અમદાવાદ: રામોલ વિસ્તારમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા નજીક લકઝરી બસમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ઈન્દોરથી 25.30 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ લઈને આવેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી અમદાવાદના એક યુવકને આ ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો, જેના તેને 6 હજાર રૂપિયા મળવાના હતા. આ મામલે પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ડ્રગ્સ મોકલનાર તથા મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
843 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું
રામોલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાતમી મળી હતી કે નડિયાદ તરફથી આવી રહેલી ખાનગી બસમાં એક વ્યક્તિ નશીલા પદાર્થ સાથે અમદાવાદ આવી રહ્યો છે. પોલીસે ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી બસને રોડ સાઈડ કરાવી હતી. તપાસ દરમિયાન કન્ડક્ટરની સીટ પાછળ સોફા પર બેઠેલા રિઝવાન ઉર્ફે રિજુ મોહંમદ ફારૂક મનસુરી (ઉં.24, રહે. ચંદન નગર, ઈન્દોર, મધ્ય પ્રદેશ) સામાન સાથે નીચે ઉતારી તપાસ કરવામાં આવી હતી. તેની પાસે બે પાર્સલ હતા જેમાં પ્રથમ પાર્સલમાંથી 11,92 લાખ રૂપિયાનું 397 ગ્રામ 430 મિલિગ્રામ અને બીજા પાર્સલમાંથી 13.38 લાખ રૂપિયાનું 446 ગ્રામ 180 મિલિગ્રામ MD ડ્રગ્સ મળી કુલ 843 ગ્રામ 610 મિલિગ્રામ જથ્થો મળ્યો હતો.
પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, પાવર બેન્ક અને ચાર્જર સહિત કુલ 25.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં આ જથ્થો ઈન્દોરના શાનુ પઠાણે મોકલ્યો હતો અને અમદાવાદ ખાતે રિયાઝઅલી નામના શખસને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ટ્રેકિંગથી બચવા ‘ZANGI’ એપનો ઉપયોગ, એક ફેરાના ₹6,000 મળવાના હતા
પોલીસ પૂછપરછમાં આરોપી રિઝવાને કબૂલાત કરી હતી કે સામાન્ય કોલ કે વોટ્સએપના બદલે પોલીસ ટ્રેકિંગથી બચવા તેઓ ‘ZANGI’ નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. ઈન્દોરના શાનુ પઠાણે તેને આ માલ અમદાવાદ પહોંચાડવા આપ્યો હતો. આ કામ માટે તેને એક ટ્રીપના માત્ર 6,000 રૂપિયા કમિશન પેટે મળવાના હતા. અમદાવાદ ખાતે ZANGI એપ પર ‘patel’ નામથી સેવ થયેલા રિયાઝઅલી નામના શખ્સને આ માલ ડિલિવરી કરવાનો હતો.




