કઠુઆ ગેંગરેપ કેસ: પીડિત પરિવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

0
2115

શ્રીનગર- દેશમાં ચર્ચા જગાવનારો કઠુઆ ગેંગરેપ અને મર્ડર કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પીડિત પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે, કેસની સુનાવણી જમ્મુ-કશ્મીરની બહાર કરવામાં આવે. આ અંગે સુપ્રીમ કોર્ટ આજે 2 વાગ્યે સુનાવણી કરશે. આ મામલે આજે સીજેએમ કોર્ટમાં પણ સુનાવણી યોજાવાની હતી, જે હવે 28 એપ્રિલે યોજાશે.અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ કેસને જમ્મુ-કશ્મીરથી ખસેડી ચંદીગઢ ટ્રાન્સફર કરવામાં આવે કારણકે જમ્મુમાં આ કેસની યોગ્ય સુનાવણી થઈ શકશે નહીં. આ ઉપરાંત અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કેસને રાજ્ય બહાર ટ્રાન્સફર કરવામાં ન આવે ત્યાં સુધી તપાસ આગળ વધારવામાં આવે નહીં. ઉપરાંત નેતાઓને સગીર આરોપી સાથે મુલાકાત પણ કરવા દેવામાં આવે નહીં. અને તપાસની રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.

આ ઘટનાક્રમ વચ્ચે આરોપીઓને મળી રહેલા સમર્થનથી પીડિત પરિવાર વધારે ભય અનુભવી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, તપાસમાં દોષી પુરવાર થશે તો, વકીલોના પ્રેક્ટિસના લાઈસન્સ પણ રદ કરવામાં આવશે. મહત્વનું છે કે, બાર કાઉન્સિલે આ કેસની તપાસ માટે 5 સદસ્યોની ટીમ નિયુક્ત કરી છે. અને વકીલોને તેમની હડતાળ સમેટી લેવા જણાવ્યું છે.