કોહલીને ગરદનમાં ઈજા થતાં કાઉન્ટી ક્રિકેટમાં રમવા જઈ નહીં શકે

મુંબઈ – ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં આઈપીએલની એક મેચ વખતે ગરદનમાં ઈજા થઈ હતી. આને કારણે તે આવતા મહિને ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રમવા જઈ નહીં શકે. એ સરે ટીમ વતી રમવાનો હતો.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ જાણકારી આજે એક નિવેદનમાં આપી છે. આઈસીસી તરફથી પણ ટ્વીટ દ્વારા કોહલીની ઈજા અને કાઉન્ટી ક્રિકેટમાં એના ન રમવાના સમાચારને સમર્થન આપવામાં આવ્યું છે.

કોહલીએ સરે ટીમ સાથે એક મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. એનો આરંભ જૂન મહિનામાં થવાનો હતો. સરે ટીમે કોહલી સાથે બહુ મામુલી રકમમાં કોન્ટ્રાક્ટ કર્યો હતો.

ભારતીય ટીમ આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે જ્યાં તે ટેસ્ટ સિરીઝ રમશે. એની તૈયારીરૂપે કોહલીએ કાઉન્ટી ક્રિકેટમાં રમવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગયા અઠવાડિયે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની એક આઈપીએલ મેચમાં રમતી વખતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન કોહલીને ગરદનમાં ઈજા થઈ હતી.

બીસીસીઆઈની મેડિકલ ટીમે કોહલીને થયેલી ઈજાનું અવલોકન કર્યા બાદ, જુદા જુદા પ્રકારના સ્કેન્સ તથા એક સ્પેશિયાલિસ્ટની સલાહને પગલે કોહલીએ કાઉન્ટી ક્રિકેટમાં રમવા ન જવું એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કોહલીએ બીસીસીઆઈની મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ ઉપચાર કરાવવાનો રહેશે.

કોહલીએ 15 જૂને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે ફિટનેસ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે. ઈંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થાય એ પહેલા કોહલી એકદમ ફિટ થઈ જાય એવું બીસીસીઆઈ ઈચ્છે છે.