અમદાવાદ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ગુરૂવારે સૌપ્રથમ તેમણે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
જ્ઞાનેશકુમારે ગાંધી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમના નવીનીકરણના પ્રોજેક્ટ વિશેની માહિતી પણ મેળવી હતી.
ગાંધી આશ્રમની મુલાકાત લઈ મુખ્ય ચૂંટણી કમિશનર પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, “જે પવિત્ર સ્થળેથી વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસર્યો છે, તે પવિત્ર સ્થળની મુલાકાત લેવી મારા માટે સન્માનની વાત છે.”
મુખ્ય ચૂંટણી કમિશનરની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




