ચૂંટણી અધિકારી સામે હાઈકોર્ટે ફટકારી નોટિસ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતનો કેસ…

અમદાવાદઃ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીત અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે થયેલા કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઇલેક્શન પિટિશન અંગે આજે સુગુજરાત હાઈકોર્ટમાં નાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે જુબાની આપનારા ચૂંટણીપંચના રીટર્નિંગ ઓફિસર ધવલ જાની સામે નોટિસ બજાવી છે.
અગાઉ ચૂંટણીના રીટર્નિંગ ઓફિસર તરીકે ધવલ જાનીએ જુબાની આપી હતી. હાઇકોર્ટને જુબાનીમાં ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગતાં નોટિસ બજાવી છે અને હાઇકોર્ટે ધવલ જાનીને પક્ષકાર બનાવ્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આ નોટિસ ફટકારી છે. સાથે આ મામલે વધુ સુનાવણી 16 એપ્રિલે હાથ ધરાશે. ઉપરાંત ધવલ જાનીને પોતાનો પક્ષ રજૂ કરવાનો હુકમ પણ હાઇકોર્ટે કર્યો હતો.

આપને જણાવીએ કે વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 327 મતે જીત થઇ હતી. ત્યાર બાદ તેમની સામે લડેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે તેમની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. તેમણે દાવો કર્યો હતો કે, મતગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ જીત્યાં છે.