જયપુર જેલમાં મારપીટમાં મર્યો પાકિસ્તાની નાગરિક કેદી…

0
1345

જયપુર- જયપુરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા એક પાકિસ્તાની કેદીની મારપીટ કરી મોત નીપજાવાયું હોવાના ખબર સામે આવ્યાં છે. જાસૂસી અને આતંકી ષડયંત્રના આરોપમાં પાકિસ્તાની નાગરિક શકરઉલ્લાહને સાથી કેદીઓ સાથે બબાલ થયાં બાદ આ ઘટના બની હોવાનું જણાવાયું છે.

શકરઉલ્લાહનો સાથી કેદીઓ સાથે ઝઘડો થયો હતો અને તેમાં થયેલી મારપીટમાં ગંભીરપણે ઘાયલ થયો હતો. બાદમાં તેનું મોત થયું હતું. પાકિસ્તાની કેદીના મોતના સમાચાર મળતાં જેલ પ્રશાસને ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો. શકર ઉલ્લાહ 2011થી જેલમાં બંધ હતો.

પ્રતીકાત્મક તસવીર

જયપુર સેન્ટ્રલ જેલમાં બનેલી આ ઘટનામાં મોતને ભેટેલો પાકિસ્તાની કેદી પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી હતો. પાકિસ્તાની કેદીની સાથી કેદીઓ સાથેની મારપીટમાં મોતની ઘટનાની રાજસ્થાનના જેલ મહાનિરીક્ષક રુપિન્દર સિંહે પુષ્ટિ કરી હતી. તેમ જ ઘટનાની જાણ થતાં જ રાજ્યના ઉચ્ચ પોલિસ ઓફિસર અને પ્રશાસનિક અધિકારીઓ જેલમાં દોડી આવ્યાં હતાં. તેમ જ ત્વરિત સઘન તપાસ શરુ કરી દીધી છે.

જયપુરની સેન્ટ્રલ જેલમાં અલગઅલગ કેસોમાં કુલ 5 પાકિસ્તાની નાગરિક કેદી બંધ છે.મારપીટની ઘટનામાં માર્યો ગયેલો શકરઉલ્લાહ પ્રતિબંધિત સંગઠન સિમી માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયો હતો. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ દ્વારા પુલવામા આતંકી હુમલાની ઘટનામાં સીઆરપીએફના 40 જવાનોની શહીદી બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષની લાગણી વ્યાપ્ત છે.