મોબાઈલ નંબરને આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે એક મોટી સ્પષ્ટતા કરીછે. આ અંગે સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે અમે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધારને જોડવાનો આદેશ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી બેકિંગથી લઇને તમામ સેક્ટર્સમાં ઉપભોક્તા પર આધાર સાથે મોબાઇલ નંબરોને જોડવા માટે દબાણ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટની આ સ્પષ્ટતાને મહત્વની માનવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે મોબાઇલ ફોનને આધાર સાથે અનિવાર્ય રીતે જોડવાના સરકારના નિર્ણય પર સવાલો ઉભા કર્યા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે મોબાઇલ ઉપયોગકર્તાઓ માટે આ આદેશ ઘણો કડકાઇથી વપરાયો હતો. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેંચે કહ્યું કે, ‘લોકનીતિ ફાઉન્ડેશન’ દ્વારા જનહિતમાં નોંધાયેલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મોબાઇલનો ઉપયોગ કરતા લોકોને રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં સત્યાપનની જરૂર છે.

તેમણે કહ્યું કે, અસલમાં ઉચ્ચ ન્યાયાલયે આવો કોઇ નિર્દેશ આપ્યો નથી. પરંતુ તમે આને મોબાઇલ ઉપભોક્તાઓ માટે જરૂરી બનાવી દીધું. આ બેંચમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એ એન ખાનવિલકર, જસ્ટિસ ડી વાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ એ કે ભુષણ સામેલ છે.