દિલ્હી: યમુનાનું જળસ્તર ભયજનક સપાટીને પાર, અનેક મકાન ખાલી કરાવાયા

નવી દિલ્હી- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં સરકારે યમુના નદીના કાંઠે રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરી છે. હાલમાં યમુના નદીનું જળસ્તર 205.4 મીટર છે, જે ભયજનક સપાટી કરતાં 0.57 મીટર વધારે છે.ગતરોજ હરિયાણાથી પાણી છોડાયા બાદ હાથણી કુંડમાંથી ફરીવાર 3 લાખ 11 હજાર 190 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદથી યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે બીજી ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, યમુના નદીનું જળસ્તર 204.83 મીટરે પહોચ્યા બાદ ભયજનક સપાટી આંબી જાય છે. હાલમાં સતત પડી રહેલા વરસાદ અને હરિયાણાથી છોડવામાં આવતા પાણીને કારણે પણ યમુના નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જેથી દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગે નિચાણવાળા વિસેતારોમાં રહેતા કેટલાક મકાનો ખાલી કરાવ્યા છે અને 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા તૈયારી શરુ કરી છે.

ગતરોજ દિલ્હીના પૂર્વ વિસ્તારના જિલ્લા પ્રશાસને એક યાદીમાં જણાવ્યું કે, દિલ્હીના ઓલ્ડ રેલવે બ્રિજ પર યમુનાનું જળસ્તર 204.10 મીટર નોંધાયું હતું. અને હજી પણ તેમાં વધારો થઈ રહ્યો છે.