રાજકોટ ભાજપનો ગઢ છે તેથી કોંગ્રેસની ડિપોઝીટ અહીંથી ડૂલ થવી જોઇએ: રૂપાણી

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ અગાઉ ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને મુખ્યપ્રધાને સંબોધન કર્યુ હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશાળ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૦૧૪ પહેલા યુપીએની સરકાર સોનીયા ગાંધીના ઇશારે ચાલતી હતી, તેથી દેશમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોએ માઝા મુકી હતી. જેને કારણે દેશ ઘણો પાછળ રહી ગયો હતો, તેથી દુનિયામાં ભારતની ખુબ બદનામી થતી હતી. છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ સમગ્ર દુનિયામાં દેશનું નામ રોશન કર્યુ છે. દેશને ભ્રષ્ટાચારમુક્ત કર્યો છે અને દેશભક્તિની મિશાલ આપી છે.

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક તરફ રાષ્ટ્રવાદ – દેશભક્તિ છે તો બીજી તરફ વોટબેંકની રાજનીતિ કરનારા જાતિવાદ – જ્ઞાતિવાદ – તૃષ્ટિકરણની રાજનીતિ કરનારા છે. પરિવારવાદની રાજનીતિ કરનારાઓએ સ્વપ્ને પણ એવું નહીં વિચાર્યુ હોય કે દેશનો એક સામાન્ય નાગરિક- ચાવાળા દેશના વડાપ્રધાન પદે કેવી રીતે પહોંચી શકે ? વડાપ્રધાન તો રાજપરિવારનો યુવરાજ જ બની શકે તેવી માનસિકતા ધરાવતી કોંગ્રેસ આજે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારી રહી છે.

અગાઉ યુપીએના શાસનમાં દેશમાં ઠેર-ઠેર ત્રાસવાદી હુમલાઓ થતાં હતાં. ત્રાસવાદના મુદ્દે તેમનું વલણ ખૂબ જ નરમ હતું.  નરેન્દ્ર મોદીએ હવે અંતરિક્ષ ક્ષેત્રે દેશને સલામત અને સક્ષમ બનાવ્યો છે. એક તરફ બાંગ્લાદેશી ઘુષણખોરો માટે વોટબેંક ઉભી કરનાર તો બીજી તરફ ભાજપ સરકારે તેમને દેશમાંથી ખદેડી નાંખવા પગલાં લીધા છે.

કોંગ્રેસ અને ગઠબંધનને પડકારતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની જનતા જાણવા માંગે છે કે કોંગ્રેસ અને ગઠબંધન કોને વડાપ્રધાન બનાવવા માંગે છે ? હકીકતમાં આ ગઠબંધન નહીં પરંતુ ઠગબંધન છે. તેઓનો માત્ર એકજ એજન્ડા છે – નરેન્દ્રભાઇ મોદીને હટાવો. નરેન્દ્ર મોદીની સરકાર સ્થિર સરકાર છે અને તેમાં અસ્થિતરતા કેવી રીતે સર્જાય તેવા નિષ્ફળ પ્રયાસો કોંગ્રેસ અને ગઠબંધન કરી રહ્યાં છે ત્યારે ભારતને વિશ્વગુરુ અને મહાસત્તા બનાવવા માટે અને આતંકવાદનો સફાયો કરવા માટે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને પુર્ણ બહુમતી સાથે પુન:સત્તામાં આરૂઢ કરીએ.

રૂપાણીએ સામ પિત્રોડાને શેમ પિત્રોડા અને મણીશંકર ઐયરને પાકિસ્તાનના પીઠ્ઠુઓ જણાવ્યા હતાં. બાલાકોટ એરસ્ટ્રાઇક મુદ્દે આતંકવાદીઓને પોષનાર પાકિસ્તાન આજે સમગ્ર દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું  છે. આ ચૂંટણીમાં જો નરેન્દ્ર મોદી શપથ લેશે તો દેશમાં મહાપર્વ દિવાળી ઉજવાશે અને જો કોંગ્રેસને ફાયદો થશે તો પાકિસ્તાન ઉત્સવ મનાવશે.

૫૫ વર્ષ સુધી કોંગ્રેસે ગરીબો માટે કશું કર્યું ન હતું, કિસાનોને પાણી, ખાતર વગેરે પાયાની જરૂરિયાતો પુરી પાડી શકી નહોતી તેથી ખેડુતો આત્મહત્યા કરતા હતાં. ગરીબલક્ષી યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું અંબાણી અને અદાણી માટે બનાવી છે ?  જનધન યોજના અંતર્ગત ગરીબોના બેંકમાં ખાતા ખોલાવી સીધા પૈસા ખાતામાં જમા થાય તેવું કરતાં વચેટિયાઓને હવે મલાઇ મળતી બંધ થઇ ગઇ છે. મોદીના નેતૃત્વમાં ચીનની દાદાગીરી સામે ટક્કર લેવા આજે દેશ સક્ષમ બન્યો છે. આજે સમગ્ર દેશની જનતા સ્પષ્ટપણે એવું માને છે કે ‘‘મોદી હૈ તો મુમકીન હૈ’’.

રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ભાજપાનો ગઢ છે તેથી કોંગ્રેસની ડિપોઝીટ અહીંથી ડુલ થવી જોઇએ. રાજકોટ ભારે બહુમતી સાથે લોકસભાની બેઠક ઉપર કમળ ખીલવશે તો ગુજરાતની ૨૬ બેઠકો ઉપર પણ કમળ જરૂરથી ખીલશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]