કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ રાજકીય પક્ષોના પ્રચારપડઘમ આજથી શાંત થયા

બેંગલુરુ – ખૂબ મહત્વ ધરાવતી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે રસાકસભર્યા બની રહેલા પ્રચારનો આજે સાંજે પાંચ વાગ્યાથી અંત આવી ગયો છે.

રાજ્યના કુલ 223 મતવિસ્તારો માટે મતદાન 12 મેએ થવાનું છે અને 15 મેએ પરિણામ જાહેર થશે.

ચૂંટણી જીતવાની આશા ધરાવતા પક્ષોએ આજે પ્રચારના છેલ્લા દિવસે ઢગલાબંધ રેલીઓ યોજી હતી અને મતદારોને રીઝવવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો.

કર્ણાટકમાં કોંગ્રેસને સત્તા પરથી ઉખેડી નાખવા માટે પ્રયત્નશીલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ અને પક્ષના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર બી.એસ. યેદીયુરપ્પાએ રાજ્યના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસી નેતા સિદ્ધરામૈયાના મતવિસ્તાર બદામીમાં રોડશો કર્યો હતો.

બીજી બાજુ, કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને સિદ્ધરામૈયાએ પણ ચૂંટણી રેલીઓ યોજી હતી.

મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરવામાં પ્રાદેશિક પક્ષોએ પણ કોઈ કચાશ રાખી નથી.

રાજ્યની ચૂંટણીમાં આ વખતે કુલ 2,655 ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. આમાં 219 મહિલાઓ છે.

2013ની ચૂંટણીમાં 2,788 ઉમેદવારો હતા. આમ, એ વખતની ચૂંટણીની સરખામણીમાં આ વખતે 352 ઉમેદવારો ઓછા છે. 2013ની ચૂંટણીમાં 170 મહિલા ઉમેદવારો હતો. આ સંખ્યા આ વખતે 49 વધારે છે.

આ વખતની ચૂંટણીમાં 1155 અપક્ષ ઉમેદવારો ઊભા છે. આ આંકડો 2013ની ચૂંટણી વખતે 1223 હતો.