આતંકીઓને મારીને ભારતીય સેનાએ પાક.ને કહ્યું ‘તમારા લોકોના મૃતદેહ લઈ જાઓ’

0
1734

શ્રીનગર- ગતરોજ પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓ પર અંધાધુંધ ગોળીબાર કરતા ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં બન્ને ઘુસણખોર પાકિસ્તાની આતંકીઓને સરહદ ઉપર જ ઠાર માર્યા હતા.ભારતીય સેનાએ પાકિસ્તાનને સખત સંદેશ આપ્યો છે. સાથે જ આ બન્ને ઘુસણખોર આતંકીઓના મૃતદેહ પરત લઇ જવા પણ જણાવ્યું છે. સેનાના અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનને પોતાની ધરતી પર ચાલતા આતંકવાદના સફાયા માટે ચેતવણી પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજોરી સેક્ટરમાં પાકિસ્તાનના છ આતંકીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન સામસામેના ફાયરિંગમાં ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા. જ્યારે સેનાએ બે આતંકીઓને સ્થળ પર જ ઠાર માર્યા હતા. અન્ય આતંકીઓ પાકિસ્તાન પરત ભાગવામાં સફળ થયા હતા. માર્યા ગયેલા બન્ને આતંકીઓના મૃતદેહોને પરત લઇ જવા માટે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે.

જોકે પાકિસ્તાન તેની હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું. અને આતંકીઓને ભારતમાં ઘુસાડવા સતત ગોળીબાર કરતું રહે છે. હાલ કશ્મીરમાં અનેક આતંકીઓ સક્રિય છે. અને હુમલા કરી રહ્યા છે. અને ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત ભારતીય સેના આતંકીઓને યોગ્ય જવાબ આપી રહી છે.