સરકાર યુદ્ધની સ્થિતિ પેદા કરી રહી છેઃ મમતા બેનર્જીનો ગંભીર આક્ષેપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીની સરકાર પર આરોપ લગાવ્યો છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં મતતાએ આગામી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને સત્તામાંથી હટાવવા માટે આહ્વાન કર્યું. મમતાએ મોદી સરકાર આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલાં યુદ્ધ ઉન્માદ પેદા કરવા ઈચ્છે છે.

મમતા બેનર્જીએ કમિટીની બેઠકમાં સંબોધન કરતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સરકારને હટાવવાની છે. તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની તમામ સીટો પર જીતશે. બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એ વાતથી વાકેફ હતી કે હુમલો થવાનો છે કારણે ગુપ્તચર માહિતી તેમની પાસે હતી. આમ છતાં સરકારે જવાનોની રક્ષા માટે કોઈ પગલાં ન ભર્યાં. સરકારે ભારતના જવાનોને શહીદ થવા દીધાં જેથી તેઓ ચૂંટણીમાં રાજનીતિ કરી શકે.

મમતાએ આક્ષેપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલા યુદ્ધ ઉન્માદ પેદા કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે સરકાર ખૂબ અજબ રીતે કામ કરી રહી છે, કેન્દ્રીય પ્રધાનોને પણ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણયો મામલે જાણકારી નથી હોતી.

મમતાએ કહ્યું કે આપણા કેડર્સને એ વાતથી સાવધાન રહેવાની જરુરત છે કે લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમમાં ગડબડ કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. તમારે લોકોએ તે તમામ કોશિશોને નાકામ કરવાની છે.