જસ્ટિસ લોયા કેસ: “પપ્પુએ તેમના પાપ તરફ ધ્યાન આપવું જોઈએ” : નકવી

નવી દિલ્હી- જસ્ટિસ બી.એચ. લોયા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હવે આ મામલે કોઈ તપાસ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોંગ્રેસ પાર્ટી પર આક્રમક વલણ અપનાવ્યું છે. બન્ને પાર્ટીના નેતાઓ તરફથી બયાનબાજી શરુ થઈ ગઈ છે. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. અને જણાવ્યું છે કે, ‘કોંગ્રેસ પાર્ટીએ દેશની માફી માગવી જોઈએ અને પપ્પુએ પોતાના પાપ તરફ ધ્યાન આપવું જોઈએ’.કોર્ટના ચુકાદા અંગે BJP નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, ‘સત્યમેવ જયતે, સત્યની જીત થઈ છે’. પીએમ મોદી અને અમિત શાહને બરબાદ અને બદનામ કરવાનું ષડયંત્ર નિષ્ફળ થયું છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ દેશની માફી માગવી જોઈએ. આટલી ટિપ્પણી ઓછી હોય તેમ નકવીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આત્મચિંતન કરવું જોઈએ અને પપ્પુએ પોતાના પાપ પર ધ્યાન આપવું જોઈએ.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે લોયા કેસ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાયપાલિકાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ડિસેમ્બર વર્ષ 2014માં નાગપુરમાં હાર્ટ એટેકના લીધે જસ્ટિસ લોયાનું મોત થયું હતું, જેને કોંગ્રેસ પાર્ટીએ શંકાસ્પદ હોવાનું જણાવી SIT દ્વારા તપાસની માગ કરી હતી.