PM મોદીએ સરહદ પર જવાનો સાથે ઉજવી દીવાળી, કહ્યું સેના છે મારો પરિવાર

શ્રીનગર- દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ સેનાના જવાનો સાથે દીવાળી ઉજવવાનો તેમનો ક્રમ યથાવત રાખ્યો છે. વડાપ્રધાન મોદી જમ્મુ-કશ્મીરના ગુરેજ સેક્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જવાનો સાથે દીવાળીપર્વની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સતત ચોથા વર્ષે બોર્ડર પર જવાનો સાથે દીવાળીની ઉજવણી કરી છે. અહીં તેમણે સંબોધનમાં ભારતીય સેનાને ન્યૂ ઈન્ડિયાનો ભાગ ગણાવી હતી.

વડાપ્રધાને જવાનોને મીઠાઈ ખવડાવી દીવાળીની શુભેચ્છા પાઠવી હતી. જવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ પણ પોતાના પરિવાર સાથે દીવાળી ઉજવવા માગે છે આથી તેઓ જવાનો પાસે આવ્યાં છે કારણ કે તેઓ સેનાના જવાનોને જ પોતાનો પરિવાર ગણે છે. આપને જણાવી દઈએ કે, પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સિયાચીનના જવાનો સાથે દીવાળી મનાવી હતી.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, જવાનો સાથે સમય પસાર કરીને તેમને નવી ઊર્જા પ્રાપ્ત થાય છે. OROP (વન રેન્ક વન પેન્શન) લાગુ કરવાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સુરક્ષાદળોના કલ્યાણાર્થે દરેક પ્રકારે કટિબદ્ધ છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જવાનોને યોગ અંગે પણ માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે, યોગ કરવાથી યોગ્યતા વધે છે અને શાંતિ પણ મળે છે. વડાપ્રધાને કહ્યું કે, સેનામાં પોતાની સેવા પૂરી કર્યા બાદ જવાનો યોગના ઉત્તમ શિક્ષક બની શકે છે. આ પ્રસંગે આર્મી ચીફ જનરલ બિપિન રાવત અને સેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.