કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ટુકડા ગેંગે બનાવ્યો, ભાજપ ખૂબ ભડક્યો….

નવી દિલ્હી- કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019ને લઈને ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ભાજપે જોરદાર પ્રહાર કર્યા છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના વચનોથી દેશને ખતરો છે. જેટલીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે ઘોષણા પત્ર બનાવવા માટે એક ડ્રાફ્ટિંગ કમિટીની રચના તો કરી હતી પરંતુ, ચૂંટણી ઢંઢેરો જોતાં એવું લાગી રહ્યું કે, આમાના કેટલાક મહત્વના મુદ્દાઓ ટુકડે-ટુકડે ગેંગમાં રહેલા રાહુલ ગાંધીના મિત્રોએ તૈયાર કર્યાં છે. જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં એવા એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશને તોડવાનું કામ કરી શકે છે.

કોંગ્રેસ તેમના ઘોષણા પત્રમાં વચન આપ્યું છે કે, તેમની પાર્ટી સત્તા પર આવશે તો, સુરક્ષા દળોની તહેનાતીની સમીક્ષા કરશે, આ ઉપરાંત AFSPAની પણ સમીક્ષા કરશે. જો પાર્ટી સત્તામાં આવશે તો જમ્મુ-કશ્મીર પોલીસને વધુ જવાદારી આપશે. આ ઉપરાંત કોંગ્રેસના ઘોષણા પત્રમાં દેશદ્રોહ સાથે જોડાયેલ કાયદાની કલમ 124-Aને પણ ખત્મ કરવાની વાત કહેવામાં આવી છે.

કોંગ્રેસના આ વચનોથી ભાજપ ભડકી ઉઠ્યું છે. અરુણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસનું આજનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓના ચંગુલમાં છે, કોંગ્રેસે આઈપીસી સેક્શન 124-Aને ખત્મ કરવાની વાત કરી છે. દેશદ્રોહ કરવો હવે અપરાધ નથી, જે પાર્ટી આવા પ્રકારની જાહેરાત કરે છે,તેમને એક મત મેળવવાનો પણ અધિકાર નથી.

જેટલીએ કહ્યું કે, જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહે પણ આમાં ફેરફાર કરવાની કોશિશ કરી નહતી. છેલ્લા 72 વર્ષોમાં ભારતને આતંકવાદનો સૌથી વધુ ત્રાસ ભોગવવો પડયો છે. AFSPAને નબળો પાડવાની વાત કરી રહી છે કોંગ્રેસ. તેમના ઘોષણા પત્ર અનુસાર હવે સેનાના અધિકારી ઉપર કોઈ પણ સરકારી મંજૂરી વગર કેસ દાખલ કરી શકાશે. જેટલીએ કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે, આતંકવાદીઓ અને હાર્ડકોર ક્રિમિનલ્સને વધુમાં વધુ બળ મળે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જેલ થાય. અંતે તેમણે કહ્યું કે, જો આ થિયરીનું પાલન કરવામાં આવ્યું તો, રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર પડકારોનો સામનો કરવો પડશે.