ઓપન હિયરિંગ સાથે 155 માનવાધિકાર કેસ નિકાલ શરુ

ગાંધીનગર- કરાઇ પોલિસ અકાદમીમાં બે દિવસીય માનવાધિકાર કેસોના નિકાલના કેમ્સનો પ્રારંભ થયો છે. આજે અને કાલે એમ બે દિવસ લગભગ 155 જેટલા માનવાધિકાર કેસોનું ઓપન હિયરિંગ કરવામાં આવશે. આજે પ્રારંભ પ્રસંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ એચ એલ દત્તુ ઉપસ્થિત રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે દેશની સામાન્ય પ્રજાને તેમના અધિકારો અપાવવાની સાથે સાથે તેમને માનવ અધિકારો પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય આયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.આજે ગુજરાત સહિત દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રજાજનોની માનવ અધિકારને લગતી અરજીઓનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે.

બાળકો, મહિલાઓ, દિવ્યાંગો, વૃદ્ધો તેમજ સમાજના જરૂરતમંદ લોકોને તેમના માનવ અધિકારો અપાવવા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય-કેન્દ્ર સહિતના તમામ વિભાગો-એજન્સીઓએ સાથે મળીને સંકલિત રીતે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા શાળાકોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ માધ્યમો સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી.

માનવ અધિકારોની જાગૃતિ માટે કેન્દ્રના my gov પોર્ટલ પર ઓન લાઇન પ્લેજ પર ૫૫ હજારથી વધુ લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ અભિયાનમાં તમામ સરકારી વિભાગોને જોડાવવા પણ તેમણે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

આ કેમ્પમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના જસ્ટિસ પી.સી.ઘોષ, જસ્ટિસ મુરુગેશન, સભ્ય જ્યોતિકા કાલરા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  એમ.એસ.ડાગુર, પોલીસ મહાનિર્દેશક  શિવાનંદ ઝા, વિવિધ વિભાગોના સચિવો, જિલ્લા કલેકટરો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ સહિત મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.