અભિનેત્રી ઝહરા ખાનની તેલંગાણા વકફ બોર્ડને ‘મિકેનિકલ હાથી’ ગિફ્ટ કરવાની ઓફર

હૈદરાબાદ: જૂના શહેરમાં દર વર્ષે યોજાતા પરંપરાગત ‘બીબી-કા-આલમ’ મહોરમ સરઘસમાં આ વર્ષે જૂન મહિનામાં એક મોટો અને સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. દર વર્ષે આ ધાર્મિક સરઘસ માટે પડોશી રાજ્યોમાંથી જીવતા હાથીને ભાડે લાવવામાં આવે છે, પરંતુ આ વખતે જીવતા હાથીના સ્થાને અદભુત ‘યાંત્રિક હાથી’ (mechanical elephant)નો ઉપયોગ થાય તેવી આશા સેવાઈ રહી છે. વેગન (શાકાહારી) અભિનેત્રી અને ગાયિકા ઝહરા એસ. ખાન (Zahrah S. Khan) અને પ્રાણીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પીટા ઇન્ડિયા (PETA India) એ સાથે મળીને તેલંગાણા સ્ટેટ વકફ બોર્ડને અસલી હાથી (Elephant) જેવો જ દેખાતો એક કદાવર મિકેનિકલ હાથી ભેટ આપવાની ઓફર કરી છે.

દુર્ઘટનાઓથી બચવા અને સુરક્ષા માટે અપીલ

તાજેતરમાં જ કર્ણાટકના દુબારે એલિફન્ટ કેમ્પમાં એક ૩૩ વર્ષીય મહિલાનું તેના પતિ અને બાળકની સામે જ હાથી નીચે કચડાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બંધક બનાવેલા હાથીઓની નજીક રહેવાના જોખમને દર્શાવે છે. વકફ બોર્ડને લખેલા પત્રમાં ઝહરા ખાને સમજાવ્યું છે કે, બંધક હાથીઓને સરઘસ કે પ્રદર્શન માટે રાઉન્ડ-ધ-ક્લોક સાંકળોથી બાંધી રાખવામાં આવે છે અને મહાવતો દ્વારા ફટકારવામાં આવે છે. લાઉડસ્પીકર અને માનવ ભીડવાળા ઘોંઘાટિયા વાતાવરણમાં આ વન્યજીવો ભારે તણાવમાં આવી જાય છે. જ્યારે આવા પરેશાન હાથીઓ કાબૂ બહાર થઈને ભીડમાં દોડે છે, ત્યારે લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે.

જીવતા હાથી જેવી જ તમામ હિલચાલ કરશે આ રોબોટિક હાથી

આ હૂબહૂ દેખાતો યાંત્રિક હાથી કોઈ પણ પ્રાણીને પીડા આપ્યા વિના અસલી હાથી જેવું જ કામ કરી શકે છે. તે પોતાનું માથું હલાવી શકે છે. કાન અને આંખો પટપટાવી શકે છે, પૂંછડી ફેરવી શકે છે, સૂંઢ ઊંચી કરી શકે છે અને પાણીનો છંટકાવ પણ કરી શકે છે. વ્હીલવાળા મજબૂત પ્લેટફોર્મ પર ચાલતા આ હાથીની પીઠ પર બેઠક (અંબાડી) પણ ગોઠવી શકાય છે, જેના પર લોકો સવારી પણ કરી શકે છે.

પવિત્ર કુરાન અને હદીસનો આપ્યો હવાલો

ઝહરા ખાને પોતાના પત્રમાં નોંધ્યું છે કે દેશના અનેક હિન્દુ મંદિરો, જૈન મંદિર અને લગ્નપ્રસંગોમાં હવે મિકેનિકલ હાથીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. લખ્યું, “પવિત્ર કુરાન અને હદીસ પણ જીવંત પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા દાખવવાનો સંદેશ આપે છે. બંધન અવસ્થામાં પીડાતા અસલી હાથીના બદલે આ ટેકનોલોજીકલ ચમત્કારનો ઉપયોગ કરીને તેલંગાણા સ્ટેટ વકફ બોર્ડ એક દયાળુ ઉદાહરણ સેટ કરી શકે છે અને ઇસ્લામિક આયોજનમાં મિકેનિકલ હાથીનો ઉપયોગ કરનાર દેશનું પ્રથમ બોર્ડ બની શકે છે.”

ભૂતકાળની ચેતવણીરૂપ ઘટનાઓ

ઇતિહાસ સાક્ષી છે કે હાથીઓને આવી તણાવપૂર્ણ સ્થિતિમાં લાવવાનું પરિણામ ગંભીર આવ્યું છે:

  • ૨૦૦૪: મહોરમના સરઘસ દરમિયાન ‘ગજલક્ષ્મી’ નામના હાથીએ તોફાન મચાવ્યું હતું, જેથી લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

  • ૨૦૧૭: કોલ્હાપુરના ‘માધુરી’ નામના હાથીને સરઘસ માટે ભાડે લવાયો હતો, જેણે અગાઉ એક જૈન મંદિરના મુખ્ય પૂજારીનો જીવ લીધો હતો.

  • ગયા વર્ષે: ‘રૂપાવતી’ નામની અંશતઃ અંધ અને સાંધાના અસહ્ય દુખાવા (આર્થરાઈટીસ)થી પીડાતી હાથણીને મહોરમના સરઘસમાં ફરજ પાડવામાં આવી હતી, જેનાથી મોટું જોખમ ઊભું થયું હતું.

દેશભરમાં વધી રહ્યો છે મિકેનિકલ હાથીઓનો ટ્રેન્ડ

પીટા ઇન્ડિયા (PETA India) દ્વારા ભારતમાં ધાર્મિક સંસ્થાઓમાં જીવતા હાથીઓનો ઉપયોગ બંધ કરવાની ચળવળ શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશભરના વિવિધ મંદિરોમાં ૩૦થી વધુ મિકેનિકલ હાથીઓનો ઉપયોગ ધાર્મિક વિધિઓ માટે થઈ રહ્યો છે. તેમાંથી ૨૬ હાથીઓ તો પીટા ઇન્ડિયા દ્વારા જ એવા મંદિરોને ભેટ આપવામાં આવ્યા છે જેમણે ભવિષ્યમાં ક્યારેય જીવતા હાથી ન રાખવાનો કે ભાડે ન લાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ગયા વર્ષે ઈદ-ઉલ-અઝહા (બકરીદ) પહેલા પણ ઝહરા ખાને પીટા સાથે મળીને હૈદરાબાદમાં ૧,૦૦૦ જરૂરિયાતમંદ લોકોને વેગન સોયા બિરયાની વહેંચીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.