સાઈના નેહવાલનાં પિતાને ગેમ્સ વિલેજમાં રહેવાની મંજૂરી અપાઈ

0
1796

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – ભારતની ખ્યાતિપ્રાપ્ત બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને અત્રે ચોથી એપ્રિલથી 21મી કોમનવેલ્થ ગેમ્સ શરૂ થવા પૂર્વે મોટી રાહત મળી છે. એનાં પિતા હરવીર સિંહ નેહવાલનાં એક્રીડિટેશન મામલે થયેલો વિવાદ ઉકેલાઈ ગયો છે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને હરવીર સિંહને કોમનવેલ્થ ગેમ્સ વિલેજની અંદર રહેવા દેવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ કે તેઓ એમની દીકરીની મેચોને સ્ટેડિયમમાં હાજર રહીને નિહાળી શકશે.

પોતાનાં પિતાને ગેમ્સ વિલેજમાં રહેવાની મંજૂરીનો ઈનકાર કરાતાં સાઈનાએ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો અને પોતાનાં ટ્વિટર હેન્ડલ પર આક્રોશ ઠાલવ્યો હતો. સોશિયલ મીડિયામાં તરત જ સાઈનાની તરફેણમાં ટ્વીટ્સનો વરસાદ વરસ્યો હતો.

દેખીતી રીતે જ, એસોસિએશનને એનો ત્વરિત પ્રતિસાદ આપ્યો અને એણે ટ્વીટ કરીને સાઈનાને જણાવ્યું છે કે તમારા પિતાને ગેમ્સ વિલેજમાં રહેવાની છૂટ આપવામાં આવી છે. એમનું નામ એક્રીડિટેશન યાદીમાં એક્સ્ટ્રા ઓફિશિયલ તરીકે મૂકવામાં આવ્યું છે. એસોસિએશને ગેમ્સમાં સારો દેખાવ કરવા માટે શુભેચ્છા પણ આપી છે.

સાઈનાએ આ સહયોગ આપવા બદલ ટ્વીટ કરીને એસોસિએશનનો આભાર માન્યો છે. એણે લખ્યું છે કે આટલા ટૂંકા સમયગાળામાં મારાં પિતાનાં એક્રીડિટેશન કાર્ડનો મામલો ઉકેલવામાં મદદ કરવા બદલ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનો હું ખૂબ આભાર માનું છું. મને આશા છે કે મારી મેચો માટે આનાથી બળ પ્રાપ્ત થશે… અને તકલીફ આપવા બદલ ક્ષમા ચાહું છું.

ઓલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટનનો કાંસ્ય ચંદ્રક જીતનાર સાઈના નેહવાલે અગાઉ દાવો કર્યો હતો કે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય સંઘની સત્તાવાર યાદીમાંથી એનાં પિતા હરવીર સિંહ નેહવાલનું નામ રદ કરવામાં આવ્યું છે. આને કારણે સાઈના ખૂબ અપસેટ થઈ ગઈ હતી.

સાઈના નેહવાલ એનાં માતા-પિતા સાથે

અગાઉ સ્પોર્ટ્સ મંત્રાલયે જણાવ્યું હતું કે સાઈના તથા રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુનાં માતા-પિતા એમનાં પોતાનાં ખર્ચે ગોલ્ડ કોસ્ટ જશે અને એમનાં નામ ભારતીય સંઘનાં સભ્યો તરીકે મંજૂર કરવામાં આવ્યા હતા.

પરંતુ, કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં પિતા હરવીરને પ્રવેશ ન અપાતાં સાઈના ખૂબ નારાજ થઈ હતી.

એણે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. એણે કહ્યું હતું કે એની દરેક મેચો વખતે એનાં પિતાની હાજરી એને માટે ખૂબ જ મહત્વની હોય છે.

સાઈનાએ ગુસ્સો વ્યક્ત કરતાં ટ્વીટ્સમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનને ટેગ પણ કર્યું હતું.

સાઈનાનાં પિતા હરવીર સિંહ નેહવાલ તથા પી.વી. સિંધુનાં માતા વિજયા સહિત 15 જણનાં નામ ભારતીય સંઘનાં સભ્યો તરીકે મંજૂર કરવામાં આવ્યાં હતાં. એમનો પ્રવાસ તથા ગોલ્ડ કોસ્ટમાં રહેવાનો તેમજ અન્ય ખર્ચો સરકારે ઉપાડ્યો નથી.

સાઈનાએ 2012ની લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં એણે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં ઈજાને કારણે મેડલ જીતવાની એની આશા પર પાણી ફરી વળ્યું હતું.