CJI મહાભિયોગ મામલે કોંગ્રેસને ‘સુપ્રીમ ઝાટકો’, પરત લેવી પડી અરજી

0
2103

નવી દિલ્હી- ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામેના મહાભિયોગ પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દ્વારા રદ કરાયા બાદ કોંગ્રેસ પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જોકે કોંગ્રેસને પોતાની અરજી પરત લેવાની ફરજ પડી છે. 5 જજોની બંધારણીય પીઠે કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલી અરજીને રદ જાહેર કરી છે.સર્વોચ્ચ અદાલતમાં આ સમગ્ર ઘટનાને લઈને નાટકીય વળાંક જોવા મળ્યો હતો. CJI સામેના મહાભિયોગ પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દ્વારા રદ કરવાની અરજી એવા સમયે પરત ખેંચવામાં આવી જ્યારે પાંચ જજોની બનેલી બંધારણીય પીઠે વહીવટી આદેશની નકલ શેર કરવાનો ઈનકાર કર્યો હતો. આ બાબતે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, બંધારણીય પીઠે વહીવટી આદેશની નકલને શેર કરવાનો ઈનકાર કર્યો જે ઘણી નિરાશાજનક બાબત છે.

ન્યાયમૂર્તિ સિકરીના નેતૃત્વમાં બનેલી ખંડપીઠે જણાવ્યું કે, તેમની પાસે વહીવટી આદેશની કોઈ જ નકલ ઉપલબ્ધ નથી. પાંચ ન્યાયમૂર્તિઓની બેન્ચે જણાવ્યું કે, આ બાબતની સુનાવણી મેરિટ પર થવી જોઈએ. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના નેતા વકીલ કપિલ સિબલે પાંચ જજોની પીઠના ગઠન અંગે સવાલ ઉઠાવ્યો હતો. સિબલે કહ્યું કે, અરજીને હજી નંબર આપવામાં નથી આવ્યો, એડમીટ નથી કરવામાં આવી તો રાતોરાત જજોની બેન્ચ કોણે બનાવી? આ બેન્ચનું ગઠન કોણે કર્યું તે જાણવું જરૂરી છે.

શું છે કોંગ્રેસનો તર્ક?

આ અંગે કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, રાજ્યસભાના સભાપતિએ કાયદા અને બંધારણના જાણકાર લોકો સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોની કમિટી બનાવી મહાભિયોગ પ્રસ્તાવ અંગે તપાસ કરાવવી જોઈએ. પણ તેમણે આ નિર્ણય કમિટી બનાવવા અથવા તેનો રિપોર્ટ આવ્યા પહેલા જ કર્યો છે. જે અંગે સર્વોચ્ચ અદાલતમાં ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવી હતી.