણાં આવકવેરાના મુંબઈ અને કોલકાતામાં દરોડા પડ્યાં હતાં. તે શેલ કંપનીઓના સંદર્ભમાં જ હોવાનું કહેવાય છે, પણ કોઈ વિગત બહાર આવી નથી. હા એટલું ચોક્કસ બહાર આવ્યું છે કે જે શેરમાં ઓછુ ટ્રેડિંગ થતું હોય તેવા સ્ટોકમાં મોટાપાયે ખરીદવેચાણના ટ્રાન્ઝક્શન થયાં છે. કેપિટલ ગેઈન ટેક્સ બચાવવા માટે વ્યવહારો કરાયા છે.

નવી કંપનીઓની મંજૂરીમાં ROCએ શું તપાસ કરી ?

શેલ કંપનીઓની હવે સરકારે આગળની તપાસ શરુ કરી દીધી છે. જોઈએ આ તપાસમાં શું બહાર આવે છે, અને તેની પાછળ કોના હાથ છે તે પણ ખબર પડશે. કૌભાંડ બહાર નીકળવાની વકી તો છે જ, પણ સાચી દિશામાં તપાસ થાય તો. બીજુ કંપનીનું આરઓસીમાં રજિસ્ટ્રેશન થાય તે નિયમોનું વધુ કડક કરવાની જરૂર છે. કેપિટલથી માંડીને કંપનીના પ્લાન અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસની પ્રત્યક્ષ વિઝિટ જેવા આકરા નિયમો બનાવવાની તાતી જરૂરિયાત છે. શેલ કંપનીઓ ઉભી થઈ તેની પાછળ કંપની રજિસ્ટ્રારમાં તો કોઈ ચૂક રહી નથી ગઈને… તે તપાસ પણ થવી જોઈએ. શેલ કંપનીઓએ બેંક એકાઉન્ટ ખોલાવ્યાં તેમા પણ તપાસ કરવાથી બધું જ બહાર આવશે. નાણાકીય વ્યવહારોમાં કોણ સંડોવાયેલ છે, તેના નામ પણ બહાર આવશે.

આ ઉપરાંત સરકાર અને સેબીના ધ્યાને એ વાત લાવવાની છે કે એવી કેટલીય કંપનીઓ છે જેનું સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ કરાવ્યાં પછી આવી કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ કેટલાય વર્ષોથી થયું નથી, આવી કંપનીઓની શોધ કરીને તેને ખુલ્લી પાડવાની જરૂર છે. પરસેવાની કમાણી કરીને બચતનું રોકાણ કરતાં ઈન્વેસ્ટરોના કરોડો રૂપિયાનું આધણ થઈ ગયું છે.

રાજકીય પક્ષોમાં પણ બ્લેકમનીનો ભોરિંગ

તાજેતરમાં જ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ(એડીઆર)ના અહેવાલ પ્રમાણે ભાજપ-કોંગ્રેસની 77 ટકા આવક બેનામી હોય છે. જેથી સવાલ ઉભો થાય કે આ બ્લેકમનીના પૈસા તો નથી આવ્યાં ને. સાત રાજકીય પક્ષોની 1033 કરોડની કુલ આવક છે, જેમાં ભાજપની 81 ટકા અને કોંગ્રેસની 77 ટકા આવક બેનામી છે.

સરકારની બ્લેકમની વિરુદ્ધની લડાઈની સાથે સાથે આ રીપોર્ટ જાહેર જનતાની સામે આવ્યો છે. જનતા તો સવાલ પૂછે છે, પણ સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે કે રાજકારણીઓને બેનામી આવકની ચિંતા કેમ નથી ? સરકારે હોય કે રાજકીય પક્ષો દરેક ચૂંટણીલક્ષી સુધારાની વાતો કરે છે, પણ રાજકીય પક્ષોની આવક પર ચૂપ રહે છે.  દરેક રાજકીય પક્ષ સત્તા પર આવે ત્યારે બ્લેકમની શોધવા પ્રયત્નો કરે છે, પણ રાજકીય વર્તુળોમાં ફરતાં બ્લેકમની અને બેનામી આવક પર કોઈ પ્રકાશ પાડતું જ નથી. અને ધારો કે આવકવેરા  વિભાગ કાર્યવાહી કરે તો તરત જ નિવેદનો આવે છે કે રાજકીય પ્રેરિત થઈને આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે.

બ્લેકમનીનો ભોરિંગ એટલો બધો મોટો અને ખતરનાક છે, અને તેને કાબૂમાં લેવા કે સમાપ્ત કરવા માટે અનેક કાયદાકીય રીતે આકરાં પગલાં લેવાયા છે. પણ બ્લેકમનીનું સર્જન થયા જ કરે છે, અને કાળું નાણું એકલા ભારત દેશની સમસ્યા નથી, વિશ્વના વિકાસશીલ દેશમાં પણ બ્લેકમની હોય છે… શેલ કંપનીઓ તો પાશેરામાં પહેલી પૂણી છે… જો ઊંડી અને સત્યતાથી તપાસ થશે તો ઘણું બધું બહાર આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]