દિલ્હીમાં વોર મેમોરિયલ તૈયાર, 22,600 સૈનિકોને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર વોર મેમોરિયલ બનીને તૈયાર છે. આ શહીદ સ્મારક પર આઝાદીથી અત્યાર સુધીમાં વિભિન્ન યુદ્ધો અને અભિયાનોમાં શહીદ થનારા 22,600 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે નિર્મિત કરવામાં આવ્યું છે. આમાં પણ ઈન્ડિયા ગેટની જેમ જ અમરજ્યોતિ પ્રજ્વલિત થશે. 176 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર આ સ્મારકનું વડાપ્રધાન મોદી 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ઉદઘાટન કરશે.

મંત્રાલયના સૂત્રો અનુસાર ગત વર્ષે નવેમ્બર માસમાં નક્કી કરવામાં આવ્યું હતું કે શહીદોની યાદમાં બે અમર જ્યોતિ હોવી જોઈએ. આમાં પહેલી અમર જવાન જ્યોતિ સ્મારક પર, જે ચાર દશક જૂનું છે અને બીજી નેશનલ વોર મેમોરિયલ પર. બીજી અમર જ્યોતિ 15 મીટર ઊંચી ચાર કોણવાળા સ્તંભ પર હશે. ગણતંત્ર દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની રસમ બન્નેમાંથી કયા સ્મારક પર નિભાવવામાં આવશે તેના પર હજી નિર્ણય આવ્યો નથી.

આ સ્મારક ઈન્ડિયા ગેટ સી-હેક્સાગન પર બનાવવામાં આવ્યું છે. 40 એકર ક્ષેત્રમાં ફેલાયેલા આ સ્મારકમાં અમર ચક્ર, વીર ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર હશે. અહીં પરમ યોદ્ધા સ્થળ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં સેનાના સર્વોચ્ચ સન્માન પરમ વીર ચક્રથી સન્માનિત 21 શહિદોની પ્રતિમાઓ લગાવવામાં આવી છે. આ વોર મેમોરિયલ પાસે જ નેશનલ વોર મ્યૂઝિયમ પણ બનાવવાની યોજના છે. આના માટે 350 કરોડ રુપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.

જો કે આ વોર મેમોરિયલને બનાવવાનો વાયદો ભારતીય સેનાઓને દશકો પહેલા કરવામાં આવ્યો હતો પરંતુ 2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ 26,000 સૈનિકોના સન્માનમાં વોર મેમોરિયલ બનાવવાનો વાયદો કર્યો હતો. સરકાર બનાવ્યાના એક વર્ષ બાદ ઓક્ટોબર 2015માં કેબિનેટે આ સ્મારક બનાવવા માટે 176 કરોડ રુપિયા ફાળવ્યા હતા.