કિલર છે રેલવેનાં પાટા: ત્રણ વર્ષમાં દેશમાં 50 હજારનાં મોત થયાં

નવી દિલ્હી – 2015 અને 2017ના વર્ષો વચ્ચેના સમયગાળામાં દેશમાં રેલવેના પાટાઓ પર ટ્રેનોની હડફેટે આવી જવાથી આશરે 50 હજાર લોકોએ જાન ગુમાવ્યા હતા.

રેલવે તરફથી પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી પરથી આ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 19મી ઓક્ટોબરે જ અમૃતસરમાં રેલવેના પાટા પર ઊભા રહીને બાજુના મેદાનમાં દશેરા નિમિત્તે રાવણદહનનો કાર્યક્રમ નિહાળી રહેલા લોકો પર ધસમસતી ટ્રેન ફરી વળતાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા.

ત્રણ વર્ષમાં 50 હજારમાંના મોટા ભાગના મરણ ઉત્તરીય રેલવે ઝોનમાં થયા હતા. ત્યાં 7,908 જણ માર્યા ગયા હતા. દક્ષિણ રેલવે ઝોનમાં 6,149 મોત થયા હતા જ્યારે પૂર્વ રેલવે ઝોનમાં થયેલા મરણનો આંક 5,670 છે.

ગવર્મેન્ટ રેલવે પોલીસે ઝોનદીઠ આ માહિતી એકઠી કરી છે.

આ વર્ષની માહિતી હજી સુધી પ્રાપ્ત થઈ નથી.

રેલવેના પાટા પર મરણ થવા પાછળના મુખ્ય કારણો છે – ગેરકાયદેસર રીતે પાટા ઓળંગવા, સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવું, ઓવરબ્રિજ પરથી જવાનું ટાળવું, રેલવેના પાટા ઓળંગતી વખતે મોબાઈલ ફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ચાલુ રાખવો.

રેલવેના પાટા પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રેલવે તંત્રે અનેક પગલાં લીધાં છે. આમાં સ્ટેશનો પર લાઈડસ્પીકર મારફત સતત જાહેરાત કરતા રહીને લોકોને પાટા ઓળંગતા રોકવામાં આવે છે, પાટા ઓળંગવાને બદલે ફૂટ-ઓવર બ્રિજનો ઉપયોગ કરવાની એમને વિનંતી કરવામાં આવે છે, રેલવેના પાટાની બંને બાજુએ સેફ્ટી દીવાલ બાંધવામાં આવી રહી છે અને વોર્નિંગ સિગ્નલ્સ મૂકવામાં આવી રહ્યાં છે.